પીએમ મોદીને એક તક આપો, બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેશે : અમિત શાહ

પીએમ મોદીને એક તક આપો, બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેશે : અમિત શાહ

। બોલપુર ।

પશ્ચિમ બંગાળની મુલાકાતના બીજા દિવસે બોલપુરમાં રોડ શો દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનરજી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, બંગાળની જનતા રાજકીય હિંસા, ભ્રષ્ટાચાર, ખંડણી અને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્તિ મેળવવા પરિવર્તન ઇચ્છે છે. બંગાળની જનતા વડા પ્રધાન મોદીને એક તક આપશે તો તેઓ પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેશે. મારા જીવનમાં મેં ઘણા રોડ શોનું આયોજન કર્યું છે અને સામેલ થયો છું પરંતુ આટલી જનમેદની સાથેનો રોડ શો મેં ક્યારેય જોયો નથી. આ ભીડ વડા પ્રધાન મોદીના વિકાસના એજન્ડામાં જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. શાહે જણાવ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો બાંગ્લાદેશમાંથી બંગાળમાં થતી ગેરકાયદેસર ઘૂસણખોરી બંધ કરાવી દેશે. બંગાળની જનતાએ બધાને તક આપી છે હવે પીએમ મોદીને એક તક આપો. અમે સુભાષચંદ્ર બોઝ અને રવીન્દ્રનાથ ટાગોરના સ્વપ્નનું બંગાળ બનાવીશું.

મમતાના ગઢને ધરાશાયી કરવા અમિત શાહ દર મહિને બંગાળની મુલાકાતે જશે

મમતાના ગઢને ધરાશાયી કરવા માટે અમિત શાહ દર મહિને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે અને એક સપ્તાહ વીતાવશે. તેઓ ચૂંટણીના પ્રચાર, વ્યૂહરચના અને સ્થિતિની સતત સમીક્ષા કરતા રહેશે.

બંગાળમાં અમિત શાહનો બીજો દિવસ

  • બીરભૂમમાં શાંતિનિકેતનની મુલાકાત લઇ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પી
  • રવીન્દ્રભવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો, વિવેકાનંદ સારણીનું ઉદ્ઘાટન
  • બીરભૂમમાં બાઉલ ગાયક બાસુદેવના ઘરમાં ભોજન કર્યું, ભાત, રોટી, પાલકની ભાજી, દાળ, બેંગન બાજા, ગોળની મિષ્ટી, ચટણી અને પાપડ પીરસાયાં
  • જય શ્રીરામના નારા અને વંદેમાતરમ્ના ગાન સાથે બોલપુરમાં બે કિલોમીટર લાંબો રોડ શો કર્યો

પીએમ મોદીને એક

પોસ્ટરમાં ટાગોરની તસવીર પર અમિત શાહની તસવીર પર ટીએમસીનો સવાલ

અમિત શાહના શાંતિનિકેતનની મુલાકાત દરમિયાન કેમ્પસમાં લગાવેલા પોસ્ટરો પર તૃણમૂલ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. ટીએમસીએ જણાવ્યું હતું કે, ભાજપે લગાવેલા પોસ્ટરોમાં રવીન્દ્રનાથ ટાગોરની તસવીરની ઉપર અમિત શાહની તસવીર લગાવવામાં આવી છે. ભાજપ અને અમિત શાહે રવીન્દ્રનાથ ટાગોરનું અપમાન કર્યું છે.

ભાષણોમાં જુઠ્ઠાણા ચલાવવાનો ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયનનો શાહ પર આરોપ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને અમિત શાહ પર તેમના ભાષણોમાં જુઠ્ઠાણા ચલાવવાનો આરોપ મૂક્યો હતો. ઓબ્રાયને અમિત શાહ દ્વારા કરાયેલા ૭ દાવાને નિશાન બનાવ્યા હતા. તેમણે અમિત શાહને ટૂરિસ્ટ ગેંગના શૂટર બતાવીને બાહરી ગણાવી દીધાં હતાં. ઓબ્રાયને અમિત શાહના કથિત જુઠ્ઠાણાની યાદી જારી કરી હતી.

પશ્ચિમ બંગાળમાં આગામી મુખ્યમંત્રી બહારી નહીં હોય : અમિત શાહ

  • નડ્ડા પરનો હુમલો બતાવે છે કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે
  • લોકશાહીમાં દરેકને પોતાના મંતવ્યો રજૂ કરવાનો અધિકાર છે, નડ્ડા પરનો હુમલો લોકશાહી પરનો હુમલો
  • શું પશ્ચિમ બંગાળની મુલાકાતે આવતા દેશના અન્ય નાગરિકો અને નેતાઓ બાહરી હોય છે?
  • પશ્ચિમ બંગાળનો નેતા જ મમતા બેનરજીને પડકારશે અને મુખ્યમંત્રી બનશે
  • અમે પશ્ચિમ બંગાળમાં એવું કશું નથી કર્યું જે સંઘીય માળખાની વિરુદ્ધ હોય