અમદાવાદીઓ માટે મોટા સમાચાર, આ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો-બજાર બંધ

અમદાવાદીઓ માટે મોટા સમાચાર, આ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો-બજાર બંધ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં અનલોકના તબક્કામાં રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ફરતાં કોર્પોરેશન દ્વારા ફરીથી રાત્રે દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે દુકાનો ખોલી શકાશે નહીં.રાત્રિના સમયે માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. એસજી હાઈવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ, બોપલ, આંબલી, YMCAથી કાકે દા ઢાબા સહિતનાં 27 વિસ્તોરમાં આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. યુવાઓની બેદરકારીને કારણે આ અમદાવાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ વિસ્તારોમાં રાત્રે દુકાનો નહીં ખોલી શકાયઃ

1. પ્રહલાદનગર રોડ
2. YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
3. બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
4. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
5. એસજી હાઈવે
6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ
7. સિંધુ ભવન રોડ
8. બોપલ-આંબલી રોડ
9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11. સાયન્સ સિટી રોડ
12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
13. આંબલી સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
14. સીજી રોડ
15. લો ગોર્ડન ( ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16. વસ્ત્રાપુર તળાવના ફરતે
17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
18. ડ્રાઈવ ઈન રોડ
19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22. IIM રોડ
23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
24. રોયલ અકબર ટાવર પાસે
25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

ઉલ્લેખનીય છે કે, રવિવારની રાત્રે કોર્પોરેશનની ટીમ દ્વારા સિંધુ ભવન રોડ પર આવેલ 7 કાફે અને રેસ્ટોરન્ટ ભારે ભીડને કારણે સીલ કરી દેવામાં આવ્યા હતા. અને અહીં લોકો માસ્ક વગર બિન્દાસ ફરતાં હતા. જેને કારણે અહીં એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અનલોક બાદ દુકાનો શરૂ કરવાની મંજૂરી આપતાં પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર લોકો બહાર રસ્તાઓ પર ઉભા રહેતાં હતા. જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સતત ભય રહેતો હતો. અને એ જ કારણે અમદાવાદના OSD રાજીવ ગુપ્તા દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

યુવાઓની બેદરકારીનો ભોગ તેઓનાં પરિવારજનો ન બને તે માટે લેવાયો નિર્ણય

આ ઉપરાંત રાજીવ ગુપ્તા દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના યુવાનો દ્વારા બેદરકારી રાખવામાં આવે છે. માસ્ક પહેરતાં નથી અને ટોળે વળીને બેઠાં હોય છે. જેને કારણે તેઓ સંક્રમિત થાય તો તેમનાં પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો રહે છે. અને આ જ કારણે યુવાનોના પરિવારજનો ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને બચાવવા માટે રાત્રે 27 વિસ્તારોમાં દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.