હવે ઓસ્ટ્રેલિયામાં પણ ઈમિગ્રેશન કૌભાંડ:બોગસ બેન્ડ લઈને 3500 ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં ઘૂસી ગયા, હવે ડી-પોર્ટ થવાની તૈયારીમાં!કૌભાંડ આચરીને 24 ગુજરાતી એજન્ટો કરોડપતિ બની ગયા

હવે ઓસ્ટ્રેલિયામાં પણ ઈમિગ્રેશન કૌભાંડ:બોગસ બેન્ડ લઈને 3500 ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં ઘૂસી ગયા, હવે ડી-પોર્ટ થવાની તૈયારીમાં!કૌભાંડ આચરીને 24 ગુજરાતી એજન્ટો કરોડપતિ બની ગયા

 • બેન્ડ જ નહીં, એજ્યુકેશન લોનના પણ બોગસ પેપર બનાવ્યા
 • ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી
 • અત્યારે ગુજરાતના સ્ટુડન્ટ્સનો ગાડરિયો પ્રવાહ વિદેશભણી જઈ રહ્યો છે અને ગુજરાતમાંથી ગેરકાયદે વિદેશ જવાનું મોટાપાયે વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. કેનેડા કે અમેરિકામાં ગેરકાયદે ઘૂસ મારીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને હવે ઓસ્ટ્રેલિયામાં પણ ઈમિગ્રેશન કૌભાંડનું ભૂત ધૂણવા લાગ્યું છે. ઓસ્ટ્રેલિયામાં બોગસ બેન્ડ સર્ટિફિકેટ કે બોગસ ડિગ્રી જ નહીં પણ બોગસ એજ્યુકેશન બેન્ક લોનના પેપર બતાવીને ઓસ્ટ્રેલિયામાં સંખ્યાબંધ ગુજરાતીઓએ ઘૂસ મારી છે અને હવે 3500 જેટલા ગુજરાતીઓની તપાસ ચાલી રહી છે અને તમામને ડી પોર્ટ પણ કરવામાં આવશે. 40થી 50 લાખ લઈને ગેરદાયદે વિદેશ મોકલનારા ગુજરાતના 24 એજન્ટો પણ રડારમાં છે. ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનની ગુપ્ત તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અને આગામી સમયમાં પણ અનેક મોટા ધડાકા થશે.
 • ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના ઓસ્ટ્રેલિયાના સીડની સ્થિત ચેરમેન ડો. દિલીપસિંહ બોડાણાએ ગુજરાતના સ્ટુડન્ટ્સને વિદેશ મોકલવાની માયાજાળ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી. તે ઓસ્ટ્રેલિયામાં રહે છે એટલે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા પહોંચતા સ્ટુડન્ટ્સ જો કોઈ ફ્રોડનો શિકાર થયા હોય તો તેમની મદદ કરે છે. અલબત્ત, વિશ્વના ઘણા દેશોમાં ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના સભ્યો છે અને તે તમામ લોકો આ માયાજાળમાંથી સ્ટુડન્ટ્સને મુક્ત કરાવવા કાર્યરત છે.
  શું કહ્યું ડો. દિલીપસિંહ બોડાણાએ
  ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના ચેરમેન ડો. દિલીપસિંહ બોડાણાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતમાંથી સ્ટુડન્ટ્સને વિદેશમાં મોકલવા માટે જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. સ્ટુડન્ટ્સ કાયદેસર રીતે વિદેશ જઈ શકે તેમ ન હોય તો ગેરકાયદેસર વિદેશ મોકલવામાં આવે છે. આના માટે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને અપાય છે અને બધા દસ્તાવેજ બોગસ હોય છે. જેમ કે બોગસ માર્કશીટ, બોગસ ડિગ્રી, બોગસ ડિપ્લોમા, બોગસ એક્સપિરિયન્સ સર્ટીફિકેટ, બોગસ બેન્ડ સર્ટીફિકેટ. આ બધા બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા મેળવી લેવાય છે અને ઓસ્ટ્રેલિયા મોકલવાનો તખ્તો ગોઠવાય છે. આ માટે એજન્ટો 40 લાખ રૂપિયા એક સ્ટુડન્ટ દીઠ પડાવે છે. એવી રીતે કેનેડા માટે 55 લાખ રૂપિયા લેવાય છે.
 • બે વર્ષની ગુપ્ત તપાસમાં શું બહાર આવ્યું
  ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના સભ્યોએ છેલ્લા બે વર્ષથી ગુપ્તરાહે તપાસ શરૂ કરી હતી કે ગેરકાયદેસર વિદેશમાં ઘૂસનારા સ્ટુડન્ટમાંથી મોટાભાગના બોગસ સ્ટુડન્ટ છે. એટલે કે હકીકતમાં એ સ્ટુડન્ટ નથી પણ સ્ટુડન્ટના નામે ઓસ્ટ્રેલિયામાં ઘૂસી ગયા છે. આ કહેવાતા વિદ્યાર્થીઓએ IELTS, TOFEL, CAE, PTE જેવી એક્ઝામની બોગસ બેન્ડ શીટ મેળવી છે. આ સ્ટુડન્ટને ચાર બેન્ડ પણ મળે તેમ ન હોય તો પણ આઠ-આઠ બેન્ડ લઈને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. એકલા ઓસ્ટ્રેલિયામાં આવા 3500થી વધારે બોગસ ગુજરાતીઓ છે અને તેની તપાસ પણ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ અને ઓસ્ટ્રેલિયન ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે આવા સ્ટુડન્ટની તપાસ કરે છે અને ટૂંક સમયમાં તમામને ભારત પરત મોકલી દેવાશે.
  ત્રણ શહેરના 24 એજન્ટ રડારમાં
  ડો. દિલીપસિંહ બોડાણાએ જણાવ્યું કે, ગુજરાતની જ વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રણ શહેરના 24 એજન્ટ રડારમાં છે જે તગડી રકમ ઉઘરાવીને બોગસ સ્ટુડન્ટને વિદેશ મોકલી રહ્યા છે. આ એજન્ટો માલામાલ થઈ ગયા છે. આ એજન્ટોએ ઓસ્ટ્રેલિયામાં બનામી હોટેલ્સ ખરીદી લીધી છે. કોઈએ મોલમાં પાર્ટનરશિપ કરી છે. આ બધા કરોડોની કમાણી કરી રહ્યા છે. આ કૌભાંડ એટલું મોટું છે કે તેના ગેરકાયદે ઉઘરાવેલી રકમનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. એકલા ગુજરાતમાં જ આશરે પાંચેક હજાર કરોડથી વધારેનું ઈમીગ્રેશન કૌભાંડ હશે. રૂપિયા લઈને વિદેશ મોકલનારા 24 જેટલા એજન્ટો અમદાવાદ, માણસા અને મહેસાણાના છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે છે.
 • કોઈપણ ચમરબંધી એજન્ટને છોડાશે નહીં, માનવ તસ્કરીના ગુના દાખલ થશે
  ડો. દિલીપસિંહ બોડાણાએ કહ્યું કે, ગુજરાતના કેટલાક એજન્ટોએ ઓસ્ટ્રેલિયામાં પી.આર. મેળવી લીધી છે. એટલે થોડો સમય ઓસ્ટ્રેલિયા રહે છે અને થોડો સમય ગુજરાતમાં રહે છે. આ એજન્ટો કરોડોપતિ નથી બન્યા, આ બધા તો અબજોપતિ બની ગયા છે. કેટલાક એજન્ટોએ ઓસ્ટ્રેલિયામાં પ્રોપર્ટીમાં મોટાપાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કોઈએ હોટેલમાં, કોઈએ મોલમાં, કોઈએ પેટ્રોલપંપમાં તો કોઈએ પ્રોપર્ટીમાં મોટું રોકાણ કર્યું છે. ભવિષ્યમાં કૌભાંડ સામે આવે અને તપાસ થાય તો તરત ઓસ્ટ્રેલિયા ભાગી જવા થાય તેવી ગણતરીથી ઓસ્ટ્રેલિયાના પી.આર. મેળવી લીધા છે. ડો. દિલીપસિંહ કહે છે, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન કોઇ પણ ચમરબંધી એજન્ટોને છોડશે નહીં. અમારી પાસે દરેકના નામ, પુરાવા બધું જ છે. તેમણે કોને-કોને બોગસ ડોક્યુમેન્ટના આધારે ઘૂસાડી દીધા છે તે તમામનું લિસ્ટ પણ છે. અબજોપતિ બની ગયેલા આ એજન્ટો સામે માનવ તસ્કરીના ગુના દાખલ કરાવશું અને સમય આવ્યે ભારત સરકારની એજન્સીઓની સહાયથી હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી પણ આ એજન્ટોને લઈ જઈ જેલના સળિયા પાછળ ધકેલશું.
 • Dr. Dilipsinh Bodana

  બેન્કલોન પણ ખોટી બતાવી દેવાય છે!
  તેમણે કહ્યું કે, સ્ટુડન્ટને વિદેશ મોકલવા માટે ઘણી બધી મોડેસ ઓપરેન્ડી છે. જેમ કે IELTS એક્ઝામમાં ડમી સ્ટુડન્ટને બેસાડી દેવાય છે. એજન્ટે બેસાડેલા સ્ટુડન્ટને એવું શિખડાવાય છે કે એક્ઝામમાં ચાલીસ MCQ હોય તો વીસ ખાનાં ખાલી રાખવાના. જે પછીથી ફિલ કરી દેવાય છે. હદ તો એ છે કે, એજ્યુકેશન માટે બેન્ક લોનના પેપર પણ બોગસ બતાવી દેવાય છે. એટલે એજ્યુકેશન લોન લીધી હોય તેવા પેપર હોય છે પણ લોન લીધી નથી હોતી. આ બધાના કારણે એવું થાય છે કે જે 90 ટકા બોગસ લોકો સ્ટુડન્ટ બનીને ઘૂસી જાય છે અને જે કાયદેસર આવ્યા છે તેવા 10 ટકા સ્ટુડન્ટને પણ શંકાની નજરે જોવાય છે. જો કે સ્ટુડન્ટના નામે બીજા દેશમાં ઘૂસીને કામકાજ શરૂ કરી દેનારાની સંખ્યા ઓછી નથી. ડો. દિલીપસિંહ કહે છે, આ બધા ખોટા રસ્તાઓ અપનાવાના કારણે બીજા દેશોમાં ભારતનું નામ બદનામ થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે રૂપિયા પડાવતા એજન્ટો પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ, તો જ આ મહાકૌભાંડ આગળ વધતું રોકી શકાશે.
  તમે ભાગ બન્યા છો તો અહીંયા ઈમેલ કરો
  ગુજરાતના સંખ્યાબંધ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ વિદેશ જવાની લ્હાયમાં એજન્ટોને મોં માગ્યા રૂપિયા આપી દે છે અને પછી પસ્તાય છે. આવા ભોગ બનેલા સ્ટુડન્ટ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના ઓસ્ટ્રેલિયાના સીડની સ્થિત ચેરમેન ડો. દિલીપસિંહ બોડાણાને ઈમેલ કરીને પોતાની સમસ્યા કે આપવિતી જણાવી શકે છે, જેથી તેનો સમયસર ઉકેલ લાવી શકાય. DRDILIP_SINH@YAHOO.COM પર મેઈલ કરી શકાશે.
 • ( Source - Divyabhaskar )