૯૬.૨ ટકા સાક્ષરતા સાથે કેરળ ટોચ પર, ગુજરાત ૮૨.૪ ટકા સાથે નવમા સ્થાને

૯૬.૨ ટકા સાક્ષરતા સાથે કેરળ ટોચ પર, ગુજરાત ૮૨.૪ ટકા સાથે નવમા સ્થાને

નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસ દ્વારા જારી થયેલા શિક્ષણ સંબંધી અહેવાલ મુજબ ૯૬.૨ ટકાના સાક્ષરતા દર સાથે કેરળ ફરી ટોચનાં સ્થાને રહ્યું છે. ૮૯ ટકા સાક્ષરતા દર સાથે દિલ્હી બીજા સ્થાને રહ્યું છે. દક્ષિણ ભારતનું આંધ્રપ્રદેશ સાક્ષરતા દરને મોરચે દેશના બાકી તમામ રાજ્યો કરતાં પાછળ છે.

અહેવાલ મુજબ આંધ્રપ્રદેશ ૬૬.૪ ટકા સાક્ષરતા દર ધરાવે છે. આંધ્રપ્રદેશનો સાક્ષરતા દર બિહાર (૭૦.૯ ટકા) કરતાં પણ ઓછો છે. તેલંગણાનો સાક્ષરતા દર પણ ૭૨.૮ ટકા રહ્યો છે કે જે ૭૭.૭ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો છે. કર્ણાટક પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો એવો ૭૦.૨ ટકા સાક્ષરતા દર જ ધરાવે છે. અહેવાલ કહે છે કે શિક્ષણના મુદ્દાને વિકસિત રાજ્યની ધારણા સાથે કદાચ કોઇ સંબંધ નથી. બિહાર ૭૦.૯ ટકા, તેલંગણા ૭૨.૮ , કર્ણાટક ૭૭.૨ ટકા , આસામ જેવું અવિકસિત રાજ્ય ૮૫.૯ ટકા તો ઉત્તરાખંડ તો ૮૭.૬ ટકા સાક્ષરતા દર ધરાવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ના ડેટા આધારે સાત વર્ષથી ઉપરના લોકોને ધ્યાને રાખીને આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત ૮૨.૪ ટકા સાક્ષરતા દર સાથે યાદીમાં નવમા ક્રમે છે.

કેરળમાં મહિલાઓ સાક્ષરતા મામલે પુરુષ સમોવડી

હંમેશાંની જેમ સાક્ષરતાને મોરચે કેરળ તમામ રાજ્યોને પાછળ રાખીને પ્રથમ ક્રમે રહ્યું છે. કેરળનો સાક્ષરતા દર ૯૬.૨ ટકા નોંધાયો છે. તે ઉપરાંત રાજ્યમાં મહિલા અને પુરુષ વચ્ચે સાક્ષરતાનું અંતર પણ દેશમાં સૌથી ઓછું તેવું ૨.૨ ટકા છે. સમગ્ર દેશની ટકાવારી જોવામાં આવે તો આ અંતર ૧૪.૪ ટકા છે. દેશમાં પુરુષ સાક્ષરતા દર ૮૪.૭ તો મહિલા સાક્ષરતા દર ૭૦.૩ ટકા છે. અન્ય રાજ્યો સાથે કેરળના મહિલા-પુરુષ સાક્ષરતા દર વચ્ચેના અંતર (૨.૨ ટકા) ની તુલના કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં આ અંતર ૧૩.૯ ટકા, રાજસ્થાનમાં ૨૩.૨ ટકા, બિહારમાં ૧૯.૨ ટકા તો ઉત્તરપ્રદેશમાં ૧૮.૪ ટકા અંતર છે. શહેરી અને ગ્રામીણ સાક્ષરતાને મુદ્દે તુલના કરવામાં આવે તો પણ કેરળ મોખરે જ રહે છે. કેરળમાં શહેરી અને ગ્રામીણ સાક્ષરતા વચ્ચે પણ માત્ર ૧.૯ ટકાનું જ અંતર છે.

ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર ૮૯.૪, મહિલા સાક્ષરતા દર ૭૪.૮ ટકા

યાદીમાં ૮૨.૪ ટકા સાક્ષરતા સાથે ગુજરાત નવમા ક્રમે છે. ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર ૮૯.૪ તો મહિલા સાક્ષરતા દર ૭૪.૮ ટકા નોંધાયો છે. મહિલા અને પુરુષ સાક્ષરતા દર વચ્ચે ૧૪.૭ ટકાનું અંતર છે. યાદીમાં કેરળ (૯૬.૨ ટકા), દિલ્હી (૮૮.૭ ટકા), ઉત્તરાખંડ (૮૭.૬ ટકા), હિમાચલ (૮૬.૬ ટકા), આસામ (૮૫.૯ ટકા), મહારાષ્ટ્ર (૮૪.૮ ટકા), પંજાબ (૮૩.૭ ટકા) અને તામિલનાડુ (૮૨.૯ ટકા) ગુજરાત કરતાં આગળ છે.