‘જો તમે એમ માનતા હોવ કે વેક્સિન લીધી એટલે કોરોના નહિ થાય તો એ ભૂલ ભરેલુ’, જાણો નીતિન પટેલનું નિવેદન

‘જો તમે એમ માનતા હોવ કે વેક્સિન લીધી એટલે કોરોના નહિ થાય તો એ ભૂલ ભરેલુ’, જાણો નીતિન પટેલનું નિવેદન

દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સોમવારે સવારે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૧૬ જાન્યુઆરીથી શરૂ થનારા રસીકરણ માટે ગુજરાતમાં મંગળવારે વેક્સિનનો આવશે તેવી જાહેરાત કરી હતી.

મોડી રાતે ભારત સરકાર સાથે વધુ એક વિડિયો કોન્ફરન્સ બાદ તેમણે મંગળવારે સવારે ૧૦-૪૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનનો પહેલો જથ્થો આવશે તેમ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ. શનિવારથી શરૂ થનારા વેક્સિનેશનમાં પહેલા તબક્કે કોરોના વોરિયર્સને રસી અપાશે.

ગુજરાતમાં તેમની સંખ્યા ૪.૩૩ લાખ થવા જાય છે. જેમની યાદી તૈયાર છે. ૧૬ જાન્યુઆરીને શનિવારે રાજ્યમાં ૨૮૭ બુથ ઉપરથી વેક્સિનેશન થશે, જ્યાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો નાગરીકોને વિશ્વાસ બેસે એટલા માટે ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદી અમદાવાદ અને રાજકોટમાં વિડિયો કોન્ફન્સથી ટુવે માધ્યમથી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કામદારો સાથે સંવાદ રચશે. આજે સવારથી વેક્સિન આવવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ઉત્કંઠા જાગી હતી.

વેક્સિન ભલે મુકાવો પણ કોરોના સામે રક્ષણ તો ૪૫ દિવસ પછી જ મળશે

જો તમે એમ માનતા હોવ કે વેક્સિન લીધી એટલે કોરોના નહિ થાય તો એ ભૂલ ભરેલુ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, વેક્સિન બે તબક્કે લેવાની છે. પહેલા તબક્કે ડોઝ લીધા પછીના ૨૯માં દિવસે એ જ વેક્સિનો બીજો ડોઝ લેવાનો રહેશે. તે પછીના ૧૫ દિવસ એટલે કે ૪૫માં દિવસથી વેક્સિન લેનારમાં ઈમ્યુનિટી ઉત્પન્ન થશે. એટલે વેક્સિનનો પહેલો ડોઝ લીધો એટલે ચિંતા નથી એવુ નથી. આજની વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત ભારત સરકારના વૈજ્ઞાનિક વિનોદ પોલના કહેવા મુજબ ૪૫ દિવસ પછી વેક્સિન લેનાર ભયમુક્ત રહી શકશે અને તે કોઈને ચેપ ફેલાવી નહિ શકે તેવી ઈમ્યુનિટી ઉત્પન્ન થશે.

પહેલાં તબક્કાનો ખર્ચો ભારત સરકાર ઉપાડશે, બીજા તબક્કાના ખર્ચ અંગે પછી નક્કી થશે

૧૬મીથી દેશમાં ૩ કરોડ કોરોના વોરિયર્સને વેક્સિનેશન શરૂ થશે. જેનો તમામ ખર્ચો ભારત સરકાર ઉપાડશે એટલે રાજ્ય પર બોજો આવશે નહી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, ભારતની બે વેક્સિનથી રસીકરણ થવાનું છે. ભવિષ્યમાં વધુ વેક્સિન આવશે તેમ તેની કિંમતમાં ઘટાડો થશે. ૧૬ જાન્યુઆરીથી ડોક્ટર્સ, નર્સિંગ સહિતના હેલ્થવકર્સ, પોલીસ,  લશ્કરના કર્મચારીઓને વિના મુલ્યે વેક્સિન આપ્યા બાદ તેનો અનુભવ કેવો રહ્યો ? નવી કામગીરી ઉમેરવા સહિતના મુદ્દે બીજા તબક્કા પહેલા વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. એ વખતે પણ ખર્ચ અંગે નક્કી થશે. બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ તેમજ ગંભીર રોગ ધરાવતા ૫૦ વર્ષથી ઓછી વયના એમ ૩૦ કરોડ જેટલા નાગરીકોનો અંદાજ છે.

CM, ડે.CM, મંત્રીઓ કે રાજકીય નેતા નહીં, પહેલાં જરૂરિયાતમંદોને વેક્સિન

શનિવારથી શરૂ થનારા વેક્સિનેશનમાં શું મુખ્યમંત્રી અને તમે (આરોગ્ય મંત્રી તરીકે) રસી લેશો ? તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, મુખ્યમંત્રી, હું કે કોઈ પણ મંત્રી, સાંસદો, ધારાસભ્યો અમે સૌએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી જરૂરીયાતમંદોને આવરી ન લેવાય ત્યાં સુધી વેક્સિન લઈશું નહી. આ નિર્ણયમાં સરકાર કે રાજકિય પક્ષ સાથે જોડાયેલા બધા આવી ગયા. સૌપ્રથમ પ્રાથમિકતાની યાદીમાં આવે છે તેવા લોકોને વેક્સિન અપાશે.

વાયલ ખોલ્યાના ૪ કલાક પછી લેવાય તો વેક્સિન બિન અસરકારક

કોવિડ-૧૯ વેક્સિનનો વાયલ ખોલ્યા પછી ફક્ત ૪ કલાકમાં જ તેના ડોઝનો ઉપયોગ કરવાનો રહેશે. આ વેક્સિના પ્રત્યેક વાયલમાં ૧૦ ડોઝ હશે અને આ તમામ ડોઝ ફક્ત ચાર કલાકમાં જ આપી દેવાના રહેશે. વેક્સિન વાયલ મોનિટર્સ (VVMs) ઉપલબ્ધ ન હોવાથી સરકારે આ વાયલ ખોલ્યા પછી ૪ કલાકમાં જ તેનો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

કોવિડના દર્દીઓ અનફિટ હશે તો તેમને લાઈફ કવર મળશે નહીં

કોવિડ-૧૯ના દર્દી ત્રણ માસના ગાળામાં અનફીટ જાહેર કરાય તો, તેમને લાઈફ ઈન્સ્યુરન્સ કવર લેવામાં એક મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે. ૬૦ વર્ષથી મોટી ઉંમરના દર્દીઓને આ પ્રકારના પ્રશ્નનો સામનો કરવો પડે તો તેમને આ લાગુ પડી શકે છે. જેમના શરીરના અંગોને નુકસાન થયું છે, તેમની પાસેથી પ્રિમિયમ પેટે ૨૦ થી ૩૦ ટકા વધુ વસુલવામાં આવી શકે છે.

વેક્સિનેશન માટે જે આધારકાર્ડ આપશે તેમના UPID બનશે

વેક્સિન લેવાની ઈચ્છા ધરાવનાર જો તેમનુ આધારકાર્ડ રજૂ કરશે તો સરકાર દ્વારા તેમનુ UPID બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા એક વાર વ્યક્તિનુ UPID બની ગયા બાદ, આ વ્યક્તિના આરોગ્યનો ડિજિટલ રેકોર્ડ સરકારી રેકર્ડના ભાગ રુપે હોસ્પિટલમાં સચવાયેલો રહેશે. જે વ્યક્તિ માટે લાભદાયી બની રહેશે.

( Source – Sandesh )