કૃષિ કાયદાની વિરુદ્ધ પડેલા ખેડૂતોને સરકાર સમજાવી શકશે?

કૃષિ કાયદાની વિરુદ્ધ પડેલા ખેડૂતોને સરકાર સમજાવી શકશે?

નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર બેઠેલા હજારો ખેડૂતોને કારણે કેન્દ્ર સરકાર ચિંતામાં છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના ફાયદા માટે કૃષિ કાયદાઓ બનાવ્યા છે પરંતુ ખેડૂતોને આ કાયદા પોતાની આજીવિકા અને રોજી રોટી છીનવી લેશે તેવો ભય સતાવી રહ્યો છે. વડાપ્રધાનના આશ્વાસન પછી પણ ખેડૂતોને સરકાર પર વિશ્વાસ નથી. ખેડૂતો સરકાર પાસે લેખિતમાં બાંહેધરી માગી રહ્યા છે અને પરિણામે સરકાર અને ખેડૂતો વચ્ચે ઉપરાછાપરી મીટીંગોનો દોર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચાલી રહ્યો છે.

કેન્દ્રના કૃષિ કાયદાઓનો વિરોધ ખાસ કરીને દિલ્હી અને હરિયાણાના ખેડૂતો કરી રહ્યાં છે. દેશના આ પ્રાંતના ખેડૂતો દેશના અન્ન ઉત્પાદનની ચેઈન જાળવી રાખવા માટે જવાબદાર છે. આ ખેડૂતોને ભય છે કે સરકાર નવા કાયદા દ્વારા ખેડૂતોને જે ટેકાના ભાવ મળતા હતા જેને સ્જીઁ કહેવાય છે. તે રદ થઈ જશે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો પાસે સરકાર મોટા પ્રમાણમાં અનાજ ખરીદે છે અને એટલે જ આ વિસ્તારના ખેડૂતો ચિંતીત છે. ખેડૂતોને ચિંતા છે નવા કૃષિ કાયદાઓથી તેમની જમીન પ્રાઈવેટ કંપનીઓ સાથેના કોન્ટ્રાક્ટ દરમિયાન જતી રહેશે અને ઘણીબધી તકલીફોનો સામનો કરવો પડશે.

એકબાજુ સરકાર નવા કૃષિ કાયદાઓનો ઐતિહાસિક કૃષિ સુધાર કાયદાઓ તરીકે ઓળખાવી રહી છે. તો બીજી બાજુ ખેડૂતો આ કાયદાઓને કાળા કાયદા તરીકે ઓળખાવે છે. કૃષિ બિલ પર ૨૭ સેપ્ટેમ્બર-૨૦૨૦ ના રોજ રાષ્ટ્રપતિએ સહી કરીને કાયદાનું સ્વરૂપ આપ્યું છે ત્યારબાદ ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતો જે કૃષિ વિધાયક ત્રણ કાયદાઓનો વિરોધ કરે છે તેમાં ૧. કિસાન ઉપર વેપાર અને વાણિજ્ય કાયદો ૨.કિસાન મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા અને ૩. આવશ્યક વસ્તુ વિધેયક. દિલ્હીની સરહદ પર બેસેલા ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકાર જો તેના આ ત્રણ કૃષિ કાયદાઓ પાછા નહિ લે તો અમે દિલ્હીનો ઘેરો ઘાલીને દિલ્હીમાં જતો તમામ સપ્લાય બંધ કરી દઈશું. ખેડૂતો સરકાર પાસે કાયદો રદ કરવા અને પોતાની માગો અંગે લેખિત આવેદનપત્ર આપ્યુ છે. દેશના કૃષિમંત્રી સાથે ખેડૂત નેતાઓની બે બેઠકો થઈ છે. પરંતુ આ બંને બેઠકોમાં ખેડૂત નેતાઓએ પોતાનું વલણ અક્કડ રાખ્યુ છે. વાત એટલે સુધી પહોચી છે કે વિજ્ઞાન ભવનમાં ખેડૂતોએ સરકાર ધ્વારા અપાયેલું ભોજન પણ સ્વીકાર્યુ નથી. ખેડૂતો પોતાની સાથે ભોજન લાવ્યા હતા તે વિજ્ઞાન ભવનની ફર્સ પર નીચે બેસીને જમ્યા હતાં. ખેડૂતોએ સરકાર પાસે માગણી કરી છે કે નવા બનાવેલા ત્રણ કૃષિ કાયદાઓ રદ કરે, વાયુ પ્રદૂષણના કાયદામાં ફેરફાર કરવામાં આવે. વીજળી બિલના કાયદામાં ફેરફાર કરવામાં આવે, એમએસપી પર લેખિતમાં ખેડૂતોને ભરોસો આપવામાં આવે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત સામે ખેડૂતોનો વિરોધ છે. ખેડૂતોએ સરકાર જે કાયદાઓ લાવી છે તેની માંગણી કરી જ નથી તો આવા કાયદાઓ શું કામ લાવવામાં આવ્યા છે ? અને છેલ્લે ખેડૂતોએ ડિઝલની કિંમત અડધી કરવાની માગ પણ કરી છે. ખેડૂતોની આ માગણીઓ અંગે સરકાર ખેડૂતોની સાથે મંત્રણાઓ કરી રહી છે. બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સાથે પણ ગૃહમંત્રી અમિત શાહે અલગથી મંત્રણા કરી. હવે આગામી સરકારમાં શું બિલ છે તેના પર ખેડૂત નેતાઓની નજર છે. જાણકારો કહે છે કે એમએસપી અંગે ખેડૂતોને જે વાંધાઓ છે તે વાંધા દૂર કરવા સરકાર જરૂરી આશ્વાસન આપવા તૈયાર છે અને આ મુદે જો સમજૂતી સધાય તો સરકાર ખેડૂતોને ભરોસો થાય તે રીતે એમએસપીના મુદે ભરોસો આપવા તૈયાર છે. સંભવતઃ ખેડૂતો અને સરકાર વચ્ચેની મંત્રણાનું શું પરિણામ આવે છે તે આજે ખબર પડી જશે.

દરમિયાનમાં ખેડૂત આંદોલને રાજકીય વળાંક પણ લઈ લીધો છે. પંજાબથી શરૂ થયેલા આંદોલન પાછળ ભાજપના જ એક વખતના સાથી અકાલીદળનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. પંજાબમાં અકાલીદળ પોતાની રાજકીય જમીન પાછી શોધી રહ્યુ છે. ભાજપ સાથેના તેના ગઠબંધન પછી પણ જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર સ્થપાઈ ત્યારે અકાલીદળને હવે ભાજપ સાથે રહેવાથી કોઈ લાભ થાય તેવુ લાગતુ નથી. આ સંજોગોમાં જ્યારે કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદાઓ લોકસભામાં પસાર કર્યા ત્યારે સૌપ્રથમ એનડીએના સૌથી જૂના સાથીદાર એવા અકાલીદળ દ્વારા આ કાયદાઓનો વિરોધ થયો હતો અને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પદેથી અકાલીદળના હરસિમરત કૌર બાદલે રાજીનામુ આપી દીધું હતું. અકાલીદળના નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પણ કૃષિ કાયદાના વિરોધમાં તેમને સરકાર ધ્વારા અપાયેલો પદ્મભૂષણ પુરસ્કાર પાછો આપી દીધો છે. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું કે ખેડૂતો વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરી રહી છે. કિસાનો સાથે દગાબાજી અને બેરૂખીને કારણે હું અમને મળેલું સન્માન પાછું આપી રહ્યો છું.  અકાલીદળના અધ્યક્ષ સુખબિરસિંહ બાદલ પણ કૃષિ કાનૂનના વિરોધમાં કેન્દ્ર સરકારની આકરી ટીકાઓ કરી રહ્યાં છે. કૃષિ કાયદાના વિરોધમાં તેમણે ચંદીગઢ સુધી ટ્રેક્ટર માર્ચ પણ યોજી હતી. આમ, એક વખતના ભાજપના સૌથી જૂના સાથીદાર એવા અકાલીદળ અત્યારે કૃષિ કાયદાના મુદ્દે સરકારની વિરોધમાં પડયુ છે. સાથેસાથે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોને પણ કિસાનોના મુદ્દે સરકારને ભીસમાં લેવાનો મોકો મળ્યો છે. દરમિયાનમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ સાથે ગૃહમંત્રી અમિત શાહે મિટિંગ કરીને અકાલીદળ પર સોગઠી મારવાનો પ્રયત્ન કરી જોયો છે. જોઈએ આ મિટીંગનું પરિણામ શું આવશે ? જોકે મિટીંગ પછી કેપ્ટન અમરિન્દરસિંહે મીડીયાને એટલું જ કહ્યુ હતું કે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેનો આ વિવાદ છે. મારી પાસે આના ઉકેલ માટે કોઈ વાત નથી. ગૃહમંત્રીને પણ મેં કિસાનોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.

દરમિયાનમાં ખેડૂત નેતાઓ અત્યારે તો કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માગ પર અડી રહ્યા છે જોઈએ હવે ખેડૂત નેતાઓ સાથે કેન્દ્ર સરકાર કેવું ડીલ કરે છે.