કેલિફોર્નિયા વાઇલ્ડ ફાયરમાં 20 લાખ એકર જમીન સળગીને ખાખ

કેલિફોર્નિયા વાઇલ્ડ ફાયરમાં 20 લાખ એકર જમીન સળગીને ખાખ

કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ ભીષણ દાવાનળનું રૂપ લઈ રહી છે. વાઈલ્ડ ફાયરમાં ૨૦ લાખ એકર જમીન સળગીને ખાખ થઈ ગઈ છે. આ અગાઉ ૨૦૧૮માં ૧.૯૬ મિલિયન એકર જમીન વાઈલ્ડ ફાયરમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.

રાજ્યના દક્ષિણના વિસ્તારમાં આવેલા ૮ નેશનલ ફોરેસ્ટ બંધ કરવા ફરજ પડી છે. ત્રણ પૈકી બે મોટી આગમાં સાન ફ્રાન્સિસ્કોનો બે એરિયા આગમાં ભસ્મીભૂત થઈ રહ્યો છે. આ આગને કાબૂમાં લેવા ૧૪,૦૦૦થી વધુ ફાયર ફાઈટર્સ દિવસરાત કામે લગાડાયાં છે.

૧,૫૮,૦૦૦ ગ્રાહકોનો પાવર કાપી નાંખવા તૈયારી

લેબર ડે વીકએન્ડમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ૩ દિવસ હીટવેવ ફરી વળ્યું હતું પરિણામે તાપમાન ૩ આંકડા પર પહોંચ્યું હતું. રાજ્યમાં ઉત્તરની ૨૧ કાઉન્ટીમાં પેસિફિક ગેસ એન્ડ ઈલેક્ટ્રિક દ્વારા ૧,૫૮,૦૦૦ ગ્રાહકોનો પાવર કાપી નાંખવા તૈયારી કરાઈ રહી છે. વધુ વિસ્તારોમાં આગ ન લાગે તે માટે આવું પગલું લેવાશે. આગ એટલી ભયાનક છે કે તેને ઓલવવા માટે પૂરતાં સાધનો ખૂટી રહ્યાં છે. હવામાન પણ ખતરનાક બની રહ્યું છે.

૨૩૦૦ લોકોએ સલામત સ્થળે ખસી જવાની કામગીરી શરૂ કરી

એક જ દિવસમાં આગ નવા ૨૪ કિ.મી. વિસ્તારને તેની ઝપટમાં લે છે અને ૧૪૫.૦૪ ચોરસ કિ.મી. જમીનનો વિસ્તાર સળગીને ખાખ થઈ રહ્યો છે. જંગલની આસપાસ રહેતા ૨૩૦૦ લોકોએ સલામત સ્થળે ખસી જવાની કામગીરી શરૂ કરી હતી.