ભારત વિદેશથી વર્ષે 12,000 કરોડનાં સેકન્ડ હેન્ડ મેડિકલ ઉપકરણ મંગાવે છે, સ્વદેશીનો ઉપયોગ વધે તો સારવાર 50% સસ્તી થઇ જાય

ભારત વિદેશથી વર્ષે 12,000 કરોડનાં સેકન્ડ હેન્ડ મેડિકલ ઉપકરણ મંગાવે છે, સ્વદેશીનો ઉપયોગ વધે તો સારવાર 50% સસ્તી થઇ જાય

  • મેડિકલ ક્ષેત્રે સ્વદેશી વિરુદ્ધ વિદેશી, શું સ્થિતિ છે તે જાણો
  • મેડિકલ ઉપકરણના 80 % માર્કેટ પર વિદેશી કબજો

દેશમાં દર વર્ષે 42 હજાર કરોડ રૂ.ના મેડિકલ ઉપકરણોની આપણે આયાત કરીએ છીએ, જેમાં સર્જિકલ ઉપકરણ, ઇમ્પ્લાન્ટ તથા અન્ય ડિવાઇસ સામેલ છે. દેશના 80 ટકા માર્કેટ પર વિદેશી કંપનીઓનો કબજો છે. એસોસિયેશન આૅફ ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીના કન્વિનર રાજીવ નાથ કહે છે કે કોર્પોરેટ સેક્ટરની હોસ્પિટલ્સ સ્વદેશી ઉપકરણો પસંદ નથી કરતી જ્યારે સરકારી હોસ્પિટલોમાં સસ્તી પ્રોડક્ટ્સ ખરીદવામાં આવે છે. અમે જે ઉપકરણોની આયાત કરીએ છીએ તેમાંથી 12 હજાર કરોડનાં ઉપકરણો તો સેકન્ડ હેન્ડ હોય છે. સરકારે આ દિશામાં નીતિ ઘડવી જોઇએ. એઇમ્સના પૂર્વ ની એન્ડ હીપ્સ રિપ્લેસમેન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ. પ્રો. સી. એસ. યાદવ કહે છે કે મોટા ભાગનાં ઇમ્પ્લાન્ટ કે મેડિકલ ઉપકરણો ભારતમાં બનવા માંડે તો દર્દીઓની સારવારના ખર્ચમાં 30થી 50%નો ઘટાડો થઇ શકે છે.

વિદેશી ઉપકરણોની એમઆરપી મૂળ કિંમતથી 3-4 ગણી હોય છે
1. સારી ક્વોલિટીનાં ભારતીય ઉપકરણો પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સપ્લાય થઇ શકતાં નથી, કેમ કે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટની એમઆરપી મૂળ કિંમતથી 3-4 ગણી હોય છે. કંપની અને હોસ્પિટલ બંને કમાય છે.
2. સરકારી હોસ્પિટલોમાં જ્યારે પણ ઇમ્પ્લાન્ટ કે કોઇ ઉપકરણ માટે ટેન્ડર બહાર પડે ત્યારે સૌથી ઓછા ભાવ મૂકનારી કંપનીને જ પ્રાથમિકતા અપાય છે, જેથી ચીની કે અન્ય વિદેશી કંપનીઓ બાજી મારી જાય છે.
3. વિદેશોમાંથી સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સ પણ ભારત આવે છે. ખાસ કરીને વેન્ટિલેટર, અલ્ટ્રાસાઉન્ડ તથા સીટી સ્કેન મશીન. આ સ્થિતિમાં ભારતીય કંપની આ ભાવને કેવી રીતે ચેલેન્જ કરી શકે?
4. વિદેશથી ભારત આવતાં મેડિકલ ઉપકરણો પર શૂન્યથી 7.5 ટકા સુધી જ કસ્ટમ ડ્યૂટી લાગે છે એટલા માટે તે અનેક વખતે સસ્તાં પણ મળી જાય છે.
5. અનેક ખરીદારો અમેરિકાના એફડીએ એપ્રૂવ્ડ ઉત્પાદનો મગાવે છે, ખાસ કરીને કોર્પોરેટ સેક્ટર. તેના લીધે ભારતીય પ્રોડક્ટ બહાર થઈ જાય છે.

વિદેશી તથા ભારતીય પ્રોડક્ટ્સની કિંમતમાં અંતર
કિંમતમાં અંતર જણાવે છે સુનીલ મોંગા. સુનીલ ડિજિટલ એક્સ-રે અને સી-આર્મ મશીન બનાવતી સ્વદેશી કંપની પ્રોગનોસિસ મેડિકલ સિસ્ટમના પ્રમુખ છે.

ઉપકરણભારતીય ઉત્પાદનવિદેશી ઉત્પાદન
રેડિયન્ટ હીટ વૉર્મર45 હજાર-1 લાખ2 લાખ – 6 લાખ
ફોટોથેરપી મશીન20-30 હજાર85 હજાર-1.25 લાખ
કૃત્રિમ ઘૂંટણ40-50 હજાર1.25 લાખ
એક્સ-રે-મશીન50 હજાર -3 લાખ15 લાખ – 1.5 કરોડ
ઈસીજી મશીન25-75 હજાર45 હજાર-5 લાખ
કુલ43,1293,78,46,100
(તમામ કિંમતો રૂ.માં)

પણ દેશમાં રિસર્ચ, મેનપાવર પાછળ ખર્ચ વધારવો પડશે
પૂર્વ સ્વાસ્થ્ય મહાનિર્દેશક(ભારત સરકાર) ડૉ. જગદીશ પ્રસાદ કહે છે કે જો ઉપકરણ સ્વદેશી હોય તો કિંમત 50-70 ટકા ઓછી થઈ જશે. જોકે સરકારે રિસર્ચ ડેવલપમેન્ટ, મેનપાવર પાછળ ખર્ચ વધારવો પડશે. જ્યારે એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીના સંયોજક રાજીવ નાથ કહે છે કે સરકાર દેશી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તકલીફો દૂર કરીને નીતિ ઘડે તો ભારત આ મામલે વિશ્વની ફેક્ટરી બની જશે. આપણે સસ્તાં ડિવાઈસ તૈયાર કરી શકીએ છીએ.