કેન્દ્ર સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, દેશના દરેક નાગરિકને કોરોનાની રસી આપીશું : આરોગ્ય મંત્રાલય

કેન્દ્ર સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, દેશના દરેક નાગરિકને કોરોનાની રસી આપીશું : આરોગ્ય મંત્રાલય

। નવી દિલ્હી ।

કોરોનાની રસી તૈયાર થતાં જ દેશના દરેક નાગરિકને રસી અપાશે તેવી ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકી દેતાં આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, દેશના દરેક નાગરિકને કોરોનાની રસી આપીશું. ફક્ત કોરોના સંક્રમણની ચેઇન તૂટે એટલા લોકોને જ કોરોનાની રસી આપવામાં આવશે. મંગળવારે આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે, સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે, સમગ્ર દેશમાં રસીકરણ હાથ કરાશે. કોરોના રસીની અસર પર રસીકરણના કાર્યક્રમનો આધાર રહેશે. અમારો લક્ષ્યાંક કોરોના સંક્રમણની ચેઇન તોડવાનો છે. જો ક્રિટિકલ માસ એટલે કે, જોખમ ધરાવતા લોકોને રસી આપવામાં અને સંક્રમણની ચેઇન તોડવામાં સફળ રહીશું તો આખા દેશની વસતીને કોરોનાની રસી આપવાની જરૂર રહેશે નહીં. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પણ જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે, સરકારે ક્યારેય એમ નથી કહ્યું કે દેશની સમગ્ર વસતીને કોરોનાની રસી અપાશે. આપણે સાચી માહિતીના આધારે વૈજ્ઞાનિક મુદ્દાઓની ચર્ચા કરીએ તે મહત્ત્વનું છે.

બિહારમાં રસી મળશે કે નહીં તે ખબર નથી પણ હવે પ. બંગાળમાં મળશે! : સોશિયલ મીડિયા પર ટીખળ

કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા રસી વિશે કરવામાં આવેલી સ્પષ્ટતા પછી આ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર ડિબેટ ચાલી છે. કેટલાક યૂઝર્સે સવાલ કર્યા છે કે, આટલા મોટા દેશમાં ક્રિટિકલ માસ કયો તેને કેવી રીતે ઓળખવામાં આવશે અને જુદો પાડવામાં આવશે? બીજી તરફ કેટલાકે કહ્યું હતું કે, બિહારમાં જનતાને રસી આપવાનું કહ્યું હતું હવે તેનું શું થશે? એક યૂઝરે ટીકા કરી હતી કે, બિહારમાં રસી મળશે નહીં તે ખબર નથી પણ આગામી સમયમાં પિૃમ બંગાળમાં મળશે. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, જે જે રાજ્યોમાં આગામી સમયમાં ચૂંટણી છે ત્યાં રસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જ થોડા સમય પહેલાં જ દેશનાં તમામ લોકોને રસી આપવા માટે તૈયારીઓ શરૂ કરવાની વાત કરાઇ હતી. હવે કેન્દ્ર સરકાર અને કેન્દ્રના અધિકારીઓના નિવેદનમાં વિરોધાભાસની સોશિયલ મીડિયા ઉપર ટીખળ કરવામાં આવી હતી.

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧,૧૧૮ કેસ, ૪૮૨ દર્દીનાં મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવાર સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩૧,૧૧૮ કેસ નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯,૪૬૨,૮૦૯ પર પહોંચી હતી. દેશમાં વધુ ૪૮૨ દર્દીઓએ છેલ્લા ૨૪ કલાકમાં જીવ ગુમાવતાં કોરોના મહામારીનો કુલ મૃતાંક ૧,૩૭,૬૨૧ ઉપર પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં દેશમાં ૮૮,૮૯,૫૮૫ દર્દી કોરોનાની બીમારીને માત આપી ચૂક્યા છે. બીજી બાજુ, ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી પ્રસાર થઇ રહ્યો છે.