નવું સંસદભવન આત્મનિર્ભર ભારતની રચનાનું સાક્ષી બનશે : PM

નવું સંસદભવન આત્મનિર્ભર ભારતની રચનાનું સાક્ષી બનશે : PM

। નવી દિલ્હી ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. પીએમ મોદીએ કરેલા ભૂમિપૂજનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતા, કેબિનેટ મંત્રીઓ, વિવિધ દેશોના રાજદ્વારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. ભૂમિપૂજનમાં વડા પ્રધાન મોદીએ કર્ણાટકના શૃંગેરી મઠના પૂજારીઓ દ્વારા કરાયેલી પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ અને તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતા પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જૂના સંસદ ભવને આઝાદી પછીના ભારતને દિશા આપી હતી તો નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતની રચનાનું સાક્ષી બનશે. નવા સંસદ ભવનનું નિર્માણ નૂતન અને પુરાતન સહઅસ્તિત્વનું ઉદાહરણ છે. ૨૦૧૪માં લોકશાહીના મંદિરમાં પ્રથમવાર પ્રવેશતી વખતે મેં માથું નમાવીને નમન કર્યું હતું.

સંસદની હાલની ઇમારત સ્વતંત્ર ભારતના તમામ ચઢાવ-ઉતાર, પડકાર, આશાનું પ્રતીક રહી છે. સંસદમાં કહેવાયેલી દરેક વાત આપણી લોકશાહીનો પાયો છે. હવે આ ઇમારતને ૧૦૦ વર્ષ થઇ ચૂક્યા છે તેથી તેને વિશ્રામની જરૂર છે. ભારતમાં લોકતંત્ર શા માટે સફળ છે તે દરેક પેઢીને સમજાવવાની જરૂર છે. લોકશાહી માટે ૧૩મી સદીના મેગ્નાકાર્ટાની ચર્ચા કરાય છે પરંતુ ૧૨મી સદીમાં કર્ણાટકમાં બાસ્વેશ્વરજીનાઅનુભવ મંડપમથી લોકશાહીનો પ્રારંભ થઇ ચૂક્યો હતો.   વડા પ્રધાને જણાવ્યું હતું કે, ભારત લોકશાહીની માતા છે. ભારતમાં દરેક ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધી રહી છે, મહિલાઓ અને યુવાનોની ભાગીદારીમાં સતત વધારો થઇ રહ્યો છે, જે આપણી વાઇબ્રન્ટ લોકશાહીને મજબૂત બનાવી રહી છે. સંસદની નવી ઇમારત દેશની આશા અને મહત્ત્વાકાંક્ષાને પૂરી કરશે. ૧૩૦ કરોડ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે. આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યાં છીએ. બીજા દેશો ભારતને લોકશાહીના પાઠ ભણાવે છે તે દુખદ છે. તેમના માટે લોકશાહી એક ચૂંટણી પ્રક્રિયા હશે પરંતુ ભારત માટે લોકશાહી જીવનનો માર્ગ છે.

નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારમાં ડીજે વગાડવા સમાન : કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે જણાવ્યું હતું કે, સંસદની નવી ઇમારતનું ભૂમિપૂજન શરમજનક છે. દેશ આર્થિક મંદીમાં સપડાયો છે ત્યારે ભાજપ ફાલતુ જુલૂસ કાઢી રહ્યો છે. સરકારનું આ પગલું અંતિમ સંસ્કારમાં ડીજી વગાડવા સમાન છે. એકતરફ ભાજપ ખેડૂતોની આજીવિકા પર બુલડોઝર ચલાવી રહ્યો છે અને બીજીતરફ જનતાના પૈસા ભવનનું નિર્માણ કરી રહ્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, હાલનું સંસદ ભવન મધ્યપ્રદેશના મુરૈના સ્થિત ચૌસઠ યોગિની મંદિર જેવું દેખાય છે. નવું સંસદ ભવન અમેરિકાના પેન્ટાગોન જેવું દેખાશે.

જૂના સંસદ ભવન પર એક નજર

  • ૯૩ વર્ષનું કુલ આયુષ્ય
  • ૩ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું હતું
  • ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૧ના રોજ પાયો નખાયો હતો
  • ૧૯૨૭માં સંસદ ભવન બનીને તૈયાર થયું હતું
  • જૂના સંસદ ભવનને મ્યુઝિયમ તરીકે જાળવી રખાશે

દુનિયાના સંખ્યાબંધ દેશોએ જૂના સંસદ ભવનમાં જ કામ ચાલુ રાખ્યું

અમેરિકી સંસદ કેપિટોલ ઇ.સ. ૧૮૦૦

ચીનનો ગ્રેટ હોલ ઓફ પીપલ ઇ.સ. ૧૯૫૯

ઇટાલીનું પ્લાઝો મડામા         ૧૬મી શતાબ્દી

ફ્રાન્સનો લક્ઝમબર્ગ પેલેસ ઇ.સ. ૧૬૧૫

નેધરલેન્ડની ધ બિન્નેનહોફ  ૧૩મી શતાબ્દી

ઓડિયો । વિઝયુઅલ સિસ્ટમસ, ડેટા નેટવર્કની સુવિધા, ભવ્ય બંધારણ હોલમાં લોકશાહીના વારસાને પ્રદર્શિત કરાશે

વ્યવસ્થા । અમદાવાદની એચસીપી મેનેજમેન્ટે ડિઝાઇન તૈયાર કરી, ભવન નિર્માણનો કોન્ટ્રાક્ટ તાતા પ્રોજેક્ટ્સને અપાયો છે

ગ્રીન કવરિંગ

  • ૩૨૬ નવા વૃક્ષો
  • ૨૫૦ હાલમાં રહેલા વૃક્ષોની સંખ્યા
  • ૨૫૦ નવા વધારાના વૃક્ષો વાવવાનું આયોજન
  • ૧૯૪ વૃક્ષોનું સ્થળાંતર કરાશે