એક જ મહિનામાં આપણે ‘અમેરિકા ફર્સ્ટ’થી ‘અમેરિકા લાસ્ટ’ પર પહોંચી ગયા છીએ – ડોનાલ્ડ ટ્રમ્પ

એક જ મહિનામાં આપણે ‘અમેરિકા ફર્સ્ટ’થી ‘અમેરિકા લાસ્ટ’ પર પહોંચી ગયા છીએ – ડોનાલ્ડ ટ્રમ્પ

  • ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના સંકેત આપ્યા
  • બાઇડન પર નિશાન સાધતાં ટ્રમ્પે કહ્યું, આપણે ‘અમેરિકા ફર્સ્ટ’થી ‘અમેરિકા લાસ્ટ’ પર પહોંચી ગયા

વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પ્રથમ વખત લોકોની સામે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેમણે રવિવારે કહ્યું હતું કે મારો રિપબ્લિકન પાર્ટીથી અલગ થવાનો કોઈ ઇરાદો નથી. હું કોઈ નવી પાર્ટી બનાવવા નથી માગતો.

તેમણે જણાવ્યું હતું કે ‘આજે હું આપની સામે જાહેરાત કરવા આવ્યો છું કે 4 વર્ષ પહેલાં જે અતુલનીય યાત્રા સાથે મળીને શરૂ કરી હતી એનો અંત હજી દૂર છે. હજી ઘણુંબધું કરવાનું બાકી છે. આપણે અહીં અમારી મૂવમેન્ટ, પોતાની પાર્ટી અને આપણા દેશના ભવિષ્ય બાબતે વાત કરવા માટે ભેગા થયા છીએ.

પોતાની જીતનું ખોટું વચન વાગોળ્યું
ટ્રમ્પ ફ્લોરિડાના ઓરલેન્ડમાં 2021 કંજર્વેટિવ પોલિટિકલ એકશન કોન્ફરન્સમાં સામેલ થયા હતા. તેમણે પોતાની વાત રજૂ કરતાં સવાલ કર્યા હતા કે શું તમે મને મિસ કર્યો? આ દરમિયાન તેમણે ત્યાં ઉપસ્થિત માસ્ક પહેર્યા વિનાના લોકો માટે કહ્યું કે અહીં કોઈ માસ્ક નથી. અહીં કોઈ ડબલ માસ્ક નથી.

ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની જીતની ખોટી વાતને ફરી એક વખત વાગોળી છે. તેમણે કહ્યું હતું કે ‘ડેમોક્રેટ્સ ચૂંટણી હારી ગયું છે. શું ખબર કે હું ત્રીજી વખત તેમને હરાવવાનો નિર્ણય લઈ શકું છું.’

બાઇડન પર પણ નિશાન સાધ્યું
આ દરમિયાન ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ જો બાઈડન પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું કે આધુનિક ઇતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિના કાર્યકાળનો પ્રથમ જ મહિનો આટલો ખરાબ નથી રહ્યો. બાઈડન સરકારે એ સાબિત કર્યું છે કે તેઓ નોકરીવિરોધી, પરિવારવિરોધી, બોર્ડરવિરોધી, એનર્જીવિરોધી, મહિલાવિરોધી અને વિજ્ઞાનવિરોધી છે. એક જ મહિનામાં આપણે ‘અમેરિકા ફર્સ્ટ’થી ‘અમેરિકા લાસ્ટ’ પર પહોંચી ગયા છીએ.

એક ઇન્ટરવ્યુમાં પણ પોતાની વધતી લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો
6 જાન્યુયારીએ અમેરિકન સંસદની અંદર અને બહાર હિંસા થઈ હતી. ભીડને ઉશ્કેરવાના આરોપમાં ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવામાં આવ્યો. એમાં તેઓ નિર્દોષ સાબિત થયા. નિર્દોષ સાબિત થયા બાદ ટ્રમ્પે પ્રથમ વખત 18 ફેબ્રુઆરીએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરી હતી. 2024માં ચૂંટણી લડવાના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે હજી કંઇપણ કહેવું એ ઉતાવળભર્યું હશે, પરંતુ અનેક સર્વેમાં સામે આવ્યું છે. મને જબરદસ્ત સમર્થન મળ્યું છે અને મળી રહ્યું છે. યાદ રાખજો કે હું તે વ્યક્તિ છું જેની સામે મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો અને આ ઉપરાંત પણ મારું સમર્થન વધી રહ્યું છે.