પ્રતિબંધ આવશે?:ભારત પર પ્રતિબંધ લાદવા કે નહીં તે નિર્ણય બાઇડેન કરશે: અમેરિકા

પ્રતિબંધ આવશે?:ભારત પર પ્રતિબંધ લાદવા કે નહીં તે નિર્ણય બાઇડેન કરશે: અમેરિકા

 
 • અમેરિકાના સહાયક વિદેશમંત્રીએ યુએસ સેનેટને માહિતી આપી
 • રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી બદલ ભારત પર ‘કાઉન્ટરિંગ અમેરિકા’સ એડવર્ઝરીસ થ્રૂ સેન્ક્શન્સ એક્ટ’ (કાટ્સા) હેઠળ પ્રતિબંધ લાદવો કે નહીં તે અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન નિર્ણય કરશે.

  દક્ષિણ અને મધ્ય એશિયામાં અમેરિકાના સહાયક વિદેશમંત્રી ડોનાલ્ડ લૂએ અમેરિકી સેનેટની વિદેશ બાબતોની સમિતિને આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, હું તમને ખાતરી આપી શકું છું કે બાઇડેન સરકાર ‘કાટ્સા’ લૉનું પાલન કરશે અને તેને સંપૂર્ણપણે લાગુ કરશે. ભારત આપણું મહત્ત્વપૂર્ણ સુરક્ષા ભાગીદાર છે. અમે આ સહભાગિતા આગળ વધારવાના હિમાયતી છીએ.

  મને આશા છે કે રશિયાએ જે પ્રકારે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે તેનાથી ભારતને સમજાશે કે હવે મોસ્કોથી દૂર રહેવાનો સમય પાકી ગયો છે. આપણે જોયું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયા દરમિયાન ભારતે મિગ-29, રશિયન હેલિકોપ્ટર અને ટેન્કવિરોધી શસ્ત્રોનો ઓર્ડર રદ કર્યો.

  ‘કાટ્સા’ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિને ઇરાન, ઉત્તર કોરિયા કે રશિયા સાથે મહત્ત્વની લેવડદેવડ કરનારા કોઇ પણ દેશ પર પ્રતિબંધ લાદવાનો અધિકાર છે. કાટ્સા લૉ 2014માં ક્રીમિયા પર રશિયાના કબજા અને 2016ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુટિનની દખલના જવાબમાં ઘડાયો હતો. તેમાં રશિયા સાથે સંરક્ષણ ખરીદી કરતા દેશો પર પ્રતિબંધ લાદવાનો અમેરિકી રાષ્ટ્રપતિને અધિકાર અપાયો છે.

  ભારતને એસ-400 મિસાઇલ સિસ્ટમના સપ્લાય પર પ્રતિબંધોની અસર નહીં પડે: રશિયા
  બીજી તરફ રશિયાએ કહ્યું છે કે પશ્ચિમી દેશોએ તેના પર લાદેલા પ્રતિબંધની ભારતને એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના સપ્લાય પર કોઇ અસર નહીં પડે. ભારત ખાતેના રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે એસ-400 ડીલ પર કોઇ અસર નહીં થાય. દ્વિપક્ષી વેપાર પર પ્રતિબંધોની અસર અંગે તેમણે જણાવ્યું કે તેનો મદાર ભાગીદારી જારી રાખવાની ભારતીય પક્ષની તત્પરતા પર રહેશે.