Burger King એ સામેથી કીધું McDonald’sમાંથી ખાવાનું મંગાવો, કારણ દિલને સ્પર્શી જશે

Burger King એ સામેથી કીધું McDonald’sમાંથી ખાવાનું મંગાવો, કારણ દિલને સ્પર્શી જશે

પ્રાઈવેટ સેક્ટરમાં કોઈપણ કંપનીઓ હોય તેમની વચ્ચે ગળાકાપ પ્રતિસ્પર્ધા હોય છે અને કંપનીઓ વચ્ચે એકબીજાને પાડી દેવા માટે આરપારની ટક્કર ચાલતી હોય છે. પણ કોરોના કાળમાં બધું જ બદલાઈ રહ્યું છે. જ્યારે બર્ગર માટે વિશ્વવિખ્યાત કંપની બર્ગર કિંગ્સે (Burger King) જ્યારે લોકોને કહ્યું કે, મેકડોનાલ્ડ (McDonald’s)માંથી બર્ગર ખરીદવાની અપીલ કરી તો લોકોને વિશ્વાસ ન થયો. પણ તેની પાછળ જે સંદેશ હતો તેણે લોકોનાં દિલ જીતી લીધા હતા.

બર્ગર કિંગે યુકેએ 2 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. બર્ગર કિંગ અને મેકડોનાલ્ડ વચ્ચે ભલે ગળાકાપ સ્પર્ધા હોય પણ સોશિયલ મીડિયા પર બર્ગર કિંગ યુકે દ્વારા કરાયેલ આ પોસ્ટને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, અમે વિચાર્યું ન હતું કે એક દિવસ અમે તમને આમ કરવાનું કહીશું. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે તમને પિઝ્ઝા હટ, KFC, ડોમિનોઝ, મેકડોનાલ્ડ કે બીજી ફાસ્ટ ફૂડ ચેઈનથી ખાવાનું ઓર્ડર કરવા માટે કહીશું. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે તમને આમ કરવાનું કહીશું, પણ દુનિયાભરમાં અલગ-અલગ રેસ્ટોરન્ટમાં કામ કરનાર હજારો લોકોને મદદની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ચીનથી આવેલી કોરોના વાયરસ મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી છે. જીવન હવે પહેલાં જેવું રહ્યું નથી. તમામ કારોબાર પ્રભાવિત થયા છે. પણ ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર મોટી માર સહન કરી રહ્યો છે. જેને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આમ એક કંપની તરફથી બીજી કંપનીનું ખાવાનું જણાવાતાં આ મેસેજ લોકોને સ્પર્શી ગયો હતો અને બર્ગર કિંગની ઈજ્જતમાં વધારો થયો હતો.