ઉત્તરાયણે ધાબા ઉપર ૫૦થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે

ઉત્તરાયણે ધાબા ઉપર ૫૦થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે

ઉત્તરાયણમાં ધાબા-અગાશી કે છાપરા ઉપર ૫૦થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાની પૃચ્છાના સંદર્ભમાં રવિવારે અમદાવાદમાં સદ્વિચાર પરિવારને ખાનગી સંસ્થા તરફથી શબવાહિનીના દાન પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ વખતે કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઊજવવાનો નથી, પરંતુ લોકો પોતાના ધાબે-અગાશી કે છાપરા ઉપર પતંગ ચગાવવા કેટલી સંખ્યામાં ભેગા થઈ શકે તે માટે રાજ્ય સરકારની કોર કમિટી ટૂંક સમયમાં નિર્ણય લેશે, જોકે ૫૦થી વધુ લોકો એકઠા ના થાય તે માટે નિર્ણય લેવાશે. નાયબ મુખ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં રાજ્ય સરકારે ૧ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ કર્યો છે અને હવે ટૂંકમાં વેક્સિનેશનની પ્રક્રિયા કેન્દ્રની સૂચનાથી શરૂ થશે ત્યારે જે લોકો આર્થિક રીતે સક્ષમ છે તેઓ પોતાની રીતે માર્કેટમાંથી ખરીદીને વેક્સિન લે તે ઇચ્છનીય છે, બાકીના લોકોને સરકાર તરફથી પ્રથમ તબક્કામાં હેલ્થ ક્ષેત્રના કર્મચારીઓ-અધિકારીઓને, બીજા તબક્કામાં આશા વર્કર-પોલીસ તથા અન્ય કર્મચારીઓને તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાશે. એમણે એમ પણ કહ્યું કે, રાજ્યની બે વેક્સિનને હજી મંજૂરી મળવાની બાકી છે.