દાદી રેસિપી જણાવે છે અને પૌત્ર તેને યૂટ્યૂબ પર અપલોડ કરે છે, 6.5 લાખ સબ્સક્રાઈબર, દર મહિને કરે છે 2 લાખની કમાણી

દાદી રેસિપી જણાવે છે અને પૌત્ર તેને યૂટ્યૂબ પર અપલોડ કરે છે, 6.5 લાખ સબ્સક્રાઈબર, દર મહિને કરે છે 2 લાખની કમાણી

  • મહારાષ્ટ્રના અહમદનગરમાં રહેતા 70 વર્ષના સુમન ધામને અને પૌત્ર યશે એક વર્ષ પહેલાં શરૂ કરી હતી યૂટ્યૂબ ચેનલ
  • પોતાની ચેનલ પર તેઓ પારંપરિક મહારાષ્ટ્રીય ડિશ બનાવે છે, અત્યાર સુધીમાં 150થી વધુ રેસિપીનો વીડિયો શેર કરી ચુક્યા છે

મહારાષ્ટ્રમાં અહમદનગરમાં રહેતા સુમન ધામનેએ થોડા મહિના પહેલાં સુધી કોઈ જ જાણતું ન હતું, પરંતુ હવે તેઓ ઈન્ટરનેટ સેન્સેશન છે. 70 વર્ષના સુમન ક્યારેય સ્કૂલ નથી ગયા, પરંતુ હાલ તેમની યૂટ્યૂબ ચેનલ ‘આપલી આઝી’ પર 6.5 લાખ સબ્સક્રાઈબર છે.

આ ચેનલ પર સુમન પારંપરિક સ્વાદવાળી ઘરમાં તૈયાર થયેલા મસાલાની મદદથી મહારાષ્ટ્રીયન ડિશ બનાવે છે. અહમદનગરથી લગભગ 10 કિલોમીટર દૂર સરોલા કસાર ગામમાં રહેતા સુમન ધામને હિંદી પણ બોલી નથી શકતા, તેઓ માત્ર મરાઠી જ બોલે છે. તેઓ પોતાની ચેનલ પર અત્યાર સુધીમાં લગભગ 150 રેસિપીની વીડિયો શેર કરી ચુક્યા છે.

સુમન કહે છે કે આ પહેલાં તેઓ યૂટ્યુબ અંગે કંઈ જ જાણતા ન હતા. તેઓએ ક્યારેય સપનાંમાં પણ વિચાર્યુ ન હતું કે ક્યારેક આ પ્રકારના વીડિયોની મદદથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ખાવા અંગે વાત કરશે. સુમનની આ યૂટ્યૂબ ચેનલ શરૂ કરવામાં તેમના પૌત્ર યશ પાઠકે તેમની મદદ કરી.

11માં ધોરણમાં ભણતા 17 વર્ષના યશ જણાવે છે કે આ વર્ષે જાન્યુઆરીમાં જ દાદીને પાઉંભાજી બનાવવાનું કહ્યું હતું. દાદીએ કહ્યું કે તેમને આ બનાવતા નથી આવડતું, તો મેં તેમને કેટલીક રેસિપીઝનો વીડિયો દેખાડ્યો. વીડિયો જોયા બાદ, દાદીએ કહ્યું કે તેઓ આનાથી પણ સારી પાઉંભાજી બનાવી શકે છે. તે દિવસે દાદીએ હકિકતમાં ઘણી જ સ્વાદિષ્ટ પાઉંભાજી બનાવી, ઘરના દરેક સભ્યએ તેમની પ્રશંસા કરી. બસ ત્યારે જ મને દાદીની યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો.

‘કારેલાનું શાક’ વીડિયોને થોડાં જ દિવસોમાં મળ્યાં એક મિલિયન વ્યૂઝ
યશ કહે છે કે, ‘હું 8માં ધોરણથી જ મારી યૂટ્યૂબ ચેનલ ચલાવી રહ્યો છું, પરંતુ હું ઘણાં જ ઓછા વીડિયો બનાવું છું. દાદીની ચેનલ માટે મેં પ્લાનિંગ કર્યું અને નવેમ્બર 2019માં એક યૂટ્યૂબ ચેનલ બનાવી અને તેમાં કેટલાંક વીડિયો અપલોડ કર્યા. ડિસેમ્બર 2019માં અમે ‘કારેલાનું શાક’ બનાવવાનો એક વીડિયો અપલોડ કર્યો. આ વીડિયોને થોડાં જ દિવસોમાં એક મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. (હવે આ વીડિયોના 6 મિલિયનથી પણ વધુ વ્યૂઝ છે) જે બાદ અમે મગફળીની ચટણી, મહારાષ્ટ્રીયન મિઠાઈઓ, રીંગણા, લીલા શાકભાજી તેમજ કેટલીક મહારાષ્ટ્રીય ડિશનો એક વીડિયો બનાવ્યો અને તેને અપલોડ કરવા લાગ્યા.’

સુમન કહે છે કે જ્યારે યશે યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાની વાત કરી તો તે ઘણાં જ ડરેલા હતા. તેઓએ જીવનમાં ક્યારે કેમેરો ફેસ કર્યો ન હતો, શરૂઆતના વીડિયોમાં તેઓ ઘણાં જ અસહજ જોવા મળ્યા. અનેક વખત કેમેરાની સામે બોલતા સમયે તેઓ ભૂલી જતા હતા, પરંતુ ધીમે-ધીમે કેમેરાની સામે તેઓ સહજ થવા લાગ્યા. સુમન કહે છે કે, ‘જ્યારે મને યૂટ્યૂબ ક્રિએટર એવોર્ડ મળ્યો તો મને ઘણો જ ગર્વ થયો, મારા પરિવાર અને સંબંધીઓએ પણ મારી ઘણી જ પ્રશંસા કરી.’

6.5 લાખ સબ્સક્રાઈબર છે, દર મહિને દોઢથી બે લાખ રૂપિયાની કમાણી કરે છે
યશ કહે છે કે, ‘આ બધાંની વચ્ચે એક સૌથી મહત્વનો પડકાર હતો કે રેસિપી બનાવતા સમયે કેટલાંક અંગ્રેજી શબ્દ હતા, જે દાદી બોલી શકતા ન હતા. જે બાદ મેં દાદીને સૉસ, બેકિંગ પાવડર, કેચઅપ, મિક્સચર જેવા અનેક અંગ્રેજી શબ્દોને યોગ્ય રીતે ઉચ્ચારણ કરવાનું શીખવાડ્યું, દાદીએ પણ એક જ અઠવાડીયામાં આ બધું જ શીખી લીધું.’

યશ જણાવે છે કે શરૂઆતના ત્રણ મહિનામાં જ અમારા એક લાખ સબ્સક્રાઈબર થઈ ગયા હતા. આજે અમારી ચેનલ પર 6.5 લાખ સબ્સક્રાઈબર છે અને અમને યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લે બટન મળ્યું છે. આ ચેનલની મદદથી દર મહિને દોઢથી બે લાખ રૂપિયાની કમાણી થાય છે.

11માં ધોરણમાં ભણતા 17 વર્ષના યશે પોતાની દાદીને યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાનો આઈડિયા આપ્યો હતો.

16 ઓક્ટોબરે હેક થઈ ગઈ હતી ચેનલ, ચાર દિવસ પછી પરત મળી
બધું જ બરોબર ચાલી રહ્યું હતું પરંતુ 16 ઓક્ટોબરે અચાનક ‘આપલી આજી’ ચેનલ હેક થઈ ગઈ. આ ઘટનાથી દાદી-પૌત્રની આ જોડીને જોરદાર ઝાટકો લાગ્યો. યશ જણાવે છે કે જ્યારે આ વાત મેં દાદીને જણાવી તો તેઓ પરેશાન થઈ ગયા અને એક દિવસ તો ખાવાનું પણ ન ખાધું. જે બાદ મેં યૂટ્યૂબને ઈ-મેઈલ કર્યો ત્યારે 21 ઓક્ટોબરે અમને અમારી ચેનલ પરત મળી, ત્યાર પછી દાદીને રાહત થઈ.

યશના પપ્પા ડોકટર અને મમ્મી હાઉસવાઈફ છે, જ્યારે યશે આ ચેનલ શરૂ કરી તો તેઓએ ઘણો જ સહકાર આપ્યો. યશ વર્તમાનમાં ‘આપલી આજી’ ચેનલ માટે સપ્તાહમાં બે વીડિયો બનાવે છે. યશ આ પહેલાં સેમસંગના ફોનથી વીડિયો રેકોર્ડ કરતો હતો પરંતુ હવે કમાણી થઈ તો તેઓએ આઈફોન 11 પ્રો મેક્સ અને કેનન-750 DSLR લીધો છે, હવે તેઓ આની મદદથી વીડિયો રેકોર્ડ કરે છે.