ઓક્સિજનની જરૂર પડે ત્યારે રેમડેસિવિર આપવાથી રિકવરી ઝડપી થાય,

ઓક્સિજનની જરૂર પડે ત્યારે રેમડેસિવિર આપવાથી રિકવરી ઝડપી થાય,

રાજ્યની કોવિડ ટાસ્કફોર્સ કમિટીના સભ્ય અને ચેપી રોગોના નિષ્ણાત ડો.અતુલ પટેલે જણાવ્યું

રેમડેસિવિરને લઈને હાલ ઘણા લોકોના મનમાં સવાલો છે. માર્કેટમાં તેની ખૂબ અછત હોવાનું વારંવાર કહેવાય છે. જાણે રેમડેસિવિર કોઇ રામબાણ હોય અને તે આપ્યા બાદ દર્દી મોતના મુખમાંથી બહાર આવે તેવો માહોલ કેટલાક લોકોએ બનાવ્યો છે અને તેથી જ લોકો કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ઓક્સિજનની જરૂર હોય કે ન હોય પણ તે ખરીદવાનો આગ્રહ રાખતા કૃત્રિમ અછત ઊભી થઈ છે.

લોકોને મૂંઝવતા આ તમામ પ્રશ્નો ચેપી રોગોના નિષ્ણાત તેમજ રાજ્યની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો.અતુલ પટેલને પહોંચાડ્યા હતા અને તેમણે તમામનો જવાબ આપ્યો હતો અને સ્પષ્ટ કહ્યું છે કે, રેમડેસિવિર આપવાથી રિકવરી પાંચ દિવસ વહેલી આવે છે પણ તે આપવાથી કોઇનો જીવ બચી જાય તેમજ મૃત્યુદર ઘટે તેવું સાબિત થયું નથી તેથી લોકો ઉપયોગમાં સંયમ રાખે ગભરાય નહીં.

રેમડેસિવિર ઇન્જેક્શન વિષે લોકોને મૂંઝવતા સવાલ અને ડો.પટેલે આપેલા જવાબ

પ્રશ્નઃ રેમડેસિવિર શું છે અને શું કામ કરે છે?
જવાબઃ રેમડેસિવિર એ એન્ટિવાઇરલ છે. વાઇરસમાં એક એન્ઝાઈમ હોય છે જેના મારફત તે એકથી બે અને તેમાંથી અનેક ગણા થાય છે. રેમડેસિવિર આ એન્ઝાઈમને બ્લોક કરે છે અને વાઇરસને વધતો અટકાવે છે.

પ્રશ્નઃ રેમડેસિવિર પહેલા શેમાં વપરાતુંં ?
જવાબઃ 
ઈબોલાની મહામારી ફેલાઈ ત્યારે રેમડેસિવિરનું ટ્રાયલ થયું હતું અને વપરાતી ન હતી પણ એપ્રૂવલ મળ્યું ન હતું. કોવિડ માટે ઈમરજન્સી ઓથોરાઈઝેશનમાં મળ્યું છે.

પ્રશ્નઃ કોવિડમાં ક્યા તબક્કામાં ઈન્જેક્શન આપવાનું હોય છે ?
જવાબઃ કોવિડમાં શરૂઆતમાં આપવાનું ન હોય. પણ જ્યારે દર્દીને ઓક્સિજન પર રાખવાની જરૂર પડે ત્યારે આ દવાનો ઉપયોગ કરવાની સલાહ વિશ્વની મોટામાં મોટી ચેપી રોગોનું એસોસિએશન આઈડીએસએ દ્વારા અપાઈ છે.

પ્રશ્નઃ આ દવાનો સક્સેસ રેશિયો કેટલો છે?
જવાબઃ આ દવા એક વર્ષથી વપરાય છે અને ઘણા સ્ટડી પણ થઈ ગયા છે જેમાં જાણવા મળ્યું છે કે, આ દવાથી કોઇનો જીવ બચ્યો હોય તેવું કોઇ તારણ મળ્યું નથી. જે મોડરેટ અને સિવિયર કેસના દર્દીઓ છે એ લોકોનો હોસ્પિટલમાં રહેવાનો સમય છે તે સફળતાપૂર્વક પાંચ દિવસ સુધી ઘટી શકે છે.

પ્રશ્નઃ ​​​​​​​રેમડેસિવિર આપવી જોઇએ તેવી સલાહ આપો ખરી ?
જવાબઃ જેને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તે દર્દીને રેમડેસિવિર આપી શકાય.

પ્રશ્નઃ હાલ જે શોર્ટેજ ઊભી થઇ છે તેના વિશે શું કહેશો ?
જવાબઃ દેશમાં 6 કંપનીઓ રેમડેસિવિર બનાવે છે અને પૂરતો સ્ટોક મળી જાય છે અમદાવાદમાં કોઇ અછત નથી, રાજકોટમાં અછત છે કારણ કે, લોકોએ નિદાન થતાં જ ઉપયોગ વગર સ્ટોક કરવાનું ચાલુ કર્યું છે.

પ્રશ્નઃ ​​​​​​​રેમડેસિવિરની સરખામણીએ કોઇ દવા ખરી ?
જવાબઃ ​​​​​​​રેમડેસિવિર સિવાય ઘણી બધી દવાઓ છે જેમ કે ડેક્સામેથાઝોન, ટોસિલિઝુમેબ સહિતની ઘણી બધી દવાઓ છે જે ઓક્સિજનની જરૂર પડે પછી આપવાની છે. આ બધી જ પછી આપવાની છે શરૂઆતના તબક્કામાં દવાની જરૂર જ નથી.

( Source – Divyabhaskar )