5 રાફેલ વિમાનોએ ફ્રાન્સથી ઉડાણ ભરી : 29મીએ ભારતમાં આગમન

5 રાફેલ વિમાનોએ ફ્રાન્સથી ઉડાણ ભરી : 29મીએ ભારતમાં આગમન

। નવી દિલ્હી ।

ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ફ્રાન્સ સાથે થયેલા રાફેલ સોદાના આધારે પહેલાં પાંચ વિમાન ભારત મોકલવામાં આવ્યાં છે. સોમવારે સવારે ફ્રાન્સથી પાંચ રાફેલ ફાઇટર જેટે ભારત આવવા ઉડાણ ભરી હતી. ૨૯ જુલાઈએ આ ફાઇટર જેટ ભારત આવી જશે અને તેને હરિયાણાના અંબાલામાં એરફોર્સના બેડામાં જોડવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, આધુનિક હથિયારો અને મિસાઇલ્સથી સજ્જ રાફેલ વિમાનોને એક જ અઠવાડિયામાં રેડી ટુ મિશન કરવામાં આવશે. રાફેલ માટે ૧૨ પાઇલટને તાલીમ આપવામાં આવી છે. તેઓ આ પ્લેન લઈને ભારત આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ૨૦૧૬માં ફ્રાન્સ સાથે રૂ. ૫૯ હજાર કરોડમાં ૩૬ રાફેલ ફાઇટર જેટનો સોદો કર્યો હતો. ૩૬માંથી ૩૦ ફાઇટર જેટ્સ હશે અને ૬ ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ બે બેઠકવાળા હશે અને તેમાં પણ ફાઇટર જેટ્સ જેવાં ફીચર્સ હશે. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં આ તમામ જેટ ભારત આવી જવાની આશા છે.

રશિયાએ ચીનને જી-૪૦૦ મિસાઇલ્સની ડિલિવરી અટકાવી

પૂર્વ લદાખમાં ભારત સાથે ચાલી રહેલા વિવાદમાં નવો ફણગો ફૂટયો છે. રશિયા દ્વારા ભારત સાથેની મિત્રતાને પગલે ચીનને કરવામાં આવી રહેલી જી-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની મિસાઇલ્સની ડિલિવરી અટકાવી દીધી છે. ચીનના એક અખબારના અહેવાલ પ્રમાણે જમીનથી હવામાં મારક ક્ષમતા ધરાવતી જી-૪૦૦ મિસાઇલ્સની ડિલિવરી રશિયાએ અટકાવી દીધી છે. તાલીમ અને બીજી ટેકનિકલ બાબતોમાં અડચણ આવતી હોવાથી રશિયાએ ડિલિવરી અટકાવી છે. બીજી તરફ ચીનના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રશિયાએ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ચીનને મિસાઇલ્સ આપી નથી.

૭,૦૦૦ કિમીની સફરમાં માત્ર અબુધાબીમાં ટૂંકું રોકાણ

ફ્રાન્સના મેરિનેક એરબેસ પરથી નીકળેલા રાફેલ ૨૮ જુલાઈએ ફક્ત એક જ ઠેકાણે યુએઈના અબુધાબી સ્થિત અલ ધાફરા સ્થિત એરપોર્ટ પર વિરામ લેશે. રાફેલ ૨૯ જુલાઈના દિવસે ભારત પહોંચશે અને તેને અંબાલા એરબેઝ પર લઈ જવામાં આવશે. ૭,૦૦૦ કિમીની સફર દરમિયાન રાફેલમાં બે વાર હવામાં જ ઈંધણ ભરવામાં આવશે. ઈન્ડિયન એરફોર્સના જણાવ્યા પ્રમાણે સોમવારે રાત્રે રાફેલ અલ ધાફરા એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા.

રાફેલની પહેલી ખેપ : એટ એ ગ્લાન્સ

  • રાફેલની પહેલી ખેપ ફ્રાન્સના મેરિજનાક બેસ પરથી ૭,૦૦૦ કિમીનું અંતર કાપીને ભારતના અંબાલામાં લેન્ડ કરશે
  • આખી સફર દરમિયાન કલાકના લગભગ ૧,૦૦૦ કિમીની ઝડપે ઉડાણ ભરશે. જોકે રાફેલની વધારેમાં વધારે સ્પીડ ૨,૨૨૨ કિમી પ્રતિ કલાકની છે.
  • રાફેલમાં અત્યાધુનિક મિસાઇલ અને ઘાતક બોંબ લગાડાયા છે.
  • દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ અને સેમિ સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ
  • હવામાંથી હવામાં જ ત્રાટકવાની ક્ષમતા ધરાવનાર દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ મિટિયર અને સ્કાલ્પ પણ રાફેલમાં લગાડાઈ છે.
  • રાફેલ પરમાણુ હુમલો કરવા માટે પણ સક્ષમ છે.
  • ૧૦૦ કિમીના વ્યાપમાં પણ ટાર્ગેટને શોધીને તેનો ખાતમો બોલાવી શકે છે.