અ’વાદમાં 22 માળ માટે લોકલ એરિયા પ્લાન તૈયાર

અ’વાદમાં 22 માળ માટે લોકલ એરિયા પ્લાન તૈયાર

રાજ્ય સરકાર, ડા અને AMC અમદાવાદ શહેરમાં વર્ટિકલ વિકાસના નામે નાટક કરી રહ્યાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ શહેરમાં ૭૦ માળની ઇમારતોની મંજૂરી આપતું નોટિફિકેશન કરી દીધું હતુ પણ આશ્ચર્યજનક વાત એ છે કે, ૨૦૧૪માં અમદાવાદ શહેરનો ડેવલપમેન્ટ પ્લાન-૨૦૨૧ બનાવવામાં આવ્યો હતો તે વેળાએ આશ્રમ રોડ ઉપર સેન્ટ્રલ બિઝનેસ કોરિડોર (સીબીડી) ઝોન જાહેર કરીને ૫.૪ની FSI અપાઇ હતી જ્યારે મેટ્રો-બીઆરટીએસના રૂટને સમાંતર ૨૦૦ મીટરના બફરમાં ૪ની FSI અપાઇ હતી તે વેળાએ તેની અમલવારી માટે લોકલ એરિયા પ્લાન (ન્છઁ) બનાવવાનું જાહેર કરાયું હતુ.

બકાયદા, પાંચ વર્ષ સુધી લોકલ એરિયા પ્લાન બનાવવાનું નાટક કરાયું હતુ કેમ કે, જો આશ્રમ રોડ CBD વિસ્તાર અને TOZ વિસ્તારમાં ૨૨ માળની ઇમારતો ઉભી કરવા માટે લોકલ એરિયા પ્લાનના ડ્રાફ્ટ તૈયાર કરવા પડયાં હોય તો શું ૭૦ માળની ઇમારતો માટે લોકલ એરિયા પ્લાનની જરૂરિયાત નથી તે સૌથી મોટો સવાલ છે.

રાજ્ય સરકારે ડિસેમ્બર ૨૦૧૪માં અમદાવાદ શહેરના ભાવિ દાયકાના વિકાસ માટે અમદાવાદના ડેવલપમેન્ટ પ્લાન-૨૦૨૧ને મંજુરી આપી હતી તે વેળાએ અમદાવાદ સિટીને કોમ્પેક્ટ સિટી તરીકે વિકાસ કરવાનું મોડેલ મૂકાયું હતુ જેમાં શહેરમાં બહુમાળી ઇમારતો બને તેને પ્રોત્સાહન અપાયું હતુ જેમાં અમદાવાદ શહેરના આશ્રમ રોડને બિઝનેસ હબ તરીકે વિકાસ કરવાનો કોન્સેપ્ટ હતો.

ઉસ્માનપુરાથી એલિસબ્રિજ સુધીના આશ્રમ રોડની બંને તરફ સેન્ટ્રલ બિઝનેસ કોરિડોર (સીબીડી) જાહેર કરાયો હતો જેમાં ૧૮૪.૯૪ હેક્ટર જમીન આવરી લેવાઇ હતી. અહીં કોઇ હયાત બિલ્ડીંગ રિ-ડેવલપમેન્ટમાં આવે તો તેને ૫.૪ની FSI આપવામાં આવી હતી પણ સાડા પાંચ વર્ષમાં ગણીને પાંચથી સાત પ્રોજેક્ટ મંજુર કરાયા છે.

આશ્રમ રોડ ઉપર ૫૦ નવા રોડ સૂચવાયા હતા

ડા દ્વારા આશ્રમ રોડના સીડીબી વિસ્તારમાં ૨૨ માળની બહુમાળી ઇમારતો બને તે માટે લોકલ એરિયા પ્લાન ઉપર ભાર મૂક્યો હતો. ફાઇનલ ટીપી સ્કીમોમાં જમીમાલિકોને અપાયેલા ફાઇનલ પ્લોટમાં ફરી કપાત લેવાનું નક્કી કરાયું હતુ જેમાં લોકલ એરિયા પ્લાન તૈયાર કરાયા હતા જેની તમામ પ્રક્રિયા નવેસરથી ટીપી સ્કીમ બનાવવા જેટલી જટિલ હતી. લોકલ એરિયા પ્લાનમાં ટ્રાફિકને નિવારવા માટે પેડેસ્ટ્રીયન સ્પેસનું આયોજન હતુ.

સીબીડીના વિસ્તારને ૫૮ બ્લોકમાં વહેંચાયા હતા. જ્યાં ૬ મીટરથી ૩૬ મીટરની પહોળાઇના નવા ૫૦ રોડ સૂચવાયા હતા. એવી કલ્પના હતી કે, અહીં લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને નાગરિકો આવશે. બહુમાળી ઇમારતો બંધાશે જેથી અહીં લોકલ એરિયા પ્લાનમાં દરેક ફાઇનલ પ્લોટની અલગ-અલગ એન્ટ્રી નહીં હોય પણ દરેક બ્લોક પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ ડિઝાઇન કરાયા હતા.

આવી રીતે ટીઓઝેડનું પણ લોકર એરિયા પ્લાનના ડ્રાફ્ટ તૈયાર કરીને મંજુરી માટે મોકલી દેવાયા હતા જેમાં શહેરમાં ૫૦૦થી વધુ સોસાયટીઓના આંતરિક રોડને જાહેર રોડમાં ફેરવી દેવાયા હતા જ્યારે ફ્રન્ટ સાઇટ માર્જિન વધારી દેવાયું હતુ જેમાં પબ્લિક ડોમેઇનના રિઝર્વેશન મૂકાયા હતા. ફાઇનલ પ્લોટમાં ફરી કપાત લેવાનો ઘાટ હતો.

૭૦ માળની ઇમારતો માટે ગટર, સ્ટ્રોમ વોટર સહિત ઇન્ફ્રાસ્ટ્રકચરના કરોડો રૂપિયા ક્યાંથી આવશે ?

સરકારે અમદાવાદના ડેવલપમેન્ટ પ્લાનમાં જો ૨૨ માળની ઇમારતો માટે લોકલ એરિયા પ્લાન તૈયાર કરાયા હોય તો પછી શહેરમાં ૩૦ મીટરથી વધુ પહોળાઇના રોડ ઉપર ૭૦ માળ ઉભા કરવા માટે શું લોકલ એરિયા પ્લાન બનાવવાની જરૂરિયાત નથી. ૭૦ માળની ઇમારતો બનાવવાની જાહેરાત કરી દેવાઇ પણ તેના માટે પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઇન કે નવા રોડ જેવા ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરવા માટે પૈસા ક્યાંથી આવશે તેની કોઇ જોગવાઇ દેખાતી નથી.