રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ૨૦ ઓક્ટોબર સુધી વધારાઈ

રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ૨૦ ઓક્ટોબર સુધી વધારાઈ

। મુંબઈ ।

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને કોઈ રાહત મળી નથી. મંગળવારે તેમની બંનેની જ્યુડિશિયલ કસ્ટડી ૨૦ ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે. મુંબઈમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કોર્ટ દ્વારા આ ચક્રવર્તી ભાઈ-બહેન સિવાય અન્ય ૧૮ આરોપીઓની કસ્ટડીની મુદત પણ વધારવામાં આવી છે. રિયા અને શૌવિકને મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

રિયા અને શૌવિકની જામીન અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આ મામલે ચુકાદાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. એનસીબીએ વધુ એક વખત તેમની જામીન અરજીનો વિરોેધ કરતા અદાલતને જણાવ્યું હતું કે, યુવાનોને એક મજબૂત મેસેજ મોકલવો જોઈએ કે જેથી તેઓ ડ્રગ્સનું સેવન ના કરે. એનસીબીએ આરોપ મૂક્યો હતો કે, શૌવિકે રિયાના કહેવાથી જ સુશાંત માટે ડ્રગ્સની ખરીદી કરી હતી અને ડ્રગ્સની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. જેના માટે રૂપિયા પણ આપવામાં આવ્યા.

આ પહેલાં પણ અદાલતે અગિયારમી સપ્ટેમ્બરે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. અદાલતે અરજી ફગાવી દેવાનાં કારણોમાં જણાવ્યું હતું કે, રિયાને જામીન પર છોડવાથી પુરાવાઓ સાથે છેડછાડ થઈ શકે છે. રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી બે વખત વધારવામાં આવી છે. આઠમી સપ્ટેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના પછી અદાલતે રિયાને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી હતી. એ પછી એની મુદત વધારીને છ ઓક્ટોબર કરવામાં આવી હતી.

રિયાની ફરિયાદ ફગાવવા સુશાંતની બહેનો કોર્ટમાં ગઈ

સુશાંતસિંહ રાજપૂતની બહેનો પ્રિયંકા સિંહ અને મીતુ સિંહે મંગળવારે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમણે મુંબઈ પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ફગાવી દેવાની કોર્ટને વિનંતી કરી હતી. રિયાની ફરિયાદના આધારે મુંબઈમાં બાન્દ્રા પોલીસ સ્ટેશને સાતમી સપ્ટેમ્બરે આ એફઆઈઆર નોંધી હતી. રિયાએ તેની ફરિયાદમાં બનાવટી મેડિકલ પ્રિસ્ક્રિપ્શનના આધારે સુશાંત માટે દવાઓ ખરીદવાનો આરોપ મૂક્યો હતો.