દુનિયાને ધંધે લગાડી પોતાનો ધંધો વધાર્યો : વિશ્વભરમાં કોરોના ફેલાવનારા ચીનનો GDP 18% વધ્યો

દુનિયાને ધંધે લગાડી પોતાનો ધંધો વધાર્યો : વિશ્વભરમાં કોરોના ફેલાવનારા ચીનનો GDP 18% વધ્યો

કોરોનાના કારણે દુનિયાભરનાં અર્થતંત્રો મુશ્કેલીમાં મુકાયાં છે, જ્યારે ચીને માર્ચ ત્રિમાસિકમાં રેકોર્ડબ્રેક 18.3%નો જીડીપી ગ્રોથ હાંસલ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. કહેવાય છે કે, નિકાસ અને સ્થાનિક બજારોમાં સારી માંગ તેમજ સરકાર દ્વારા નાના વેપારીઓને સતત પ્રોત્સાહન આપવાના કારણે ચીન આ સિદ્ધિ મેળવી શક્યું છે.

આંતરરાષ્ટ્રીય અહેવાલો પ્રમાણે, ચીને જારી કરેલા આંકડા પ્રમાણે માર્ચ 2021માં કુલ ઘરેલુ ઉત્પાદન 18.3% વધ્યું છે, જે ચીન દ્વારા 1992થી રેકોર્ડ કરાયેલા જીડીપીના ઈતિહાસનો સૌથી ઊંચો આંકડો છે. ચીનમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું નાણાકીય વર્ષ હોય છે, એ રીતે આ પહેલા ત્રિમાસિકનો આંકડો છે. ગયા વર્ષના અંતિમ એટલે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં ચીનના જીડીપીમાં 6.5%નો વધારો થયો હતો.

આ ઉપરાંત ચીનના જીડીપીમાં વધારો થવાનું કારણ નિકાસમાં થયેલો વધારો પણ છે. દુનિયાના બીજા દેશોમાં અર્થતંત્રો ખૂલવાના શરૂ થયાં છે, ત્યારે ચીનના કારખાનામાં ભરપૂર ઉત્પાદન ચાલુ છે. આ માલ સ્થાનિક બજારોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ નિકાસ કરાયો છે. ચીનના જીડીપીનો વધારો બેઝ ઈફેક્ટનું પરિણામ પણ લાગી રહ્યો છે

કારણ કે, ચીને તેનાં વિવિધ શહેરોમાં બીજા દેશો કરતાં પહેલાં જ લૉકડાઉન જેવા ઉપાયો કર્યા હતા. આમ, કોરોના સામે લડવામાં પણ સૌથી આગળ રહ્યું છે. અગાઉ જાન્યુઆરીથી માર્ચ 2020ના ત્રિમાસિકમાં ચીનના જીડીપીમાં 6.8%નો ભારે ઘટાડો થયો હતો.

ચીનનો જીડીપી વધવાથી અમેરિકી શેરબજારમાં તેજી

ચીનનો જીડીપી વધવાથી શુક્રવારે અમેરિકાના શેરબજારો અને ગ્લોબલ ઈક્વિટી માર્કેટ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું હતું. એસ એન્ડ પી 500 અને ડૉવ ઈન્ડેક્સે પાછલા બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા હતા, જે બેંકોની આવક અને નફો વધવાની સાથે અમેરિકન અર્થતંત્ર પાટા પર પાછું ફરશે તેનો સંકેત મનાય છે. આ ઉપરાંત અમેરિકામાં રિટેલ સેલ્સમાં પણ 10 મહિનાનો સૌથી મોટો વધારો નોંધાયો છે. અમેરિકામાં રોજગારી સર્જનના પણ સમાચારો વહેતા થયા છે. આ કારણસર ભારતીય શેરબજારોમાં પણ શુક્રવારે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.

( Source – Divyabhaskar )