30 કરોડ લોકોને વેક્સિન આપવા મહાતૈયારી : વેક્સિન બૂથ ખોલાશે

30 કરોડ લોકોને વેક્સિન આપવા મહાતૈયારી : વેક્સિન બૂથ ખોલાશે

। નવી દિલ્હી ।

દેશમાં શરૂઆતમાં ૩૦ કરોડ લોકોને વેક્સિન આપવા ચૂંટણી જેવી મહાતૈયારી કરવામાં આવી છે અને પોલિંગ બૂથની માફક જ વેક્સિન બૂથ ખોલાશે તેમ નીતિ આયોગ મારફત મુખ્યમંત્રીઓને કોરોના વેક્સિન આપવાના કાર્યક્રમનું પ્રેઝન્ટેશન દેખાડાયું હતું.

નોંધનીય છે કે હાલમાં કોરોનાની ઘણી વેક્સિન મંજૂરીના આખરી તબક્કામાં છે પરંતુ હજુ સુધી કોઈ દવાને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ દેશમાં ૩૦ કરોડ લોકોને વેક્સિન આપવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આમ તો સમગ્ર દેશવાસીઓને વેક્સિન ડોઝ આપવાની યોજના છે પરંતુ પ્રારંભિક તબક્કે ૩૦ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે. તૈયાર કરવામાં આવેલી પ્રાથમિકતા અનુસાર સૌપ્રથમ હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનિયર સિટિઝન્સને વેક્સિન આપવામાં આવશે. નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ યોજના અનુસાર ચૂંટણીમાં જે રીતે પોલિંગ બૂથ બનાવવામાં આવે છે તે પ્રમાણે વેક્સિન બૂથ તૈયાર કરીને લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નીતિ આયોગના સભ્ય પોલ કહે છે કે સરકારી અને ખાનગી ડોક્ટર્સને આ અભિયાનમાં ખાસ જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત લોકસહયોગ મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે અને તેમને યોગ્ય તાલીમ પણ આપવામાં આવશે.

કેન્દ્ર માટે આ ચાર રાજ્ય ચિંતાનો વિષય છે

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે એક પ્રેઝન્ટેશનમાં ચાર રાજ્ય, દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાનમાં આના માટે તૈયારી કરવા જણાવ્યું હતું. પાછલા એક સપ્તાહમાં આ રાજ્યોમાં ઊંચો પોઝિટિવ રેટ અને મોતના દરને ચિંતાનો વિષય ગણાવવામાં આવ્યો છે. પ્રેઝન્ટેશન અનુસાર દિલ્હીમાં પાછલા એક સપ્તાહમાં સરેરાશ ૧૧૧ મોત થયાં, જ્યારે રાજસ્થાનમાં અત્યાર સુધી સારી સ્થિતિ હતી ત્યાં ૨૧ ટકા પોઝિટિવ કેસ દર્શાવાઈ રહ્યા છે. કેરળમાં સરેરાશ પોઝિટિવિટી રેટ પણ ૧૫.૩ ટકા અને દિલ્હીમાં ૧૩.૫ ટકા હતો મહારાષ્ટ્રમાં પાછલા સપ્તાહ દરમિયાન રોજ સરેરાશ ૯૩ લોકોનાં મોત નોંધાયા હતાં, જો કે પોઝિટિવિટી રેટ ૮.૨ ટકા જેવી નીચો રાખવામાં સરકાર સફળ રહી છે. નોંધનીય છે કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં દરેક ૧૦ લાખ લોકોએ અનુક્રમે ૪૪૮ અને ૩૭૯ લોકોનાં મોત નોંધાયા છે જે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઘણો ઊંચો દર છે.