સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: ઘરનો કબજો સોંપવામાં બિલ્ડરનો વિલંબ તો ગ્રાહક કોર્ટને વળતરના આદેશની સત્તા

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: ઘરનો કબજો સોંપવામાં બિલ્ડરનો વિલંબ તો ગ્રાહક કોર્ટને વળતરના આદેશની સત્તા

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો આદેશ કર્યો છે કે, જો બિલ્ડર ફ્લેટ ખરીદનારાઓને ફ્લેટનો કબજો સમયસર આપવામાં નિષ્ફળ રહે તો આ સંજોગમાં ગ્રાહક કોર્ટને સત્તા છે કે તે વળતર માટેનો આદેશ કરી શકે છે. બિલ્ડરને ફ્લેટની સોંપણી માટે નિર્ધારિત સમય કરતા વધારાની મુદત ભલે મળી હોય, પરંતુ વળતર તો ચૂકવવું પડે.

ગયા મહિને રાષ્ટ્રીય ગ્રાહક પંચે આદેશ કર્યો હતો કે, બિલ્ડર દ્વારા ફ્લેટનો કબજો સોંપવામાં વિલંબ થાય અને જો ફ્લેટ ખરીદનાર શરુઆતમાં વિલંબિત કબજાના મુદા પર રિફંડ માગે અને બિલ્ડરે તેને રિફંડ પેટે સંપૂર્ણ રકમ વ્યાજ સાથે ચુકવી નથી અને ફ્લેટ ખરીદનારાઓએ રિફંડ માગ્યું છે, તે મુદ્દા પર બિલ્ડર કરાર રદ કરી ન શકે અને ફ્લેટનો કબજો આપવાની વાતને ટાળી ન શકે.

રાષ્ટ્રીય ગ્રાહક પંચે આ આદેશ સાથે જ રાજ્ય ગ્રાહક પંચના આદેશને યથાવત રાખ્યો છે. રાષ્ટ્રીય ગ્રાહક પંચે એ પણ આદેશ કર્યો હતો મુંબઈ સ્થિત બિલ્ડરે અરજદાર મહિલાને મલાડ (વેસ્ટ)માં ફ્લેટનો કબજો સોંપે. અરજદાર મહિલાએ વીસ વર્ષ પહેલા બાંધકામ સમયે જ ફ્લેટનું બુકિંગ કરાવ્યું હતુ. આદેશમાં એ પણ નોંધ્યું છે કે, વર્ષ ૨૦૦૩માં અરજદાર મહિલાએ ફ્લેટની સંપુર્ણ રકમ પરત આપવાની માગ કરી હતી.

પરંતુ બિલ્ડરે (સ્કવેર વન એન્ટરપ્રાઈઝ) વાજબી સમયમાં વ્યાજ કે વ્યાજ વગર પૈસા પરત આપ્યા ન હતા.  ચાલુ ર્વર્ષે ઓગષ્ટ માસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો બિલ્ડર દ્વારા ફ્લેટનો કબજો સોંપવામાં વિલંબ થાય અને બિલ્ડર વિવિધ સુવિધાઓ સંદર્ભે તેના વચનો પુરા કરવામાં નિષ્ફળ રહે તો પણ આ સંજોગોમાં ફ્લેટ ખરીદનાર વ્યક્તિ વળતર મેળવવા માટે હકદાર છે.

આ ચુકાદા સાથે જ સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝયુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન ( NCDRC)ના આદેશને રદ કરી દીધો હતો. ૦૨.૦૭.૨૦૧૯ના રોજ NCDRCએ આદેશ આપ્યો હતો કે બિલ્ડર ફ્લેટ આપવામાં વિલંબ કરે કે યોગ્ય સુવિધાઓ પૂરી પાડે નહીં એ સંજોગોમાં ફ્લેટ ખરીદનારાઓ વળતર માગી શકે નહીં. આ આદેશ સાથે ૩૩૯ ફ્લેટ ખરીદનારાઓની અરજી ફગાવી દેવાઈ હતી.