અંતિમ સફર / ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ માસાંતે અલંગમાં આવશે, 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યુ

અંતિમ સફર / ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ માસાંતે અલંગમાં આવશે, 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યુ

વિશ્વનું સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ ઓનલાઇન ઓક્શનમાં ખપી ગયું

ભાવનગર. ભારતનું ઐતિહાસિક યુધ્ધ જહાજ અને વિશ્વનું સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિરાટ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે માસાંતે ભંગાવવા માટે આવી પહોંચશે. આ અગાઉ ઓનલાઇન ઓકશનની પ્રક્રિયામાં ન્યૂનતમ કિંમતનો પ્રશ્ન ઉભો થયો હતો અને ત્યારે જે શિપબ્રેકરે બિડ જીતી હતી તેઓએ જ આ વખતે પણ શિપ ભાંગવા માટે ઓનલાઇન હરાજીમાંથી ખરીદી લીધુ છે.

6 માર્ચ 2017ના રોજ સત્તાવાર રીતે તેને ભારતીય યુધ્ધ જહાજ તરીકે વિદાય આપવામાં આવી હતી
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નં.9 શ્રીરામ ગ્રીન શિપ રીયાસકલિંગ ઇન્ડસ્ટ્રીઝના મુકેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર, ઓનલાઇન ઓકશનમાં 38.54 કરોડ રૂપિયાની કિંમતે આઇએનએસ વિરાટ ખરીદી લીધુ છે. અને ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં મુંબઇથી ટગની સાથે બાંધીને તેને અલંગમાં લાવવામાં આવશે. 18000 ટન એલડીટી ધરાવતા યુધ્ધ જહાજને ઓનલાઇન ખરીદવા માટે અલંગના દિગ્ગજ શિપબ્રેકરોએ છેલ્લે સુધી જોર લગાવ્યુ હતુ. આઇએનએસ વિરાટ વર્ષ 1959માં બનાવવામાં આવ્યુ હતુ. અને આ યુધ્ધ જહાજ 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યુ હતુ. વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું હતુ. 23મી જુલાઇ 2016ના રોજ અંતિમ સફર ખેડી હતી. 6 માર્ચ 2017ના રોજ સત્તાવાર રીતે તેને ભારતીય યુધ્ધ જહાજ તરીકે વિદાય આપવામાં આવી હતી.આઇએનએસ વિરાટની પહોળાઇ 49 મીટર અને લંબાઇ 225 મીટર છે. વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલા આ યુધ્ધ જહાજને વેચવા માટે એમ.એસ.ટી.સી. દ્વારા અગાઉ ઇ-ઓકશન રાખવામાં આવ્યુ હતુ અને તેમાં પણ શ્રીરામ ગ્રુપ સફળ રહ્યું હતુ પરંતુ તેમાં ન્યૂનતમ કિંમત અંગેના પ્રશ્નો ઉપસ્થિત થતા પુન: ઓનલાઇન ઓકશન કરવામાં આવ્યુ હતુ, અને શ્રીરામ ગ્રુપ દ્વારા સૌથી વધુ 38.54 કરોડ રૂપિયાની કિંમત લગાવી અને ઐતિહાસિક શિપ ખરીદી લીધુ છે, ઓગસ્ટના અંતમાં આ શિપ અલંગમાં આવી પહોંચશે.

મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો
વિશ્વના સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિરાટને ભારતીય નૌકાદળમાંથી સેવાનિવૃત્ત કરવામાં આવ્યા બાદ ભારત સરકાર દ્વારા આ જહાજને મુંબઇના મધદરિયે મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો પરંતુ અંતે મ્યુઝિયમમાં તબદીલ કરવાનો પ્રસ્તાવ પડતો મુકવામાં આવ્યો હતો. અને ઓનલાઇન હરાજી વડે તેને ભાંગવા માટે વેચી દેવાનું નક્કી કરવામા આવ્યુ હતુ. બીજા પ્રયત્ને તેના વેચાણમાં સફળતા હાથ લાગી છે. ( Divya Bhaskar )