રાહત : એક્સપાયર થતા ડ્રાઈવિંગ લાઇસન્સ, આરસી બુક, પરમિટ 31 ડિસેમ્બર સુધી માન્ય ગણાશે

રાહત : એક્સપાયર થતા ડ્રાઈવિંગ લાઇસન્સ, આરસી બુક, પરમિટ 31 ડિસેમ્બર સુધી માન્ય ગણાશે

કોરોના મહામારીને કારણે સરકારે ત્રીજી વખત દસ્તાવેજોની મુદ્દત વધારી

કોરોના મહામારીને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફિટનેસ સર્ટિફિકેટ, આરસી બુક, પરમિટ, લર્નિંગ અને પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા મહત્ત્વના દસ્તાવેજોને રિન્યૂ કરવાની છૂટ 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવી દીધી છે. એવામાં જેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ જેવા ડોક્યુમેન્ટ એક્સપાયર થયા છે, તેઓને દસ્તાવેજો રિન્યૂ કરાવવા માટે 31 ડિસે, 2020 સુધીનો સમય મળી ગયો છે. આ પહેલા આ સમય મર્યાદા સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફરી એકવાર સામાન્ય માણસને રાહત આપી છે. સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર (આરસી), પરમિટની પ્રમાણપત્રની માન્યતા વધારી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સોમવારે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા અને આરસીની લિમિટ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે. કોરોના વાઇરસ સંક્રમણ અને હવે સામાજિક અંતરને લીધે પ્રથમ લોકડાઉન થવાને કારણે સરકારી કચેરીઓ સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી રહી નથી. આ કારણોસર, સરકારે વાહન માટે જરૂરી દસ્તાવેજોની માન્યતા, ત્રીજી વખત વધારી દીધી છે. સરકારે આ આવશ્યક દસ્તાવેજોની માન્યતા પ્રથમ 30 માર્ચે અને તે પછી 9 જૂને લંબાવી હતી. આ માન્યતા 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે, મોટર વાહન અધિનિયમ 1988 અને સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989 હેઠળ આ દસ્તાવેજોની માન્યતા તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોવિડ-19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દેશના સામાન્ય લોકોને પરિવહન સંબંધિત સેવાઓ પ્રાપ્ત કરવામાં રાહત મળશે. ફેબ્રુઆરીથી 31 ડિસેમ્બર 2020 સુધીમાં સમાપ્ત થતા આ દસ્તાવેજોને માન્ય ગણવા અને સમાપ્તિ સંબંધિત કોઈ પગલાં ન લેવા પણ જણાવ્યું છે.

( Source – Divyabhaskar )