તાલિબાનનું રાજ:અમેરિકાનો દાવો: હક્કાની નેટવર્ક અને તાલિબાન બંને જુદાં જુદાં સંગઠન

તાલિબાનનું રાજ:અમેરિકાનો દાવો: હક્કાની નેટવર્ક અને તાલિબાન બંને જુદાં જુદાં સંગઠન

આતંકી યાદીમાં સામેલ હક્કાની નેટવર્ક હજુ પણ ઉખાણું

 

તાલિબાન અને પ્રતિબંધિત આતંકી સંગઠન હક્કાની નેટવર્ક વચ્ચે મજબૂત સંબંધ હોવા છતાં અમેરિકાએ દાવો કર્યો છે કે, આ બંને સંગઠન જુદા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈઝે સવાલ કર્યો હતો કે, શું કાબુલ એરપોર્ટની સુરક્ષા વિશે તાલિબાન સાથે માહિતી વહેંચાઈ રહી છે? શું આ જાણકારી હક્કાની નેટવર્કને પણ અપાઈ રહી છે? આ મુદ્દે પ્રાઈઝે કહ્યું કે, તાલિબાન અને હક્કાની નેટવર્ક બંને જુદા સંગઠન છે.

અમેરિકાના ઈનકાર છતાં કહેવાય છે કે, આ બંને કટ્ટરપંથી સંગઠન વચ્ચે મજબૂત સંબંધ છે. અમેરિકાએ પહેલીવાર 2012માં હક્કાની નેટવર્કને આતંકી જૂથની યાદીમાં સામેલ કર્યું હતું. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરે કહ્યું છે કે, હક્કાની નેટવર્ક અમેરિકા, સાથી દેશો અને અફઘાન સુરક્ષા દળોને નિશાન બનાવતું સૌથી ઘાતક સંગઠન છે. હક્કાની નેટવર્કને આતંકી જૂથ માનવા પાછળનું કારણ એ છે કે, તે અમેરિકા સહિતની વિદેશી સેના પર હુમલો કરે છે.

તાલિબાન સાથે જૂનું ગઠબંધન
સીઆઈએના પૂર્વ આતંકવાદ વિરોધી વડા ડગલાસ લંડનના મતે, પાકિસ્તાનીઓ અને હક્કાની નેટવર્કનો સંબંધ તાલિબાનની જીત માટે અનિવાર્ય હતો. હકીકતમાં તાલિબાન, હક્કાની નેટવર્ક અને અલ કાયદા અફઘાનિસ્તાનમાં ઊંડાણથી જોડાયેલા છે.

આત્મઘાતી પાસે 25 પાઉન્ડ વિસ્ફોટક હતા
કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ પછી હવે અમેરિકા કાવતરાના તાર જોડી રહ્યું છે. અમેરિકન સેનાનો દાવો છે કે, કાબુલ એરપોર્ટ પર હુમલાની ચેતવણી પછી સૈનિકો સતર્ક હતા. બહાર તહેનાત તાલિબાન લડવૈયા ભીડને દૂર કરતા હતા, પરંતુ તે પાછી આવતી હતી. આવું બે વાર થયું, ત્યારે ત્રીજી વાર ભીડ સાથે હુમલાખોર પણ આવી ગયો. તેણે શરીર પર 25 પાઉન્ડ વિસ્ફોટક ભરેલું જેકેટ પહેર્યું હતું. એબી ગેટ પર અમેરિકન સેના પાસે પહોંચતા જ તેણે સાંજે 5:48 વાગ્યે પોતાને ઉડાવી દીધો. હવે સવાલ એ છે કે, તે એબી ગેટ પાસે કેવી રીતે પહોંચ્યો? તેને કોણે મદદ કરી હતી?

જૈશના આતંકીઓ તાલિબાન નેતાઓને મળ્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી તેમના જેવી જ વિચારધારા ધરાવતા જૂથો નજીક આવી રહ્યા છે. અહેવાલો છે કે, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં કંધારમાં તાલિબાની નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જૈશએ ભારતમાં તાલિબાનનું સમર્થન માંગ્યું છે. ભારતની ગુપ્તચર એજન્સીના વરિષ્ઠ અધિકારીઓનું અનુમાન છે કે, સરહદે આતંકી ગતિવિધિ વધી શકે છે. નોંધનીય છે કે, તાલિબાન અને જૈશ એક જેવી વિચારધારા ધરાવતા જૂથ મનાય છે. હાલમાં જ કાબુલ પર કબજા પછી અનેક જૈશ સભ્યોને અફઘાનની જેલોમાંથી મુક્ત કરાયા છે અને તેઓ ભારત પર હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે.