માલિકો વધુ લાયકાત ધરાવતા અરજદારને નોકરીમાં રાખવા ઇનકાર કરી શકે : સુપ્રીમ

માલિકો વધુ લાયકાત ધરાવતા અરજદારને નોકરીમાં રાખવા ઇનકાર કરી શકે : સુપ્રીમ

। નવી દિલ્હી  ।

કર્મચારીઓને નોકરીમાં રાખનાર સંભવિત માલિકો નોકરી માટે હોદ્દાની નક્કી કરાયેલી લાયકાત ધરાવતા અરજદારને નોકરીમાં રાખી શકે છે પણ હોદ્દા માટે નક્કી કરાયેલી લાયકાત કરતા વધુ લાયકાત ધરાવતા અરજદારને નોકરીમાં રાખવા ઇનકાર કરી શકે છે તેમ એક મહત્ત્વનાં ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું. જસ્ટિસ અશોક ભૂષણનાં વડપણ હેઠળની બેન્ચે માલિકોનાં આ પ્રકારનાં નિર્ણયોમાં સમીક્ષા કરવા ન્યાયતંત્ર પાસે ઓછી સત્તા છે. કોઈપણ હોદ્દા માટે લાયકાત નક્કી કરવી એ રિક્રૂટમેન્ટ પોલિસીનો એક ભાગ છે. શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય માલિકોએ લેવાનો છે. કોઈપણ હોદ્દા માટે યોગ્ય લાયકાત નક્કી કરવાનો માલિકોને અધિકાર છે. આમાં કોર્ટ કોઈજાતની સમીક્ષા કરી શકે નહીં તેમ જસ્ટિસ એમ. આર. શાહે જણાવ્યું હતું. કોર્ટ ફક્ત વિવાદિત મામલે ચુકાદો આપી શકે છે. લાયકાત નક્કી કરવા કોર્ટોએ માલિકોને વધુ છૂટ આપી છે.

સંસ્થાની જરૂરિયાત અને હિત મુજબ હોદ્દા માટે લાયકાત નક્કી કરાતી હોય છે

કોર્ટે તેનાં ચુકાદામાં કહ્યું હતું કે, કોઈપણ હોદ્દા માટે સંસ્થાની જરૂરિયાત અને હિત મુજબ હોદ્દા માટે લાયકાત નક્કી કરાતી હોય છે. પંજાબ નેશનલ બેન્ક દ્વારા પટાવાળાનાં હોદ્દા માટે વધુ લાયકાત ધરાવતા ઉમેદવારની નિયુક્તિને મંજૂરી આપતા ઓડિશા હાઈકોર્ટનાં ચુકાદાને પડકારતી અરજીની સુનાવણીમાં કોર્ટે ઉપર મુજબ ઠરાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનાં ચુકાદાને ફગાવ્યો

સુપ્રીમ કોર્ટે આ કેસમાં ૨૨ નવેમ્બર ૨૦૧૯નાં ઓડિશા હાઈકોર્ટનાં ચુકાદાને ફગાવ્યો હતો. જેમાં બેન્ક દ્વારા પટાવાળાની જગ્યા માટે વધુ લાયકાત ધરાવતા ઉમેદવારની નિયુક્તિ કરાઈ હતી. ઉમેદવારે બેન્કનાં સંચાલકોને જાણ કરી નહોતી કે તે ગ્રેજ્યુએટ છે. બેન્કને પછીથી જાણ થઈ હતી. પટાવાળાનાં હોદ્દા માટે ધોરણ ૧૨ પાસની લાયકાત નક્કી હતી જ્યારે બેન્કે ગ્રેજ્યુએટની નિમણૂક કરી હતી.