રોજ..રોજ..નવા નિયમ : વેક્સિન લેવા આવતા લોકોએ કહ્યું, જો ટોકન લઈને જ વેક્સિન મળશે તો પછી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો શું મતલબ?

રોજ..રોજ..નવા નિયમ : વેક્સિન લેવા આવતા લોકોએ કહ્યું, જો ટોકન લઈને જ વેક્સિન મળશે તો પછી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો શું મતલબ?

  • 18+નું વેક્સિનેશન શરૂ થતા 45+ માટે વેક્સિન ખુટી પડવાના કિસ્સા વધ્યા
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ટોકન લઈ કલાકો સુધી સેન્ટરો પર બેસી રહેવું પડે છે

શહેરમાં એકતરફ વેક્સિનેશનને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે તો બીજીતરફ 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવી-નવી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. પહેલા 18+નું વેક્સિનેશન શરૂ થતા 45+ માટે વેક્સિન ખુટી પડી હતી. ત્યારે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ટોકન સિસ્ટમ ચાલું થતા કલાકો સુધી સેન્ટરો પર બેસી રહેવાનો વારો આવ્યો છે.

વેક્સિનેશનના નિયમો પર ઉઠ્યા સવાલો
18+ના વેક્સિનેશનની શરૂઆત બાદથી જ અમદાવાદના મોટાભાગના વેક્સિનેશન સેન્ટરો પર સ્લોટ 5-5 દિવસો માટે ફૂલ થઈ જાય છે. જેના કારણે 45 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનનો બીજો ડોઝ લેવો મુશ્કેલ બની રહ્યો છે. કેટલાક સેન્ટરો પર વેક્સિન ખુટી પડતા ધક્કા ખાઈ ઘરે પરત જવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે હવે વેક્સિનેશનના નિયમો પર સવાલો ઉઠી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો ટોકન લઈને કલાકો સુધી બેસી રહેવાનું હોય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનો શું મતલબ છે.

સોલા સિવિલમાં 26 મે સુધી સ્લોટ ફૂલ
કેટલાક લોકોની એવી પણ ફરિયાદો છે કે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ નંબર આવે અને વેક્સિન લેવા માટે સેન્ટર પર જઈ તેમ છતા વેક્સિન મળતી નથી. અને આજે વેક્સિન પતી ગઈ છે કાલે આવજો એમ કહીને ઘરે પરત મોકલી દે છે. જ્યારે કેટલાક સેન્ટરો પર ટોકન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. બીજીતરફ સોલા સિવિલમાં 45+ માટે આગામી 26 મે સુધી સ્લોટ ફૂલ થઈ ગયા છે.

1 લાખ 86 હજાર 774ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 86 હજાર 774ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 1 લાખ 60 હજાર 781 લોકોને પ્રથમ ડોઝ અને 28 લાખ 69 હજાર 476 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 30 લાખ 30 હજાર 257નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 27 હજાર 776ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37 હજાર 609 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 9 હજાર 367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1 લાખ 47 હજાર 525 એક્ટિવ કેસ અને 786 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 45 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8035 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 90 હજાર 412 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 47 હજાર 525 એક્ટિવ કેસ છે, જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 46 હજાર 739 દર્દીની હાલત સ્થિર છે.

( Source – Divyabhaskar )