ગુજરાતની બહેનોને અરવિંદ ‘ભાઈ’નો વાયદો:કેજરીવાલે કહ્યું, 18 વર્ષથી ઉપરની મહિલાઓને મહિને રૂ.1000 બેંક એકાઉન્ટમાં આપીશું, ગુજરાત પોલીસને દેશમાં શ્રેષ્ઠ પગાર આપીશું

ગુજરાતની બહેનોને અરવિંદ ‘ભાઈ’નો વાયદો:કેજરીવાલે કહ્યું, 18 વર્ષથી ઉપરની મહિલાઓને મહિને રૂ.1000 બેંક એકાઉન્ટમાં આપીશું, ગુજરાત પોલીસને દેશમાં શ્રેષ્ઠ પગાર આપીશું

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં પોતાનું સંબોધન કર્યું હતું. કેજરીવાલે કહ્યું હતું, આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ કરું છું. પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ. ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.

 

દેશમાં શ્રેષ્ઠ પગાર ગુજરાત પોલીસનો કરીશું​​​​​​​​​​​​​​હું ગુજરાતના તમામ પોલીસકર્મીઓ ને પણ કહેવા માંગુ છું કે જે પણ પોલીસકર્મીઓ ત્યાં છે, તેઓ તેમની નોકરી જોખમમાં મૂક્યા વિના તેમના સ્થાને રહીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરે. હાલમાં પોલીસકર્મીને શરૂઆતમાં માત્ર 20000 રૂપિયા પગાર મળે છે. હું માનું છું કે 20000 માં શું થશે? 20000માં પોલીસકર્મી પોતાના ઘરનો ખર્ચ કેવી રીતે નીકાળશે? આજે સમગ્ર દેશમાં પોલીસકર્મીઓ ને મળતો પગાર ગુજરાતમાં સૌથી ઓછો છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ કપરી પરિસ્થિતિમાં કામ કરી રહી છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ પગાર અમે પોલીસને આપીશું.

અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરીશું
હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ ભાજપને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માગતા. તેઓ એકબીજાને ગંદું બોલી બોલીને જતા રહે છે. એમાં જનતાને કંઈ મળતું નથી. ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે, પરંતું પહેલીવાર જનતાને એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યાનું સમાધાન થશે.

લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે
આનાથી મોટા પાયે અર્થવ્યવસ્થામાં ફરક પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે અને અમીરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે. કરોડો ઘરમાં એનો ફાયદો થશે. લોકો કહે છે કે પૈસૌ ક્યાંથી આવશે. હું તમને એક ઉદાહરણથી જણાવું કે પૈસો ક્યાંથી આવશે. અમે પંજાબમાં કહ્યું હતું કે વીજળી મફત આપીશું, ત્યારે પણ લોકોએ કહ્યું હતું કે પૈસો ક્યાંથી આવશે. માર્ચમાં પંજાબમાં અમારી સરકાર બની. સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર પાસે 6 હજાર કરોડ વધુ ટેક્સ આવ્યો.

સરકાર પાસે પૈસાની નહીં, પણ નિયતની કમી છે
અમને આખું વર્ષ વીજળી મફત કરવા માટે માત્ર ત્રણ હજાર કરોડ જોઈતા હતા અને છ હજાર કરોડનો ટેક્સ રાજ્ય સરકારને મળ્યો, ઉપરથી સરકારને ત્રણ હજારનો ફાયદો થયો. પૈસાની કમી નથી, પૈસા ખૂબ પ્રમાણમાં છે. આ લોકો બધા પૈસા પોતાના અમીર દોસ્તો પાછળ ઉડાવે છે, તેમનું દેવું માફ કરી દે છે. તેમના ટેક્સ માફ કરી દે છે. જનતા પાસેથી GST લઈને તમામ પૈસા પોતાના દોસ્તો પાછળ ઉડાવી દે છે. આ સિસ્ટમ અમે બંધ કરીશું. દિલ્હીમાં સરકાર ચલાવતાં મને સાત વર્ષ થયાં અને હું એવું શીખ્યો છું કે સરકાર પાસે પૈસાની નહીં, પણ નિયતની કમી છે.

પોલીસ કર્મીની દીકરીએ પત્રમાં લખ્યું પિતાનું દર્દઃ કેજરીવાલ
​​​​​​​​​​​​​​અમદાવાદમાં ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે એક પોલીસકર્મીની પુત્રીના પત્ર નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જેમાં તેણે પોતાના પિતાનું દર્દ લખ્યું હતું. તે પત્રમાં ગુજરાતમાં પોલીસની સ્થિતિ, કામના કલાકો, તેમને મળતો પગાર, તેઓને મળતા ભથ્થા, પોલીસ ફોર્સ નો ખોટો ઉપયોગ જેવા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી હતી અને અરવિંદ કેજરીવાલ પાસેથી આશા રાખીને ગુજરાત પોલીસની સમસ્યાઓ પર ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી હતી. આના પર અરવિંદ કેજરીવાલે તે દીકરીને જવાબ આપતા કહ્યું કે, સૌથી પહેલા તો હું તેને કહેવા માંગુ છું કે તમે હિંમત કરીને મને પત્ર લખ્યો અને તમે અમારા પર એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમે તમારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવાની જગ્યાએ, કે બીજી પાર્ટી ને પત્ર લખવાની જગ્યા એ, મને પત્ર લખ્યો, હું તમારો હ્રદયપૂર્વક આભાર માનું છું. અને હું કહેવા માંગુ છું કે અમે તમારો વિશ્વાસ તૂટવા નહીં દઈએ.

પોલીસના કામકાજને સુધારીશું
​​​​​​​​​​​​​​
અમે ગુજરાત પોલીસને સારો પગાર આપીશું, તેમનો કામકાજનો સમય સુધારીશું, એટલે તેઓ ગુજરાત અને ગુજરાતની જનતાને અત્યારે જે પ્રકારનું રક્ષણ આપી રહ્યા છે તેના કરતાં વધુ સારી રીતે તેઓ ગુજરાત અને ગુજરાતના લોકોની રક્ષા કરશે. હું તે તમામ પોલીસકર્મીઓ ને વિનંતી કરું છું કે તમે જ્યાં પણ છો, તમે તમારું કામ સારી રીતે કરી રહ્યા છો, એવું જ કરતા રહો અને અંદરથી જ આમ આદમી પાર્ટી ને સરકાર બનાવવામાં મદદ કરો.

વડાપ્રધાન મફત સુવિધાનો વિરોધ કરે છે ને તેમની પાર્ટીના મુખ્યમંત્રી મફત સેવા શરૂ કરે છે
આ પછી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે વૃદ્ધ મહિલાઓ ને બસમાં મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે, તેના પર અરવિંદ કેજરીવાલએ કહ્યું કે એક તરફ આપણા વડાપ્રધાન મફતની સુવિધાઓનો વિરોધ કરે છે અને બીજી તરફ તેમની જ પાર્ટીના માનનીય મુખ્યમંત્રી જી મફત સેવા શરૂ કરે છે. મને ખબર નથી કે તેમની વચ્ચે કોઈ લડાઈ થઈ છે કે નહીં. હું મીડિયાને વિનંતી કરીશ કે યોગી જી ને જ પૂછો કે તમે તમારા બોસ વિરુદ્ધ કેમ કામ કર્યું?

બિહારમાં સત્તા પરિવર્તન પર પોતાની વાત રાખતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે બિહારની સ્થિતિ જોઈને સ્પષ્ટ થાય છે કે ભાજપ ખૂબ જ અહંકારી પાર્ટી બની ગઈ છે. તેમના અહંકારના કારણે દેશભરના લોકો પણ દુઃખી થઈ રહ્યા છે અને તેમના સહયોગી પક્ષો પણ તેમનો સાથ છોડી રહ્યા છે. અગાઉ શિવસેનાએ તેમને છોડી દીધા, અકાલી દળે તેમનો સાથ છોડી દીધો, જેડીયુએ તેમનો સાથ છોડી દીધો. હું માનું છું કે અહંકાર તો રાવણ નો પણ ન હતો ચાલ્યો. મેં એક વાત શીખી છે કે જો તમે સત્તામાં આવો છો, તો તમારામાં નમ્રતા હોવી જોઈએ. તમારે જનતાની સામે હાથ જોડીને અત્યંત નમ્રતાથી કામ કરવું પડશે. અને જ્યારે અહંકાર તમારી અંદર આવે છે ત્યારે તેનું પતન શરૂ થાય છે. અને આ આપણે બિહાર ના રાજકારણમાં જોઈ રહ્યા છીએ.

કેજરીવાલની પાંચ ગેરંટી

  • 10 લાખ યુવાઓને રોજગારી
  • બેરોજગારોને માસિક 300 ભથ્થુ
  • ગુજરાતમાં મફત વીજળી
  • આદિવાસી ગામડાઓમાં સારી સ્કૂલ અને ગાંવ ક્લિનિક
  • મહિલાઓને મહિને 1 હજાર
  • ( Source - Divyabhaskar )