સોનિયા સારવાર માટે અમેરિકા જવા રવાના, રાહુલ પણ સાથે ગયાઃ સંસદના ચોમાસા સત્રમાં બંને હાજર રહેશે નહીં

સોનિયા સારવાર માટે અમેરિકા જવા રવાના, રાહુલ પણ સાથે ગયાઃ સંસદના ચોમાસા સત્રમાં બંને હાજર રહેશે નહીં

કોરોના મહામારી વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તેની અસર સત્ર પર પણ પડશે. કેટલાક સાંસદ તેમની ઉંમર અને સ્વાસ્થ્ય કારણથી આ સત્રમાં ભાગ લેશે નહીં. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી હાજર રહેશે નહીં. સોનિયા ગાંધી તેમના વાર્ષિક ચેકઅપ માટે અમેરિકા જવા રવાના થયાં છે. રાહુલ પણ તેમની સાથે રહેશે. સોનિયાએ અમેરિકા જતા અગાઉ સંસદીય વ્યૂહરચના જૂથ સાથે બેઠક કરી બંને ગૃહમાં સમન્વય માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. તેમણે કોંગ્રેસના નેતાઓને રાષ્ટ્રને અસર કરે તેવા મુદ્દા સંસદમાં ઉઠાવવા કહ્યું છે. પ્રિયંકા થોડા સમય પછી સોનિયા સાથે જોડાશે. આ પૈકી કેટલાક સાંસદ હજુ કોરોના બીમારીમાંથી સાજા થયા છે. આ સંજોગોમાં સંસદના સત્રમાં ભાગ લેવો તે સુરક્ષિત માની રહ્યા નથી.

ભાજપના એક સાંસદ કોરોના પોઝિટિવ, એક સાજા થયા
કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન સુરેશ અંગદી સત્રમાં ભાગ લઈ શકશે નહીં. તેમનો કોરોના રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈકને શનિવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી. કોરોનાને લીધે આશરે એક મહિનાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. આ સંજોગોમાં 67 વર્ષના નાઈક પણ સંસદના સત્રમાં ભાગ લે તેવી નહીંવત શક્યતા છે.

તૃણમુલના લોકસભામાં 3 અને રાજ્યસભામાં 4 સાંસદ
રાજ્યસભાના ચીફ વ્હિપ શુખેંદુ શેખર રોય સહિત તૃણમૂલના સાત સાંસદો સત્રમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. રોયે આપેલી માહિતી પ્રમાણે તેમણે સભાપતિ વૈન્કેયા નાયડૂને પત્ર લખીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું છે કે મારી ઉંમર અને અનલોકના સમયમાં હોમ સેક્રેટરીના આદેશમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરોમાં રહેવા સલાહ આપવામાં આવી છે.સંસદના સભ્ય છું ત્યારે હું કોઈ નિયમનો ભંગ કરવા માંગતો નથી. કોલકાતા નોર્થના સાંસદ સુદીપ બંદોપાધ્યાય (67), કાંતી સાંસદ શિશિર અધિકારી (78) અને મથુરાપુર સાંસદ ચૌધરી મોહન જટુઆ (82) સત્રમાં હાજર નહીં રહે.

મનમોહન સિંહ અને એકે એન્ટની સત્રમાં ભાગ લે તેવી શક્યતા
કોગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને એકે એન્ટની તેમની ઉંમર હોવા છતાં સત્રમાં ભાગ લઈ શકે છે. જોકે તેમના તરફથી કે પક્ષ તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી. ભાજપના એક રાજ્યસભા સાંસદ કે જે કેન્સરની સારવાર કરાવી રહ્યા છે તેમને પણ ડોક્ટર્સે ઘરમાં રહેવા માટે સલાહ આપી છે. જોકે, તેમનું નામ જાહેર કરવામાં આવ્યુ નથી.

પહેલા દિવસે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન માટે મતદાન થશે
સત્રના પ્રથમ દિવસે રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે ચૂંટણી યોજાશે. વપક્ષ તરફથી RJD નેતા મનોજ ઝા અને NDA તરફથી JDU નેતા હરિવંશ નારાયણ સિંહ વચ્ચે ટક્કર થશે. ભાજપ અગાઉથી જ વ્હિપ જારી કરી ચુક્યુ છે.

( Source – Divyabhaskar )