કોરોનાને હરાવવાની દિશા : ઇઝરાયલ 54% વસતીને રસી આપીને કોરોના સામે જીત્યું; ઓસિટ્રેલિયા-ઇટાલીની સ્થિતિ પણ સુધરી

કોરોનાને હરાવવાની દિશા : ઇઝરાયલ 54% વસતીને રસી આપીને કોરોના સામે જીત્યું; ઓસિટ્રેલિયા-ઇટાલીની સ્થિતિ પણ સુધરી

ઇઝરાયલના સંક્રમણનો દર 0.4%, 200થી વધુ ટેસ્ટમાં 1 દર્દી મળે છે

ઇઝરાયલમાં 20 એપ્રિલ બાદ ખુલ્લા જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી નહીં રહે. જોકે, બંધ સ્થળોએ માસ્ક જરૂરી રહેશે. સંક્રમણના દરમાં ભારે ઘટાડા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. બીજી તરફ સ્કૂલ-કોલેજો પણ ખોલી દેવાઇ છે. હવે કોરોના પ્રોટોકોલ જેવા કોઇ નિયંત્રણ નહીં હોય. અંદાજે 93 લાખની વસતીવાળા ઇઝરાયલમાં 58% લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઇ ચૂક્યા છે. 1 ફેબ્રુઆરી સુધીમાં 20% વસતીને બંને ડોઝ આપી દેવાયા હતા. ત્યાર બાદ સંક્રમણનો દર ઘટવાનું શરૂ થયું. ત્યારે સંક્રમણનો દર 10% હતો, જે હવે 0.4% થઇ ચૂક્યો છે. મતલબ કે 200થી વધુ ટેસ્ટમાં એક દર્દી મળી રહ્યો છે. બીજી તરફ ભારતમાં વેક્સિનેશન શરૂ થયાને 92 દિવસ વીતી ચૂક્યા હોવા છતાં હજુ સુધી માત્ર 1.2% વસતીને જ વેક્સિનના બંને ડોઝ આપી શકાયા છે.

ઇઝરાયલે ગયા અઠવાડિયે જાહેર કર્યું હતું કે મે મહિનાથી દેશમાં વિદેશી પર્યટકો પણ આવી શકશે અને તેમનું વેક્સિનેશન પણ કરાશે. ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થયા બાદ ઇઝરાયલમાં સંક્રમણના કુલ 8.36 લાખ કેસ સામે આવ્યા હતા અને 6,331 દર્દીના મોત થયા હતા. ઇઝરાયલે ડિસેમ્બરમાં વેક્સિનેશન શરૂ કર્યા બાદથી જ ગંભીર કેસ અને મોત ઘટ્યા છે અને અર્થતંત્ર પણ સંપૂર્ણપણે ખોલી દેવાની મંજૂરી આપી દેવાઇ છે. જોકે, ઇઝરાયલના નિયંત્રણ હેઠળના વેસ્ટ બેન્ક અને ગાઝામાં ધીમા વેક્સિનેશન બદલ સરકારની ટીકા થઇ રહી છે.

ઓસ્ટ્રેલિયા કોરોનામુક્ત
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રવિવારે કહ્યું કે ઓસ્ટ્રેલિયા લગભગ કોરોનામુક્ત થઇ ગયું છે. તે છતાં અમે માર્ચ, 2020થી બંધ અમારી સરહદો ખોલવામાં ઉતાવળ નહીં કરીએ. વેક્સિન લઇ ચૂકેલા નાગરિકો જરૂરી કામથી વિદેશ જઇ શકે છે પણ પાછા ફર્યા બાદ તેમણે ક્વોરેન્ટાઇન થવું પડશે.

ઇટાલીમાં મૃત્યુ 14% ઘટ્યાં
​​​​​​​ઈટાલીમાં પણ કોરોના સંક્રમણની સ્થિતિ સુધરી રહી છે. અહીં કોરોનાના સાપ્તાહિક કેસમાં 2% અને મૃત્યુમાં 14%નો ઘટાડો નોંધાયો છે. આ મુદ્દે સરકારે કહ્યું છે કે, 26 એપ્રિલથી અનેક સ્થળે લૉકડાઉનમાં ઢીલ અપાશે, પરંતુ આ દરમિયાન લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

( Source – Divyabhaskar )