પાકિસ્તાનનું ‘કબૂલ-કબૂલ-કબૂલ’ : 27 વર્ષ પછી આતંકવાદીઓના લિસ્ટમાં દાઉદનું નામ મૂક્યું

પાકિસ્તાનનું ‘કબૂલ-કબૂલ-કબૂલ’ : 27 વર્ષ પછી આતંકવાદીઓના લિસ્ટમાં દાઉદનું નામ મૂક્યું

  • પાકિસ્તાન ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF)ના ગ્રે લિસ્ટમાં સામેલ છે
  • દાઉદ પાસે કરાચીમાં 3 ઘર હોવાની વાત પણ પાકિસ્તાને કબૂલી
  • આ ટાસ્ક ફોર્સ વિશ્વભરમાં મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઈનાન્સિંગ નેટવર્ક પર નજર રાખે છે
  • જો પાકિસ્તાન આ ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં રહેશે તો તેને વિશ્વભરમાંથી આર્થિક મદદ મળવામાં મુશ્કેલી થશે

આતંકવાદી ફંડિંગ પર નજર રાખતી સંસ્થાના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાને 27 વર્ષ પછી પ્રથમવાર કબૂલ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છે. તેણે શનિવારે જે આતંકવાદી સંગઠનો અને આતંકવાદી સાથે જોડાયેલા 88 લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં દાઉદનું નામ પણ છે. પાકિસ્તાને આ લિસ્ટમાં દાઉદના ઘરના 3 પાનાનો ઉલ્લેખ કર્યો. જણાવવામાં આવ્યું છે કે તેની પાસે 14 પાસપોર્ટ છે.

આતંકીઓ પર કડક પ્રતિબંધો લાદ્યા
પાકિસ્તાને આ કાર્યવાહી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ઓક્ટોબરમાં યોજાનાર મીટિંગને ધ્યાનમાં રાખીને કરી છે. તેનો હેતુ બ્લેક લિસ્ટ થતાં બચવાનો છે. પાકિસ્તાન હાલ ગ્રે લિસ્ટમાં છે. જે આતંકવાદીઓ ઉપર પ્રતિબંધ લગાવાયો છે, તે ખાસ કરીને આઈએસ, અલ કાયદા અને તાલિબાનના નાના સંગઠનો સાથે જોડાયેલા છે. તેમાં મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ, મસૂદ અઝહર સહિત 88 પ્રતિબંધિત આતંકી સંગઠનો અને તેમના વડાઓ પર કડક નાણાંકીય પ્રતિબંધ લાદ્યા છે.

બેન્ક એકાઉન્ટ સહિત પ્રોપર્ટી સીઝ કરી
આ પ્રથમ વખત નથી કે FATFની બેઠક અગાઉ પાકિસ્તાને દુનિયાને દેખાડવા માટે આતંકવાદીઓ તથા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી હોય. ગયા વર્ષ મે મહિનામાં પણ તેણે 8 આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી હતી. આ વખતે 88 આતંકવાદી પર પ્રતિબંધ મુક્યો છે. આ આતંકવાદીના બેન્ક અકાઉન્ટ તથા પ્રોપર્ટીને સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના પર મુસાફરી કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેટલાક દિવસ અગાઉ UNએ પણ આતંકવાદીઓની એક યાદી જાહેર કરી હતી. તેમા અનેક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થતો હતો.

આર્મીના મુખ્ય મથકથી 8 કિમી દૂર દાઉદનું ઘર

કરાચીમાં સૈન્ય સુરક્ષા વચ્ચે દાઉદ અહીં રહે છે.

દાઉદ મુંબઈમાં 1993માં થયેલા 13 વિસ્ફોટનો મુખ્ય આરોપી છે. તે મોસ્ટ વોન્ટેડ છે. આ વિસ્ફોટમાં 350 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનમાં દાઉદના ડઝન એક ઘર છે. તેમાંથી 3 એડ્રેસ જ જણાવાયા છે. પાક. સૈનિકો માટે બનેલી ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં તેનું ઘર છે. આ ઘર આર્મીના મુખ્ય મથકથી 8 કિલોમીટર જ દૂર છે. બીજુ ઘર વ્હાઈટ હાઉસ, સાઉદી મસ્જિદ પાસે, કરાચી,ત્રીજુ ઘર પલટિયાલ બંગલો, નૂરબાદ હિલ એરિયા, કરાચીમાં છે.

અન્ય કયા ત્રાસવાદી યાદીમાં છે?
પાકિસ્તાને જે આતંકવાદી સંગઠનો અને તેમના વડાઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમાં મોટાભાગના જાણીતા આતંકી ચહેરા છે. મુલ્લા ફઝલ્લુલા (મુલ્લા રેડિયો), ઝકિઉર રહેમાન લખવી, મસૂદ અઝહર, હાફિઝ સઈદ, તાલિબાન નેતા જલાલુદ્દીન હક્કાની, ઉઝબેક લિબરેશન મુવમેન્ટના ફઝલ રહીમ શાહ, અબ્દુલ મુરાદ, નુરવલી મહમંદ વગેરેનો સમાવેશ થાય છે.

દાઉદના અલગ અલગ 14 નામ છે
દાઉદ બચવા માટે 14 નામનો ઉપયોગ કરી ચૂક્યો છે. તેમાં બડા સેઠ, મુચ્છડ અને હાજી સાહેબ જેવા નવ ઉપનામ પણ છે.

દાઉદે મુંબઈમાંથી 6 પાસપોર્ટ
દાઉદ ભારત, પાકિસ્તાન, દુબઈ અને જેદ્દાહમાંથી કુલ 14 પાસપોર્ટ લઈ ચૂક્યો છે. તેમાંથી 6 પાસપોર્ટ તો માત્ર મુંબઈમાંથી જ બનાવડાવ્યા હતા.

પાકિસ્તાનના દસ્તાવેજમાં દાઉદના આ 14 પાસપોર્ટનો ઉલ્લેખ

  • 30 જુલાઈ 1975 ના રોજ મુંબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ K560098
  • 13 નવેમ્બર 1978ના રોજ મુંબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ M110522
  • 30 જુલાઈ 1979ના રોજ મુંબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ P537849
  • 26 નવેમ્બર 1981ના રોજ મુંબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ R841697
  • 3 ઓક્ટોબર 1983ના રોજ મુંબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ V57865
  • 4 જૂન 1985ના રોજ મુંબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ A-333602
  • 26 જુલાઈ 1985ના રોજ મુંબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ A501801
  • 18 ઓગસ્ટ 1985ના રોજ દુબઈથી ઇસ્યુ કરેલો પાસપોર્ટ A717288
  • 2 સપ્ટેમ્બર 1989ના રોજ જેદ્દાહમાં ભારતીય દુતાવાસમાંથી ઈસ્યુ થયેલો પાસપોર્ટ F823692
  • 12 ઓગસ્ટ 1991ના રોજ રાવલપિંડીથી ઈસ્યુ થયેલો પાકિસ્તાનનો પાસપોર્ટ G866537
  • જુલાઈ 1996ના કરાચીથી ઈસ્યુ થયેલો પાકિસ્તાનનો પાસપોર્ટ C-267185
  • જુલાઈ 2001 રાવલપિંડીથી ઈસ્યુ થયેલો પાકિસ્તાનનો પાસપોર્ટ H-123259
  • રાવલપિંડીથી ઈસ્યુ થયેલો પાકિસ્તાનનો પાસપોર્ટ G-869537
  • વધુ એક પાસપોર્ટ KC-285901

પાકિસ્તાનના દસ્તાવેજમાં દાઉદના ત્રણ એડ્રેસનો ઉલ્લેખ

  • વ્હાઈટ હાઉસ, સાઉદી મસ્જિદ પાસે, કરાચી
  • હાઉસ નંબર 37, 30th સ્ટ્રીટ- ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી
  • પલટિયાલ બંગલો, નૂરબાદ હિલ એરિયા, કરાચી

આ પ્રથમ વખત નથી કે FATFની બેઠક અગાઉ પાકિસ્તાને દુનિયાને દેખાડવા માટે આતંકવાદીઓ તથા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી હોય. ગયા વર્ષ મે મહિનામાં પણ તેણે 8 આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરી હતી. આ વખતે 88 આતંકવાદી પર પ્રતિબંધ મુક્યો છે. આ આતંકવાદીના બેન્ક અકાઉન્ટ તથા પ્રોપર્ટીને સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના પર મુસાફરી કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેટલાક દિવસ અગાઉ UNએ પણ આતંકવાદીઓની એક યાદી જાહેર કરી હતી. તેમા અનેક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થતો હતો.

વિદેશ મંત્રાલયે શું કહ્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે અમે UNના ચાર્ટર પ્રમાણે પગલાં ભરી રહ્યા છીએ. અમને આશા છે કે અન્ય દેશો પણ પાકિસ્તાનના આ પગલાંનું સમર્થન કરશે. આ આતંકવાદીઓ પર પ્રતિબંધ મુકતા પહેલા પ્રધાનમંત્રી ઈમરાનખાને શુક્રવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. તેમા દેશની આર્થિક સ્થિતિ તથા FATFની બેઠક અંગે ચર્ચા કરી હતી.

બે વર્ષથી ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સાઉદી અરેબિયાએ અગાઉ તેને ધિરાણ (લોન) તથા ઓઈલ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં સાઉદીની સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધુ છે કે તેને આ વર્ષના અંત ભાગ સુધીમાં 6.2 અબજ ડોલરની લોનની ચુકવણી કરવી પડશે. પાકિસ્તાન જૂન,2018થી ગ્રે લિસ્ટમાં છે. FATFએ પાકિસ્તાનને 27 મુદ્દાની માંગણી ધરાવતો એક પત્ર લખ્યો હતો. સપ્ટેમ્બર સુધી આ તમામ શરતોનું સંપૂર્ણ પાલન કરવાનું છે. આ અંગેની સમીક્ષા બેઠક ઓક્ટોબર મહિનામાં યોજાશે.

( Source – Divyabhaskar )