કોણે બનાવી હતી ભારતનાં રાષ્ટ્રધ્વજની ડિઝાઈન? ગાંધીજીએ કેમ આપી હતી સૂચના?

કોણે બનાવી હતી ભારતનાં રાષ્ટ્રધ્વજની ડિઝાઈન? ગાંધીજીએ કેમ આપી હતી સૂચના?

રાષ્ટ્રધ્વજ આપણા દેશના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતીક છે. આ ધ્વજ મૂળ તો કોંગ્રેસ પક્ષનો ધ્વજ હતો. એ પહેલાં પણ અનેક વિભૂતિઓએ કોંગ્રેસના ધ્વજ માટે જાતજાતની ડિઝાઈન તૈયાર કરાવી હતી, પરંતુ ગાંધીજીને એવો ધ્વજ જોઈતો હતો જે સમગ્ર રાષ્ટ્રની ભાવનાઓને દર્શાવે. આજના આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઈન આઝાદી મળી તેના ત્રણ દાયકા પહેલાં નક્કી થઈ ગઈ હતી. જોકે અગાઉ જોયું તેમ ત્યારે આ ધ્વજ રાષ્ટ્રધ્વજ નહોતો, માત્ર કોંગ્રેસનો રાષ્ટ્રીય ધ્વજ હતો. ધ્વજની ડિઝાઈન ગાંધીજીની સૂચના પ્રમાણે તૈયાર કરવાનું કામ પીંગલી વૈંકેયાએ કર્યું હતું.

પીંગલી વૈંકેયાનો જન્મ 2 ઓગસ્ટ, 1878માં આંધ્રપ્રદેશમાં થયો હતો. તેમણે કેમ્બ્રિજથી પોતાનો અભ્યાસ કર્યો હતો. મહાત્મા ગાંધી સાથે વૈંકેયાની મુલાકાત દક્ષિણ આફ્રિકામાં બીજા બૉર યુદ્ધ વખતે થઈ હતી. એ સમયે તેઓ ત્યાં બ્રિટિશ ભારતીય સૈનિક તરીકે તહેનાત હતા. 1916માં વૈંકેયાએ ધ્વજની 30 ડિઝાઈન બનાવી હતી. મદ્રાસ હાઈકોર્ટના સભ્યો દ્વારા ભંડોળ મેળવી એની પુસ્તિકા છપાવી હતી.

1921માં વિજયવાડા ખાતે વૈંકેયાએ મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ધ્વજની ડિઝાઈન બતાવી. જેમાં બે લાલ રંગ અને એક લીલા રંગનો પટ્ટો હતો. જે ક્રમશઃ દેશના હિન્દુઓ અને મુસ્લિમોનું પ્રતીક હતું. ગાંધીજીએ શિક્ષણવિદ લાલા હંસરાજની ભલામણથી ઝંડામાં બે લાલ પટ્ટા હતા તેમાંથી એક લાલ પટ્ટાને શાંતિના પ્રતીક તરીકે સફેદ પટ્ટો બનાવવાનું અને અને વિકાસના પ્રતીકસમાન એક ચરખાનું પ્રતીક ઉમેરવાનું સૂચન કર્યું. 1931માં કોંગ્રેસ કમિટીએ ધ્વજમાં પરિવર્તન કર્યું. ઉપરના લાલ રંગની જગ્યાએ કેસરી રંગ વચ્ચે સફેદ અને નીચે લીલા રંગના પટ્ટાની ડિઝાઈન નક્કી થઈ. સફેદ પટ્ટાની વચ્ચોવચ ચરખાનું પ્રતીક મૂકવામાં આવ્યું.

આ નવા ધ્વજને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો. આઝાદી બાદ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની આગેવાની હેઠળ નેશનલ ફ્લેગ કમિટીની રચના થઈ. આ કમિટીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ માટે તૈયાર કરેલી તિરંગાની ડિઝાઈનને પસંદ કરી. તેમાં સફેદ પટ્ટામાં રહેલા ચરખાની જગ્યાએ 24 આંકા સાથેનું અશોકચક્ર મૂક્યું. 22 જુલાઈ, 1949ના રોજ યોજાયેલી બંધારણની સભાની બેઠકમાં તિરંગાની ડિઝાઈન અપનાવવામાં આવી. બાદમાં 15 ઓગસ્ટ, 1947ના દિવસથી તે ભારતનો રાષ્ટ્રધ્વજ બની ગયો. તિરંગાનો કેસરી રંગ શક્તિ અને સાહસ, સફેદ રંગ સત્ય અને શાંતિ તથા લીલો રંગ હરિયાળીનું પ્રતીક દર્શાવે છે. ( Source – Sandesh )