ગુજરાતમાં AAPની તૈયારીઓ શરૂ:પંજાબમાં AAPને જિતાડનાર ડૉ. સંદીપ પાઠકને હવે ગુજરાતના પ્રભારી બનાવાયા, ગુલાબ સિંહ ઇલેક્શન ઇન્ચાર્જ

ગુજરાતમાં AAPની તૈયારીઓ શરૂ:પંજાબમાં AAPને જિતાડનાર ડૉ. સંદીપ પાઠકને હવે ગુજરાતના પ્રભારી બનાવાયા, ગુલાબ સિંહ ઇલેક્શન ઇન્ચાર્જ

દિલ્હી પછી પંજાબમાં સરકાર બનાવ્યા પછી હવે આમ આદમી પાર્ટી(AAP) અન્ય રાજ્યોમાં પગપેસારો કરવાની તૈયારી કરી રહી છે. એ માટે 9 રાજ્યમાં AAP સંગઠન મજબૂત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે 9 રાજ્યમાં લોકોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે. AAP હવે આસામથી લઈને તેલંગાણા સુધી ચૂંટણી લડવા તૈયાર થઈ ગઈ છે. ગુજરાતની જવાબદારી સંદીપ પાઠકને આપવામાં આવી છે. ડૉ. સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવાયા છે. જ્યારે ઈલેક્શન-ઈન્ચાર્જની જવાબદારી ગુલાબ સિંહને આપવામાં આવી છે. નોંધનીય છે કે ડૉ. સંદીપ પાઠકને પાર્ટી પંજાબથી રાજ્યસભા પણ મોકલી રહી છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત મેળવીને સરકાર બનાવી છે. આ જીતનું શ્રેય IIT પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકને આપવામાં આવ્યું છે. તેઓ અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારમુક્ત ભારતના સપનાને પૂરું કરવા પાર્ટીમાં સામેલ થયા હતા.

પાઠકે તેમનું પીએચડી 2011માં કેમ્બ્રિજ યુનિવર્સિટીથી કર્યું છે. તેઓ ઘણાં વર્ષોથી પડદા પાછળની ભૂમિકા નિભાવતા હતા અને પંજાબમાં તેમણે જ સંગઠન કેડર બનાવી હતી. રાજ્યમાં સર્વે, ઉમેદવારોની પસંદગી અને પંજાબમાં શાનદાર જીતની રણનીતિનું શ્રેય સંદીપ પાઠકને જ આપવામાં આવ્યું છે.

ખેડૂતના દિકરો પીએચડી કરવા બ્રિટન પહોંચ્યો
સંદીપ મૂળ છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીમાં રહે છે. તેમના ગામનું નામ બટહા છે, તેમના પિતા ખેડૂત છે. તેમના માતા-પિતાના પહેલાં સંતાન તરીકે સંદીપનો જન્મ 1979માં થયો હતો. ડૉ. સંદીપે પાંચમા સુધીનો અભ્યાસ લોરમીમાં કર્યો છે. ત્યારપછી તેઓ બિલાસપુર જતા રહ્યા હતા. ત્યાં તેમણે એમએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારપછી તેમણે હૈદરાબાદમાં અભ્યાસ કર્યો અને છેલ્લે પીએચડી કરવા બ્રિટન ગયા હતા. ત્યાં તેઓ છ વર્ષ રહ્યા. આઈઆઈટી દિલ્હીની વેબસાઈટ પ્રમાણે સંદીપ મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રોફેસર વ્લાદિમારી બુલોવિક સાથે કામ કર્યું. 2006થી તેઓ આઈઆઈટી દિલ્હીમાં પ્રોફેસર છે.