ખેડૂત આંદોલનનો 79મો દિવસ : ખેડૂત નેતા ટિકૈતે કહ્યું- ગુજરાતના લોકો કેદમાં, કેન્દ્રના અંકુશમાંથી મુક્ત કરાવીશ, દેશભરમાં રેલી કાઢીશું

ખેડૂત આંદોલનનો 79મો દિવસ : ખેડૂત નેતા ટિકૈતે કહ્યું- ગુજરાતના લોકો કેદમાં, કેન્દ્રના અંકુશમાંથી મુક્ત કરાવીશ, દેશભરમાં રેલી કાઢીશું

કૃષિકાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનને 79 દિવસ થઈ ગયા છે. પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ દેખાતો નથી. બીકેયુના પ્રવક્તા રાકેશ ટિકૈતે શુક્રવારે કૃષિકાયદા પાછા ખેંચવાની માંગ દોહરાવતા કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. હરિયાણામાં બહાદુરગઢમાં કિસાન મહાપંચાયતમાં તેમણે કહ્યું કે દેશભરમાં રેલી કાઢશે. ગુજરાત જઈને તેને આઝાદ કરાશે. ગુજરાત કેન્દ્રના અંકુશમાં છે. ભારત આઝાદ છે પણ ગુજરાતના લોકો કેદમાં છે. જો તેઓ આંદોલનમાં સામેલ થવા માંગે તો તેમને જેલમાં મોકલવામાં આવે છે. તેઓ કૃષિકાયદા પાછા ખેંચાયા પછી ઘરે પરત જશે. સિંધુ બોર્ડર તેમની ઓફીસ બની રહેશે. જો સરકાર વાત કરવા માંગે તો તેઓ તૈયાર છે. રાહુલ ગાંધીના અમે બે અમારા બેના નિવેદન સાથે ટિકૈતે સંમતિ દર્શાવી હતી.

સરકાર સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર
આ અગાઉ ટિકૈતે કહ્યું કે હવે કૃષિ કાયદા પાછાં ખેંચાય ત્યારબાદ જ ઘરે પરત ફરશું. અમારો મંચ અને પંચ બદલાશે નહીં. સિંઘુ બોર્ડર અમારી ઓફિસ બનેલી રહેશે. જો સરકાર આજે વાત કરવા ઈચ્છે છે તો પણ તૈયાર છીએ, જો 10 દિવસ બાદ અથવા આગામી વર્ષે પણ વાતચીત કરવા ઈચ્છે છે તો અમે તૈયાર છીએ. અમે દિલ્હીમાં કિલ્લા ઉખાડ્યાં વગર પરત ફરશું નહીં.​​​​​​

અમે બે અમારા બે વાળા રાહુલના નિવેદન સાથે પણ ટિકૈત સહમત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી હતી. રાહુલે કહ્યું કે દેશને ચાર લોકો ચલાવી રહ્યા છે, અમે બે અને અમારા બે. રાહુલના આ નિવેદન અંગે ટિકૈતે શુક્રવારે કહ્યું કે ખરેખર એવું જ લાગી રહ્યું છે કે દેશને ચાર લોકો જ ચલાવી રહ્યા છે.

ખેડૂત લાંબા સમય સુધી સંઘર્ષ કરવા તૈયાર કરવા લાગ્યા
આકરી ઠંડીનો સામનો કર્યાં બાદ આંદોલનકારી ખેડૂતો હવે ગરમીની સિઝનને જોતા તૈયારી શરૂ કરી રહ્યા છે. તેમણે ટેન્ટ્સમાં પંખા લગાવવાની શરૂઆત કરી છે. આ સાથે ટેન્ટની ઉંચાઈ વધારીને તેની અંદર વધુ એક ટેન્ટ લગાવી રહ્યા છે,જેથી ગરમીથી બચી શકાય. આ સાથે જ ધરણા સ્થળો પર AC લાગેલી ટ્રોલીઓ પણ જોવા મળી રહી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત કહી ચુક્યા છે કે આંદોલન ઓછામાં ઓછા ઓક્ટોબર સુધી તો ચાલશે.

( Source – Divyabhaskar )