કોરોના ઈન્ડિયા : દર્દીઓનો આંકડો 60 લાખને પાર, તેમાથી 49.45 લાખથી વધારે લોકો સાજા થયા

કોરોના ઈન્ડિયા : દર્દીઓનો આંકડો 60 લાખને પાર, તેમાથી 49.45 લાખથી વધારે લોકો સાજા થયા

  • શનિવારે 88 હજાર સંક્રમિત નોંધાયા, 92 હજાર લોકો રિકવર થયા, 1123ના મોત
  • અત્યાર સુધી 94 હજારથી વધુ લોકોના મોત થયા, 9.56 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 60 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં 60 લાખ 5 હજાર 967 કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે 49 લાખ 45 હજાર 998 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 9 લાખ 64 હજાર 265 દર્દીની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 94 હજાર 582 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોનાના આંકડમાં હવે થોડોક ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા નવ દિવસમાં આઠ વખત એવું બન્યું છે,જ્યારે નવા સંક્રમિતોથી વધુ દર્દી સાજા થયા છે. આ દરમિયાન માત્ર ગુરુવારે નવા સંક્રમિતોની સંખ્યા સાજા થનારા કરતા વધુ રહી હતી. છેલ્લા પાંચમાંથી ત્રણ દિવસ ટેસ્ટિંગ 11 લાખથી વધુ થયા છે, પરંતુ સંક્રમિતોનો આંકડો 90 હજારથી ઓછો જ રહ્યો છે.

કોરોના અપડેટ્સ

  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની દુબઈ ઓફિસમાં એક સાથે ઘણા કર્મચારીઓ પોઝિટીવ મળી આવ્યા છે. આ તમામને ક્વોરન્ટિન કરી દેવાયા છે. આનાથી દુબઈમાં ICC એકેડમીમાં પ્રેક્ટિસ કરતી IPLની ટીમો પર અસર પડી શકે છે.
  • પશ્વિમ બંગાળમાં 1 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ટ્વિટમાં કહ્યું કે, જતરાસ,પ્લે, ઓએટી, સિનેમા, મ્યુઝિકલ અને ડાન્સ કાર્યક્રમ અને મેજિક શોને 1 ઓક્ટોબરથી 50 અથવા તેનાથી ઓછા લોકો સાથે ખોલવાની મંજૂરી હશે.
  • સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં હવે 110 કંપનીઓ PPE કીટ બનાવી રહી છે. દરરોજ પાંચ લાખથી વધુ PPE કીટ બનાવવામાં આવી રહી છે.
  • ઓરિસ્સાના બારગઢ જિલ્લામાં કોરોનાની નકલી વેક્સિન બનાવનાર વ્યક્તિને ઝડપી લેવાયો છે. આરોપી પ્રહ્લાદ બિસી(32)એ માત્ર 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
  • દુનિયામાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 9.90 લાખથી વધુ થઈ ગઈ છે.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી. તે હાલ ઉત્તરાખંડની યાત્રા પર છે.
  • દેશમાં અત્યાર સુધી 7 કરોડ 12 લાખથી વધુ લોકોની તપાસ થઈ ચુકી છે.જેમાં 8.33% લોકો સંક્રમિત થયા છે. દર 10 લાખની વસ્તીમાં 50 હજાર 803 લોકોની તપાસ ચાલી રહી છે. જેમાં 4200 લોકો પોઝિટીવ નોંધાયા છે.

સિરમ ઈન્સ્ટીટ્યૂટનો સરકારને સવાલ

  • સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કોરોના વેક્સીનને લઈ શનિવારે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે શુ કેન્દ્ર સરકાર પાસે કોવિડ-19 વેક્સીન ખરીદવા અને વિતરણ કરવા માટે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે છે?
  • પૂનાવાલાએ લખ્યુ- આ પ્રશ્ન એટલા માટે કારણ કે ભારતમાં સૌને માટે વેક્સીન ખરીદવા તથા તેનું વિતરણ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે આટલી રકમની જરૂર પડશે. પૂનાવાલાએ PMOને ટેગ કર્યું અને લખ્યું આ એક મોટો પડકાર છે, જેનો સામનો કરવો પડશે.

( Source – Divyabhaskar )