સરકારે વિધાનસભામાં જણાવ્યું : મુખ્યમંત્રી, રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લેન, હેલિકોપ્ટરના મેન્ટેનન્સ માટે ગુજરાત સરકાર રોજના રૂ.3.24 લાખ ખર્ચે છે

સરકારે વિધાનસભામાં જણાવ્યું : મુખ્યમંત્રી, રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લેન, હેલિકોપ્ટરના મેન્ટેનન્સ માટે ગુજરાત સરકાર રોજના રૂ.3.24 લાખ ખર્ચે છે

પ્લેનના મેન્ટેનન્સમાં એક જ વર્ષમાં ચાર ગણો વધારો થયો

મુખ્યમંત્રી, રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લેન અને હેલિકોપ્ટરનાં મેન્ટેનન્સ, પાઇલટ અને અન્ય સ્ટાફ પાછળ બે વર્ષમાં 23.69 કરોડનો ખર્ચ કરાયો હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. આમ સરકારે પ્લેન-હેલિકોપ્ટર પાછળ રોજના સરેરાશ 3.24 લાખ ખર્ચ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી માહિતી મુજબ પ્લેન માટે વર્ષ 2019માં 3.59 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જ્યારે વર્ષ 2020માં 13.31 કરોડનો ખર્ચ થયો હતો. પ્લેનના મેન્ટેનન્સમાં એક જ વર્ષમાં ચાર ગણાથી પણ વધુ વધારો થયો હતો. હેલિકોપ્ટર પાછળ વર્ષ 2019માં 3.41 કરોડ જ્યારે 2020માં 3.36 કરોડ મળી બે વર્ષમાં 6.78 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

સરકારે જણાવ્યું હતું કે પ્લેનનું મેન્ટેનન્સ મે. એરવર્કસ ઇન્ડિયા એન્જિનિયરિંગ પ્રા. લિ. દ્વારા અને જેટ પ્લેનનું મેન્ટેનન્સ મે. ઇન્ડામર એવિએશન પ્રા.લિ. દ્વારા જ્યારે હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ મે. ઇન્ડોકોપ્ટર્સ પ્રા. લિ. દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવે છે. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે ગુજરાતની પ્રજા મોંઘવારી, મંદી અને બેરોજગારીનો સામનો કરી રહી છે. કોરોનાને કારણે મોટી સંખ્યામાં કારખાનાં બંધ થઈ જતા યુવાનોની નોકરી જતી રહી છે ત્યારે જનતાને વીજ બિલમાં, શિક્ષણ ફીમાં રાહત આપવાને બદલે માસ્કના નામે કરોડો રૂપિયાનો દંડ પ્રજાના ખિસ્સામાંથી ખંખેરી લીધો છે.

( Source – Divyabhaskar )