રશિયાને રાષ્ટ્રપતિ નહીં, કઠપૂતળી જોઈએ છે:પુતિન ઝેલેન્સ્કીને હટાવીને જેને યુક્રેનની સત્તા સોંપવા માગે છે તે સોનાના મહેલમાં રહેતા હતા; 17 વર્ષની વયે જેલમાં ગયા હતા

રશિયાને રાષ્ટ્રપતિ નહીં, કઠપૂતળી જોઈએ છે:પુતિન ઝેલેન્સ્કીને હટાવીને જેને યુક્રેનની સત્તા સોંપવા માગે છે તે સોનાના મહેલમાં રહેતા હતા; 17 વર્ષની વયે જેલમાં ગયા હતા

22 ફેબ્રુઆરી 2014નાં રોજ યુક્રેનની સંસદમાં યાનુકોવિચને રાષ્ટ્રપતિના પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો, પરંતુ હજુ સુધી બંને દેશે નમતું મૂક્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનની સત્તા પરથી વોલોડિમીર ઝેલેન્સ્કીને હટાવીને તેમની જગ્યાએ વિક્ટર યાનુકોવિચને બેસાડવા માગે છે. આ વાતનો દાવો યુક્રેનની મીડિયામાં થઈ રહ્યો છે. યુક્રેન મીડિયાના જણાવ્યા મુજબ કીવ પર કબજો મેળવ્યા બાદ વિક્ટર યાનુકોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિ બની જશે. વિક્ટર યાનુકોવિચ આ પહેલાં પણ યુક્રેનના રાષ્ટ્રપતિ રહ્યાં છે અને 8 વર્ષ પહેલાં બળવાને કારણે તેમને દેશ છોડવાની ફરજ પડી હતી.

વિક્ટર યાનુકોવિચ 2010માં યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યાં હતા. તેઓએ તે સમયે યુરોપિયન યુનિયનની સાથે સંબંધો વધારવામાં આવશે તેવો વાયદો કર્યો હતો પરંતુ નવેમ્બર 2013માં યાનુકોવિચે, યુરોપિયન યુનિયનની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવાને લઈને પીછેહટ કરી હતી. આ સમજૂતી અંતર્ગત યુક્રેનને 15 અબજ ડોલરનું આર્થિક પેકેજ મળવાનું હતું.

જ્યારે યાનુકોવિચે આ ડીલથી પીછેહટ કરી તો તેમના વિરૂદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફેબ્રુઆરી 2014માં યુક્રેનની સંસદે પણ તેમને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો પરંતુ તે પહેલાં જ યાનુકોવિચ યુક્રેન છોડીને ભાગી ગયા હતા.

17 વર્ષની ઉંમરે જેલયાત્રા
વિક્ટર યાનુકોવિચનો જન્મ ડોનેત્સ્કના યેનાકીવ શહેર નજીક એક ગામમાં થયો હતો. તેમની માતા રશિયન નર્સ હતા, જ્યારે પિતા લોકો પાયલટ હતા. યાનુકોવિચ જ્યારે બે વર્ષના હતા ત્યારે તેમની માતાનું મોત નિપજ્યું હતું. થોડાં વર્ષ પછી તેમના પિતાનું પણ મોત થઈ ગયું. યાનુકોવિચની ઉંમર જ્યારે 17 વર્ષની હતી ત્યારે ચોરી અને મારામારીના કેસમાં તેને 3 વર્ષની જેલની સજા થઈ હતી. 1970માં તેમને ફરી મારામારીના ગુનામાં વધુ 2 વર્ષની કેદ થઈ.

પહેલા વડાપ્રધાન અને પછી રાષ્ટ્રપતિ બન્યા

  • યાનુકોવિચની રાજકીય સફર ઓગસ્ટ 1996થી શરૂ થઈ, જ્યારે તેમને ડોનેત્સ્કના વાઈસ હેડ તરીકે પસંદ કરવામાં આવ્યા.
  • મે 1997માં યાનુકોવિચને ગવર્નર બનાવવામાં આવ્યા.
  • નવેમ્બર 2002માં યુક્રેનના ત્યારના વડાપ્રધાન એનાટોલી કિનાખે રાજીનામું આપ્યું, ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ લિયોનિડ કુચમાએ યાનુકોવિચને વડાપ્રધાન બનાવ્યા હતા.
  • 2004માં યુક્રેનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ. યાનુકોવિચ આ ચૂંટણીમાં ઊભા રહ્યાં. આ ચૂંટણીનાં પહેલા રાઉન્ડમાં યાનુકોવિચ જીતી ગયા પરંતુ વિપક્ષી પાર્ટી સહિત આંતરરાષ્ટ્રીય જગતે તેમના પર ગોટાળા કર્યા હોવાના આરોપ લગાવ્યા. જે બાદ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠલ ફરીથી ગણતરી થઈ અને યાનુકોવિચ હારી ગયા.
  • આ વચ્ચે 2006માં યાનુકોવિચ ફરી વડાપ્રધાન બની ગયા. 2010માં યુક્રેનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ. યાનુકોવિચ બીજી વખત આ ચૂંટણીમાં ઊભા રહ્યાં. યાનુકોવિચ પર આ વખતે પ્રચાર દરમિયાન નાણાકીય ગરબડીનો આરોપ લાગ્યો. અનુમાન હતું કે આ ચૂંટણીમાં યાનુકોવિચે 100થી 150 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો.
  • ફેબ્રુઆરી 2010માં મતગણતરી થઈ. યાનુકોવિચને લગભગ 49 ટકા વોટ મળ્યા, જ્યારે વિપક્ષી ઉમેદવાર યૂલિયા તિમોશેંકોને 46 ટકા વોટ મળ્યા.

બળવો થયો અને દેશ છોડીને ભાગવું પડ્યું
યાનુકોવિચ જ્યારે રાષ્ટ્રપતિ બન્યાં તો કહ્યું હતું કે, 'અમે એક સંતુલિત નીતિ બનાવીશું જે પૂર્વી સરહદ પર આપણાં દેશના હિતોની રક્ષા કરશે, મારો અર્થ છે રશિયા સાથેનો છે અને હાં યુરોપિયન યુનિયનની સાથે પણ.' યાનુકોવિચનું કહેવું હતું કે તેઓ યુક્રેનને એક ન્યૂટ્રલ દેશ બનાવશે, જેના દરેકની સાથે સારા સંબંધ હોય. જો કે નવેમ્બર 2013માં યાનુકોવિચ પોતાના વાયદાથી ફરી ગયા અને યુરોપિયન યુનિયનની સાથે સમજૂતી કરવાની વાતને લઈને પીછેહટ કરી. આ નિર્ણય વિરૂદ્ધ કીવના રસ્તા પર લોકો ઉતરી આવ્યા. જોતજોતમાં દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયો અને
રમખાણ જેવી જ સ્થિતિ ઊભી થઈ ગઈ. આ દરમિયાન યાનુકોવિચની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા. 22 ફેબ્રુઆરી 2014નાં રોજ યુક્રેનની સંસદમાં યાનુકોવિચને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર મતદાન થયું.447માંથી 328 સભ્યોએ યાનુકોવિચને હટાવવાના પક્ષમાં મત આપ્યા. જો કે તે પહેલાં જ યાનુકોવિચ દેશ છોડીને રશિયા
ભાગી ગયો હતો.