કોંગ્રેસમાં હવે એક પરિવારમાં એક જ ટિકિટ:ગાંધી પરિવાર આ શરતમાંથી બહાર, 5 વર્ષથી વધારે પદ પર નહીં રહે નેતા

કોંગ્રેસમાં હવે એક પરિવારમાં એક જ ટિકિટ:ગાંધી પરિવાર આ શરતમાંથી બહાર, 5 વર્ષથી વધારે પદ પર નહીં રહે નેતા

આગામી ચૂંટણી પહેલાં ટિટિક આપવા વિશે કોંગ્રેસમાં ખૂબ મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા નિયમ પ્રમાણે એક પરિવારમાં એક જ સભ્યને ટિકિટ મળશે. ઉદેપુરમા ચિંતન શિબિરમાં સંગઠનમાં ફેરફાર અને રાજકિય મુદ્દે બનેલી પેનલે આ ભલામણ કરી છે.

કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી મહાસચિવ અજય માકને ઉદેપુરમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, અમારી પેનલમાં એ ચર્ચા થઈ છે કે, એક પરિવારમાં એક જ ટિકિટની ફોર્મ્યુલા પર કામ કરવામાં આવશે. તે ઉપરાંત એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, જેણે પાર્ટીમાં 5 વર્ષ કામ કર્યું હશે તેને જ ટિકિટ આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને સીધી ટિકિટ આપવામાં નહીં આવે. નવા આવનાર નેતાઓને ટિકિટ નહીં અપાય, જોકે આ નિયમોમાં ગાંધી પરિવારને છૂટ આપવામાં આવશે. આ ફોર્મ્યુલા તેમને લાગુ નહીં થાય.

કોઈ પણ નેતાને ત્રણ વર્ષના કુલિંગ પીરિયડ પછી જ બીજુ પદ મળશે
માકને કહ્યું છે કે, એ વાતની ભલામણ કરવામાં આવી છે કે પાર્ટીમાં સતત 5 વર્ષ કામ કર્યા પછી તુરંત જ તેમને બીજુ કોઈ પદ આપવામાં નહીં આવે. ઓછામાં ઓછો 3 વર્ષનો કુલિંગ પીરિયડ જરૂરી છે. ત્રણ વર્ષના ગેપ પછી જ આગળ કોઈ નવું પદ આપવામાં આવશે.
જો કોઈ નેતાનો દિકરો અથવા બીજા નેતાને ટિકિટ જોઈતી હશે તો તેમણે ઓછોમાં ઓછા 5 વર્ષ સંગઠન માટે કામ કરવું પડશે. કોંગ્રેસમાં આવનાર નેતાઓના દિકરાઓએ પણ પહેલાં 5 વર્ષ સંગઠન માટે કામ કરવું પડશે પછી જ તેમને ટિકિટ આપવામાં આવશે.

ગાંધી પરિવારને લાગુ નહીં થાય નિયમ
જ્યારે માકનને ગાંધી પરિવારને આ નિયમ લાગુ પડશે તેમ પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ નિયમો ગાંધી પરિવાર માટે નથી. કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી સંગઠન ચૂંટણી પ્રક્રિયાથી કરવામાં આવશે. ચિંતન શિબિરનું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી સાથે કઈ લેવાદેવા નથી.

 

અજય માકને એવા પણ સંકેત આપ્યા છે કે, ગાંધી પરિવારને એક પરિવારમાં એક ટિકિટનો નિયમ પણ લાગુ પડશે નહીં. કોંગ્રેસ નેતાના પરિવારમાં પણ કોઈ બીજા સભ્યને ટિકિટ ત્યારે જ આપવામાં આવશે જો તે પાંચ વર્ષથી એક્ટિવ હોય. જો કોઈ નવો સભ્ય કોંગ્રેસમાં આવશે તો તેણે 5 વર્ષ સંગઠન માટે કામ કરવું પડશે. ત્યારપછી જ ટિકિટ મળશે. નોંધનીય છે કે, હવે કોંગ્રેસ પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ આપશે નહીં. ચૂંટણી સમયે કોંગ્રેસમાં એવા ઘણાં પેરાશૂટ ઉમેદવારો ઉતારવામાં આવતા હોય છે. ગઈ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ આવું જ થયું હતું.