કોરોના વાઇરસ હવે ૨૦થી ૪૦ વર્ષના લોકોમાં ફેલાઈ રહ્યો છે : WHO

કોરોના વાઇરસ હવે ૨૦થી ૪૦ વર્ષના લોકોમાં ફેલાઈ રહ્યો છે : WHO

। જિનિવા/વોશિંગ્ટન ।

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ફરી એકવાર આખા વિશ્વને કોરોનાનાં સંક્રમણ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે, આખી દુનિયામાં હવે ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો છે. સંસ્થાના પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રના ડિરેકટર તાકેશી કસઈએ જણાવ્યું હતું કે, ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના કેટલાક લોકોને ખબર પણ નથી કે તેઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યાં કોરોના પહેલાં કાબૂમાં આવી ગયો હતો તેવા કેટલાક દેશમાં તેનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અનેક દેશોમાં ફરી લોકડાઉન લગાવાઈ રહ્યું છે. એશિયા પેસિફિક રિજિયનમાં મહામારી બીજા સ્ટેજમાં પહોંચી ગઈ છે.

વેક્સિનની રાહ જોયા વિના દરેક દેશ પોતાની જાતે બચવાના રસ્તા શોધે : WHO

દરેક દેશોએ કોરોનાની વેક્સિનની રાહ જોયા વિના કોરોનાથી બચવા અને તેનું સંક્રમણ ઘટાડવા પોતાની રીતે તૈયારીઓ કરવી જોઈએ તેમજ જરૂરી પગલાં લેવાં જોઈએ તેમ તાકેશીએ કહ્યું હતું. કોરોના સામે લડવા વધુમાં વધુ પગલાં લેવાં જોઈએ. વેક્સિન માર્કેટમાં આવે તો પણ તેનો પુરવઠો ઓછો હશે જ્યારે માગ વધારે હશે આથી તમામને તે એક ધડાકે મળે તેવી શક્યતા ઓછી છે. જ્યાં સુધી તમામ દેશો રક્ષણનાં પગલાં નહીં લે ત્યાં સુધી કોઈ દેશ સલામત નથી.

ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમણ વધતાં ટ્રમ્પે ટિપ્પણી કરી

ન્યૂઝીલેન્ડમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ૬ દિવસના વિરામ પછી ફરી એકવાર ૯ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. આ મુદ્દે ટ્રમ્પે ન્યૂઝીલેન્ડ સામે કટાક્ષ કરતા કહ્યું કે તેઓ મને બતાવવા માટે સંક્રમણ ઘટવાનો દાવો કરતા રહ્યા હતા.

વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨.૨૦ કરોડને પાર

આખા વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૨.૨૦ કરોડના આંકડાને પાર કરીને ૨,૨૦,૯૫,૦૫૮ થઈ છે. જ્યારે ૭,૭૮,૨૨૮ લોકો કોરોનાની મહામારીનો ભોગ બન્યા છે. સારવાર મળ્યા પછી ૧,૪૮,૨૯,૧૬૪ લોકોએ કોરોનાને હરાવ્યો છે.

અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૬ લાખને ક્રોસ કરી ગઈ

અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અહીં દર્દીઓની કુલ સંખ્યા ૫૬,૧૩,૨૬૮ થઈ છે જ્યારે ૧,૭૩,૭૭૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦,૬૧૨ નવા દર્દીઓ વધ્યા છે અને ૫૮૯નાં મોત થયાં છે.

કોરોના કાર્ડ

  • સ્પેનમાં ચાર નવા વિસ્તારોમાં પ્રતિબંધો અમલી બનાવાયા છે. આ વિસ્તારો ગાઢ વસ્તી ધરાવે છે. અહીં બે મહિના પહેલાં પ્રવાસીઓને આવવાની છૂટ અપાઈ હતી.
  • બ્રિટનમાં મીઠાઈની ફેકટરીમાં ૭૨ કર્મચારી કોરોના સંક્રમિત જણાયા છે. હવે આખા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવા નક્કી કરાયું છે.
  • રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૭૪૮ કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૯ લાખ કરતાં વધુ છે જ્યારે ૧૫,૦૦૦થી વધુએ જીવ ગુમાવ્યો છે.
  • ઓમાન સરકારે હવે પ્રવાસીઓને પ્રવેશની છૂટ આપી છે. ત્યાં રેસ્ટોરાં, જિમ અને સ્વિમિંગ પૂલ ખોલવામાં આવ્યાં છે.