કોઈપણ પ્રકારના ફંડ-ફાળા વિના દુબઈમાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર બનશે, દુબઈ સરકારે મંજૂરી આપી

કોઈપણ પ્રકારના ફંડ-ફાળા વિના દુબઈમાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર બનશે, દુબઈ સરકારે મંજૂરી આપી

રાજકોટ. માનવ સેવા માટે જેમણે જીવન સમર્પિત કરી દીધું એવા સંત શિરોમણી જલારામ બાપાના ભાવિકોને હવે દુબઈમાં પણ જલારામ બાપાના દર્શનનો લાભ મળશે. દુબઈમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને આ મંદિર કોઈપણ પ્રકારના ફંડ-ફાળા વિના બનાવાશે. આ અંગે દુબઈ સરકારે પણ મંદિર બનાવવા અંગેની મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર રઘુવંશી સમાજ તેમજ દેશ-વિદેશમાં વસતા જલારામ બાપાના ભક્તો માટે દુબઈમાં જલારામ બાપાનું મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ માટેની જરૂરી પરવાનગી દુબઈ સરકાર તરફથી મળી પણ ગઈ છે. આ મંદિર બનતા દુબઇમાં વસતા આપણાં ભારતીયો તથા અહીંથી દુબઇ જતાં જલારામ બાપાના ભક્તોને ટૂંક સમયમાં જ જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાનો લાભ મળશે.

આ મંદિર નિર્માણના ભગીરથ કાર્યમાં ભરતભાઇ રૂપારેલ કે જેઓ મૂળ પોરબંદરના વતની છે અને દુબઇમાં તેમજ કેનેડાના વાનકુવરમાં ગોલ્ડના શો-રૂમ ધરાવે છે તેઓ આ કાર્ય માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી તેઓ દુબઇમાં તેમના ઘરે જલારામ જયંતિની ઉજવે છે. આ મંદિર બનવાના સમાચાર ભરતભાઇએ 1977 થી એમના ખાસ મિત્ર એવા રાજકોટના હરીશભાઈ લાખાણીને આપેલા છે.

આ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે જેમાં હરીશભાઇ પવાણી કે જેઓ કચ્છી લોહાણા છે જેઓ ઓમાનથી દુબઈમાં આવીને વસેલા છે અને દુબઈમાં પરસોતમ કાનજીના નામે પ્રખ્યાત છે. તેઓ ગોલ્ડ, કરન્સી તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલૉજીનો વ્યવસાય ધરાવે છે. આ ટ્રસ્ટના દરેક વ્યક્તિ ખૂબ જ સ્ટ્રોંગ છે દુબઇમાં અને કોઈપણ જાતના ફાળા વગર આ મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધેલ છે. ( DivyaBhaskar )