કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂરઃ રૂ. 3000માં એક પાણીની બોટલ, રૂ. 7500માં એક પ્લેટ પુલાવ

કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂરઃ રૂ. 3000માં એક પાણીની બોટલ, રૂ. 7500માં એક પ્લેટ પુલાવ

ખાવા-પીવાની વસ્તુઓની આટલી ઉંચી કિંમતના કારણે લોકો ભૂખ્યા-તરસ્યા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અને બેભાન થઈને પડી રહ્યા છે. સાથે જ તાલિબાન તેમની મદદ કરવાના બદલે તેમના સાથે મારપીટ કરી રહ્યું છે. 

નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના પ્રવેશ સાથે જ છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી ત્યાં અફરા-તફરીનો માહોલ છે. તાલિબાનની આ વાસ્તવિકતાથી તો આખી દુનિયા વાકેફ છે. પરંતુ કાબુલ એરપોર્ટ પર અફઘાનિસ્તાનના લોકો જે ટોર્ચરમાંથી પસાર થઈ રહ્યા છે તેના માટે ઈતિહાસ તાલિબાનને કદી માફ નહીં કરે. કાબુલ એરપોર્ટ પર ચારે તરફ હતાશા અને માયૂસી છે અને કોઈના મોઢા પર આશાનું એક કિરણ પણ જોવા નથી મળી રહ્યું. 

લોકો ભૂખ્યા-તરસ્યા ગરમીમાં પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે હવે તે લોકોની ધીરજ તૂટવા લાગી છે અને શરીરે જવાબ આપવાનું ચાલુ કરી દીધું છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, કાબુલ એરપોર્ટ પર હવે કોણ જમીન પર ફસડાઈ પડશે તે કહી ન શકાય. 

10 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અફઘાનો સાથે થઈ રહેલો એક મોટો અત્યાચાર દેખાઈ રહ્યો છે. કાબુલ એરપોર્ટ બહાર પાણી પીતી એક યુવતીના વીડિયોમાં તાલિબાનનો એ જુલમ છુપાયેલો છે જે અત્યાચારની નવી પરિભાષા વર્ણવે છે. કાબુલ એરપોર્ટ બહાર મચેલી અફરા-તફરીમાં 20 લોકો માર્યા ગયા છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, લોકો કાબુલ એરપોર્ટ બહાર બેભાન શા માટે થઈ રહ્યા છે? શા માટે વિદેશી સૈનિકો કાબુલ એરપોર્ટ બહાર પાણી ફેંકી રહ્યા છે. સવાલ એ છે કે, અફઘાની મહિલાને એક વિદેશી સૈનિકે જ શા માટે પાણી પીવડાવ્યું?

આ સવાલોનો જવાબ છે પાણી. જેની કિંમત કાબુલમાં આભને આંબી રહી છે. કાબુલ એરપોર્ટ બહાર પાણીની એક બોટલ 40 ડોલર એટલે કે, આશરે 3,000 રૂપિયામાં વેચાઈ રહી છે. જ્યારે એક પ્લેટ પુલાવની કિંમત 100 ડોલરે પહોંચવા આવી છે જે 7,500 રૂપિયા જેટલી ગણી શકાય. મહત્વની વાત એ છે કે, પાણીની બોટલ ખરીદવી હોય કે, ભોજનની પ્લેટ તેના માટે અફઘાની મુદ્રાને બદલે ડોલરમાં જ કિંમત વસૂલવામાં આવી રહી છે. 

ખાવા-પીવાની વસ્તુઓની આટલી ઉંચી કિંમતના કારણે લોકો ભૂખ્યા-તરસ્યા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અને બેભાન થઈને પડી રહ્યા છે. સાથે જ તાલિબાન તેમની મદદ કરવાના બદલે તેમના સાથે મારપીટ કરી રહ્યું છે. આ સમયે નાટો દેશોના સૈનિકો અફઘાનિસ્તાનના મદદગાર બનીને ઉભરી રહ્યા છે. તેઓ એરપોર્ટ પર અસ્થાયી ઘર બનાવીને રહેતા લોકોને ભોજન અને પાણી આપી રહ્યા છે. તે સિવાય અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનના નાના બાળકોને ચિપ્સના પેકેટ વહેંચતા પણ દેખાઈ રહ્યા છે. 

અફઘાની બાળકોને વિદેશીઓનો આ વ્યવહાર ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ અમેરિકી સૈનિકોને સલામ પણ કરી રહ્યા છે. જોકે એક તથ્ય એ પણ છે કે, અમેરિકાના કારણે જ અફઘાનિસ્તાનની આ હાલત છે. તે 20 વર્ષોમાં એક એવી ફોજ પણ ન બનાવી શક્યું જે તાલિબાનનો સામનો કરી શકે. જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનને થાળીમાં સજાવીને તાલિબાનના હવાલે કરી રહ્યું છે ત્યારે તેના સૈનિકોનું આ વર્તન તેની છબિને એક અલગ જ ઓળખ આપી રહ્યું છે.