આજે ગણેશચતુર્થી, સાર્વજનિક મહોત્સવને ગ્રહણ, મંડપ ડેકોરેશનનું માર્કેટ ઠંડું, 140 કરોડનો વેપાર ખોરવાશે

આજે ગણેશચતુર્થી, સાર્વજનિક મહોત્સવને ગ્રહણ, મંડપ ડેકોરેશનનું માર્કેટ ઠંડું, 140 કરોડનો વેપાર ખોરવાશે

સમગ્ર રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં લોકોના માનીતા પર્વ ગણેશોત્સવનો શનિવારથી આરંભ થશે. દરમિયાન ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે  દર વર્ષે ગણેશોત્સવ નિમિત્તે દેખાતી રોનક અને ભપકો ચાલુ વર્ષે દેખાશે નહીં. પોલીસ તંત્રનું જાહેરનામું અને કોરોના સંક્રમણને અટકાવવા માટે કટિબદ્ધ થયેલા ગણેશમંડળોને કારણે ચાલુ વર્ષે સાર્વજનિક મહોત્સવની ઝલક દેખાશે નહીં.

છેલ્લા બે દિવસથી શહેરમાં વિવિધ વિસ્તારમાં શ્રીજી પ્રતિમાની ખરીદી માટે ચહલપહલ જોવા મળી રહી છે. કેટલેક ઠેકાણે યુવાનો બેથી ત્રણ ઢોલ-નગાડા સાથે શ્રીજીને આવકાર આપી રહ્યા હોવાની ઝલક પણ દેખાઇ હતી. એવામાં હવે શનિવારે ગણેશચતુર્થી નિમિત્તે ઘરમાં જ વિધિગત સ્થાપના સાથે વિઘ્નહર્તા દેવની આરાધના કરવામાં આવશે.

મંડપ ડેકોરેશનનું માર્કેટ ઠંડું,  ૧૪૦ કરોડનો વેપાર ખોરવાશે  

ચાલુ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી ન થવાને કારણે વેપાર-રોજગાર પર પણ માઠી અસર થશે. શોભાયાત્રા, પૂજા-સામગ્રી, વિસર્જનયાત્રા, પ્રતિમાઓના મૂલ્ય, ઢોલનગારા સહિતની ઉત્સવ સાથે જોડાયેલી સામગ્રી, પ્રસાદી સહિતના તમામ ખર્ચને ધ્યાનમાં લેતા અંદાજિત ૧૪૦ કરોડ રૂપિયાનો વેપાર ખોરવાશે. ચાલુ વર્ષે અનેક ગણેશમંડળો અને વ્યક્તિગત રીતે પણ માત્ર ત્રણ અને પાંચ દિવસના શ્રીજીની જ સ્થાપનાના મત અપાઇ રહ્યો છે.

આજે જૈન સંવત્સરી, મિચ્છામી દુક્કડ્મ, જાહેર કાર્યક્રમો વિના ઘર બેઠા થશે ઉજવણી

જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી કોરોના મહામારીને કારણે અસરગ્રસ્ત થઇ છે. છેલ્લા પાંચ મહિનામાં કોરોના અને લોકડાઉન વચ્ચે ચૈત્રી ઓળી સહિતના જૈનોના ર્ધાિમક પર્વોની સંયમિત ઉજવણી કરાઇ છે. જેમાં હવે પર્યુષણ મહાપર્વના સૌથી મોટા દિવસ એવા સંવત્સરીની પણ શનિવારે સંયમ અને સાદગી સાથે જ ઉજવણી થશે.

જૈન ગુરુભગવંતો અને અગ્રણીઓએ કરેલી તાકીદને આધીન દેરાસર, ઉપાશ્રયોમાં જાહેર ઉજવણી પર રોક મૂકાશે. જ્યારે જૈન શ્રાવકો ઘર બેઠા જ પરિવારજનોને અને મોબાઇલના માધ્યમથી સંબંધી, મિત્રોને મિચ્છા મી દુક્કડ્મ કરી વિતેલા વર્ષની ભૂલચૂક માફ કરવાની અરજ કરશે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે ચાતુર્માસની ઉજવણી મુદ્દે વિવિધ માર્ગદર્શિકા જૈન ગુરુભગવંતો અને અગ્રણીઓ દ્ધારા જાહેર કરવામાં આવી છે.

ચાતુર્માસ ટાણે હાલમાં સંઘોમાં હજારો સાધુ-સાધ્વી ભગવંતો સ્થિર છે. એવામાં ચાતુર્માસમાં પણ સૌથી મહત્ત્વના પર્વ ગણાતા પર્યુષણ અને પર્યુષણમાં પણ સૌથી મહત્વના દિવસ ગણાતા સંવત્સરીની શનિવારે ઉજવણી થશે.