દારૂબંધીથી ગુજરાત સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે: નીતિન પટેલ

દારૂબંધીથી ગુજરાત સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે: નીતિન પટેલ

કેન્દ્ર સરકારના આગામી બજેટ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને શુક્રવારે દિલ્હી ખાતે રાજ્યોના નાણાંમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂઆત કરી હતી કે, દારૂબંધીને કારણે ગુજરાતની ટેક્સની હજારો કરોડની આવકને નુકસાન થાય છે, જે કેન્દ્ર સરકારે ભરપાઈ કરવી જોઈએ.

જે રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં ટેક્સની હજારો કરોડની આવક પ્રાપ્ત થાય છે. ના. મુખ્યમંત્રી-નાણાંમંત્રીએ રજૂઆત કરી હતી કે, સરકારે 20 વર્ષથી ઓવર ડ્રાફ્ટ લીધો નથી, નાણાકીય શિસ્ત ધરાવતા ગુજરાતને પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવી જોઈએ.

ગુજરાત પાણીની અછતવાળું રાજ્ય છે છતાં મોટી પાઈપલાઈનોનું માળખું છે, પંપિગ સ્ટેશનો છે, તેના સંચાલન, જાળવણી અને વીજ બિલો માટે ભારત સરકારે ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાની ‘નલ સે જલ’ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ગુજરાત 78 ટકા ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડે છે. પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓ પહોળા કરવા, રિકારપેટ કરવા, વધુ ગ્રાન્ટ ફાળવવા અપીલ કરાઈ હતી.

પાક વીમા યોજના સરળ બનાવો, ફરજિયાત નહીં
પ્રધાનમંત્રી પાક વીમા યોજના સરળ બનાવવી જોઈએ. જે ખેડૂતો પાક વીમો લેવા માગતા હોય તેને જ લાભાર્થી બનાવવા જોઈએ. યોજના ફરજિયાત ન હોવી જોઈએ.

હાઈસ્કૂલો માટે ગ્રાન્ટ ફાળવો, વૃદ્ધ-વિધવા પેન્શન વધારો
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટેબલ હાઈસ્કૂલો માટે ગ્રાન્ટ ફાળવવી જોઈએ. આશા અને આંગણવાડી વર્કર, મ.ભો.યો.કર્મીઓના માનદ વેતનમાં વધારો કરો, વૃદ્ધ-વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શનમાં વધારો કરો.