લો બોલો : પોલીસકર્મીએ મામલતદાર ઓફિસમાં છીંક ખાધી તો, સારા કામ માટે આવ્યા છીએ કહી પાંચ લોકોએ માર મારી નાક તોડી નાખ્યું

લો બોલો : પોલીસકર્મીએ મામલતદાર ઓફિસમાં છીંક ખાધી તો, સારા કામ માટે આવ્યા છીએ કહી પાંચ લોકોએ માર મારી નાક તોડી નાખ્યું

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને છીંક ખાવા મામલે પાંચ ભરવાડ શખ્સોએ માર માર્યો

સામાન્ય રીતે મારામારીના કિસ્સામાં કોઈ એવી બાબત હોય છે જેમાં કોઈએ કોઈને હેરાન અથવા તેની સાથે બોલાચાલી થઈ હોય ત્યારે મારામારી સુધી વાત પહોંચે છે પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને છીંક ખાવા મામલે પાંચ ભરવાડ શખ્સોએ માર માર્યો હતો. પોલીસકર્મીએ પોતાની ઓળખ આપી છતાં પણ બીજા માણસો બોલાવી તેને માર મારી ફેક્ચર કરી નાખ્યું હતું. નરોડા પોલીસે આ મામલે પાંચ શખ્સ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

પહેલા બિભત્સ વર્તન, પછી ઝપાઝપી પર ઉતરી ગયા
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા શનિવારે બપોરના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માટે ફાળવેલ જમીન બાબતના કામકાજ અંગે નરોડા ગામમાં આવેલી મામલતદાર કચેરી ખાતે ગયા હતા. બહાર સીડી નજીક આવતાં તેઓને અચાનક છીંક આવી હતી. છીંક આવતાં નજીકમાં ઉભેલા બે શખ્સમાંથી એક શખસે તેની પાસે આવીને કહ્યું હતું કે હું, સારા કામથી નીકળ્યો છું તે છીંક કેમ ખાધી તેમ કરીને તેને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. યુવરાજસિંહે પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને અહીં સરકારી કામકાજ અર્થે આવ્યો હોવાનું કહેવા છતાં પણ આ બન્ને આરોપીઓએ તું કેવી રીતે સરકારી કામકાજ કરે છે તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.

જવાનને મોઢા પર મુક્કા મારતા નાક-આંખમાંથી લોહી નીકળ્યું
બીજા ત્રણ લોકોને બોલાવીને પાંચ જણા ભેગા થઈને પોલીસ જવાનને ગડદાપાટુનો માર માર્યો હતો. જવાનને મોઢાના ભાગે મુક્કા મારતા તેઓને નાક અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પીઆઇ એ.જે ચૌહાણને જાણ કરતા તેઓ સ્ટાફ સાથે પહોંચ્યા હતા. પોલીસકર્મીને માર મારનાર પાંચેય શખ્સ જગદીશ ભરવાડ, ભરત ભરવાડ, વિપુલ ભરવાડ, સંજય ભરવાડ અને રવિ ભરવાડ ત્યાં હાજર હતા તેઓને પકડી લીધા હતા. ઇજાગ્રસ્ત યુવરાજસિંહને સારવાર માટે ખસેડતા તેઓને નાક નાં ભાગે ફેક્ચર હોવાનુ જાણવા મળ્યુ છે.

( Source – Divyabhaskar )