‘બાબા કા ઢાબા’: વૃદ્ધ દંપત્તિની રાતોરાત બદલાઈ કિસ્મત, હવે જાણીતી ફૂડ ડિલિવરી એપ સાથે જોડાયું

‘બાબા કા ઢાબા’: વૃદ્ધ દંપત્તિની રાતોરાત બદલાઈ કિસ્મત, હવે જાણીતી ફૂડ ડિલિવરી એપ સાથે જોડાયું

સોશિયલ મીડિયાની તાકાત કેવી હોય છે તે તાજેતરમાં લોકોને જોવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં દિલ્હીના માલવિયા નગરમાં આવેલ ‘બાબા કા ઢાબા’નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં વૃદ્ધ દંપત્તિની દર્દ ભરી કહાની લોકોની સામે આવી હતી. આ વીડિયો વાયરલ થયાની સાથે જ ટ્રેન્ડમાં આવી ગયો હતો અને લોકોએ વૃદ્ધ દંપત્તિની ભરપૂર મદદ કરી.

ઝોમેટો પર ‘બાબા કા ઢાબા’ થયું લિસ્ટ:

લોકોની મદદ બાદ વૃદ્ધ દંપત્તિની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ. વીડિયો વાયરલ થયા બાદ હવે ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે હવે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો(Zomato) પર ‘બાબા કા ઢાબા’ લિસ્ટ થયું છે. દિલ્હીવાળા હવે ઘરે બેસીને ‘બાબા કા ઢાબા’થી ખાવાનું મંગાવી શકે છે. કંપનીએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી. ટ્વીટમાં લખ્યું,‘બાબા કા ઢાબા હવે ઝોમેટો પર લિસ્ટેડ છે. અમારી ટીમ ત્યાંના વૃદ્ધ દંપત્તિ સાથે કામ કરી રહી છે. જેથી તેઓ ફૂડની ડિલિવરી કરી શકે.’

લોકડાઉનમાં બંધ થઈ કમાણી, ખાવાના પણ પૈસા નહોતા:

આપને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગૂ થતા ‘બાબા કા ઢાબા’ ચલાવનાર આ વૃદ્ધ દંપત્તિની કમાણી સંપૂર્ણ રીતે બંધ થઈ હતી. જેના કારણે તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેમની પાસે ખાવા માટે પણ રૂપિયા નહોતા. ત્યારે એક શખ્સે તેમનો આ વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. અને ગણતરીના સમયમાં જ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. વૃદ્ધ દંપત્તિની કહાની અંગે જાણી નેતાઓથી લઈ બોલિવૂડ સેલિબ્રિટી અને સામાન્ય જનતા સુધી લોકો તેમની મદદે આવ્યા. તેથી ‘બાબા કા ઢાબા’ની તસવીર જ બદલાઈ ગઈ.