2020ના પ્રથમ દિવસે ભારતમાં 67385 બાળકોનો જન્મ : વિશ્વવિક્રમ
વિશ્વભરમાં નવા વર્ષના પ્રારંભે ચાર લાખ બાળકો જન્મ્યા, સૌથી વધુ ભારતમાં : યુનિસેફનો અહેવાલ
ફિજીમાં 2020ના પ્રથમ બાળકનો જન્મ : યુએનના અહેવાલ પ્રમાણે 2050 સુધીમાં 27.3 કરોડની વૃદ્ધિ સાથે ભારત વસ્તી મામલે વિશ્વમાં પ્રથમ ક્રમે હશે
2018માં 25 લાખથી વધુ શિશુના મહિનામાં જ મોત
(પીટીઆઈ) સંયુક્ત રાષ્ટ્ર, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
બાળ કલ્યાણ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસૃથા યુનિસેફના અહેવાલ પ્રમાણે નવા વર્ષ 2020ની પ્રથમ તારીખે સમગ્ર વિશ્વમાં આશરે ચાર લાખ બાળકોનો જન્મ થયો છે અને તે પૈકીના સૌથી વધારે 67,385 બાળકોનો જન્મ ફક્ત ભારતમાં થયો છે.
યુનિસેફના અહેવાલ પ્રમાણે પહેલી જાન્યુઆરી, 2020ના રોજ સમગ્ર વિશ્વમાં 3,92,078 બાળકોનો જન્મ થયો હતો. તેમાં સૌથી વધારે 67,385 બાળકોના જન્મ સાથે ભારત પ્રથમ ક્રમે રહ્યું હતું અને તેના પછીના ક્રમે ચીનમાં 46,299 બાળકોનો જન્મ થયો છે. યુનિસેફના કારોબારી સંચાલક હેનરિટા એચ. ફોરના કહેવા પ્રમાણે ‘નવા વર્ષ અને નવા દશકાની શરૂઆત આપણી અને આપણી ભાવિ પેઢીઓની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને વ્યક્ત કરવા માટેનો અવસર છે.’
પેસિફિક ક્ષેત્રના ફિજી ખાતે 2020ની સાલના પ્રથમ બાળકનો જન્મ થયો જ્યારે નવા વર્ષના પ્રથમ દિવસે જન્મનારૂં અંતિમ બાળક અમેરિકામાં જન્મ્યું હતું. આ દિવસે જન્મનારા કુલ બાળકો પૈકીના આશરે 50 ટકા બાળકોનો જન્મ ભારત, ચીન, નાઇજીરીયા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, અમેરિકા, કોંગો અને ઇથોપિયામાં નોંધાયો હતો.
યુનિસેફ દર વર્ષે જાન્યુઆરીમાં નવા વર્ષના પ્રથમ દિવસે જન્મનારા બાળકોના જન્મની ઉજવણી કરે છે અને તેને ખાસ દિવસ ગણાવે છે. 2018ની સાલમાં જન્મ લેનારા બાળકો પૈકીના 25 લાખ નવજાત શિશુ જન્મના પ્રથમ મહીનામાં જ મૃત્યુ પામ્યા હતા અને તે પૈકીના એક તૃતિયાંશ બાળકો જન્મના પ્રથમ દિવસે જ મૃત્યુ પામ્યા હતા.
2027 સુધીમાં ભારત વસ્તી મામલે ચીનને પાછળ છોડી દે તેવી ધારણા છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે 2019થી 2050 દરમિયાન ભારતની વસ્તીમાં 27.3 કરોડનો વધારો થાય તેવી ધારણા છે. સાથે જ આ સમયગાળા દરમિયાન નાઇજીરીયાની વસ્તીમાં 20 કરોડનો વધારો થાય તેવું અનુમાન મુકવામાં આવ્યું છે જેથી 2050ની સાલમાં સમગ્ર વિશ્વની 23 ટકા વસ્તી આ બંને દેશ ધરાવતા હશે.
