કબૂતરબાજી : વિદેશ મોકલવાના બહાને કોલકાતામાં ગોંધી રાખવા મુદ્દે વધુ 1 ફરિયાદ

કબૂતરબાજી : વિદેશ મોકલવાના બહાને કોલકાતામાં ગોંધી રાખવા મુદ્દે વધુ 1 ફરિયાદ

જોરણંગના રાકેશ પટેલની અમદાવાદના 2 અને કોલકાતાના 1 એજન્ટ સામે ફરિયાદ

અમેરિકા મોકલવાના બહાને કોલકાતા લઈ જઈ ગોંધી રાખવા મામલે મહેસાણા જિલ્લામાં વધુ એક પરિવારે ફરિયાદ નોંધાવી છે. મૂળ જોરણંગના અને હાલમાં અમદાવાદ રહેતા રાકેશ પટેલે 3 એજન્ટો સામે રૂપિયા 1.35 કરોડમાં અમેરિકા લઈ જવાનો સોદો કરીને રૂપિયા 5 લાખ એડવાન્સ લઈને કોલકાતા લઈ જઈ દોઢ માસ સુધી ગોંધી રાખ્યાની લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા તાલુકાના જોરણંગના વતની અને અમદાવાદમાં રહેતાં રાકેશ પટેલને અમદાવાદના સુશિલ રોયે ફોન કરીને અમેરિકા જવા બાબતે પૃચ્છા કરી હતી. ત્યારબાદ સુશીલ રોય રાકેશ પટેલના ઘેર આવતા પત્ની અને નાના બાળક સાથે અમેરિકા જવા માટે રૂપિયા 1.35 કરોડમાં સોદો નક્કી કરીને એડવાન્સમાં રૂપિયા 5 લાખ રોકડા આપ્યા હતા.

સુશીલ રોયે પરિવારના ફોટા મેળવીને 27 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદથી જયપુર અને જયપુરથી કોલકાતાની ટિકિટ મોકલી હતી. અમદાવાદથી રાકેશ પટેલ, તેમની પત્ની અને પૂનમબેન અને દિકરો પ્રિન્સ વાયા જયપુર થઈને કોલકાતા પહોંચ્યા હતા. કોલકાતા પહોંચ્યા બાદ એકાદ માસ સુધી અલગ-અલગ હોટલોમાં રાખ્યા હતા. જ્યાં કમલ સિંઘાનીયા નામના એજન્ટ સાથે પરિચય થયો હતો.

ત્યારબાદ 10 દિવસ સુધી દિલ્હીની ટુરીસ્ટ પેલેસ હોટલમાં રખાયા હતા. જ્યાં 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12 વાગે ગાંધીનગર પોલીસે આવીને તમારો સામાન પેક કરો તમારી સાથે ચિટીંગ થયું છે તેમ કહેતાં પોલીસની સાથે દિલ્હીથી અમદાવાદ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આવી ગયા હતા.

જ્યારે રાકેશ પટેલની પત્ની અને દિકરાના પાસપોર્ટ એજન્ટોએ લઈ લીધા હતા. રાકેશ પટેલે અમદાવાદના સુશિલ રોય, સંતોષ રોય અને કોલકાતાના કમલ સિંઘાનીયા સામે પૈસા કઢાવવા દોઢ માસ સુધી ગેરકાયદે ગોંધી રાખીને રૂપિયા 5 લાખ અને પાસપોર્ટ પડાવી લેવાની ફરિયાદ આપતા લાંઘણજ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વસાઈના અમરત પટેલની ધરપકડ કરી નથી
વસાઈના પરિવારને કોલકાતામાં ગોંધી રાખવા મામલે નોંધાયેલી ફરિયાદના અનુસંધાને વસાઈના અમરત કાંતિભાઈ પટેલની કોઈ ધરપકડ કરવામાં આવી નહી હોવાનુ અને માત્ર પૂછપરછ માટે બોલાવાયો હોવાનુ કેસની તપાસ કરતા અધિકારીએ કહ્યુ હતુ. આ કેસમાં રમેશ સોમાભાઈ પટેલની ધરપકડ કરીને 10 દિવસના રિમાન્ડ ઉપર લેવાયો છે.