કોરોનાની રસીનો આજથી પ્રારંભ : રસી લેનારા 10માંથી 1ને સામાન્ય આડઅસર થઈ શકે છે, રસી વિશે એ બધું, જે તમે જાણવા માગો છો

કોરોનાની રસીનો આજથી પ્રારંભ : રસી લેનારા 10માંથી 1ને સામાન્ય આડઅસર થઈ શકે છે, રસી વિશે એ બધું, જે તમે જાણવા માગો છો

  • પ્રથમ દિવસે 20 કેન્દ્ર પરથી 2 હજાર હેલ્થવર્કર્સને રસી મુકાશે
  • કોરોનામાંથી સાજા થયાને 4 થી 8 વીક થયા હોય તો રસી લઈ શકાશે
  • કોવિશીલ્ડ પછી અન્ય બીમારીની રસી 14 દિવસ બાદ લઈ શકાશે

અમદાવાદમાં આજથી કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાશે. શનિવારે પ્રથમ દિવસે સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, એસવીપી, રખિયાલ, ચાંદખેડા, સરખેજ, વટવા ખાતેના આરોગ્ય કેન્દ્ર સહિત 20 રસી કેન્દ્ર ખાતેથી 2000 હેલ્થવર્કર્સને રસી આપવામાં આવશે. અંદાજે 100 જેટલા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફનો આમાં સમાવેશ થશે. સીરમ કંપનીએ તૈયાર કરેલી કોવિશીલ્ડ રસીની 10માંથી 1 વ્યક્તિને સામાન્ય આડઅસર થઈ શકે છે. જેથી આ રસી લેતા કોઈએ ડરવાની જરૂર નથી. જોકે 18 વર્ષથી વધુની ઉંમરના માટે જ આ રસીનો સીમિત ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. હેલ્થ વિભાગે રસી આપવા માટે પ્રત્યેક અર્બન હેલ્થ સેન્ટરદીઠ ચાર ચાર કેન્દ્રો તૈયાર કર્યા છે. આ મુજબ મ્યુનિ. સ્કૂલો ખાતે તૈયાર કરેલા કુલ 300 અને સરકારી સહિત ખાનગી હોસ્પિટલો મળી 37 કેન્દ્રો ખાતેથી રસી આપવામાં આવશે. કુલ 8,27,208 લોકોને બે મહિનામાં રસી આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કાના હેલ્થવર્કર્સને શનિવારથી રસી આપવાનો પ્રારંભ થશે. હેલ્થવર્કર્સ પછી ફ્રન્ટલાઇન વર્કર્સને રસી અપાશે, જ્યારે અંતિમ તબક્કામાં 50થી વધુની ઉંમરના લોકો અને 50થી નીચેની ઉંમરના પરંતુ કો-મોર્બિડ હોય તેવા લોકોને રસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનામાં શહેરના 2258 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી 65 ટકા મૃત્યુ 50થી વધુની ઉંમરના લોકોના થયા હોવાથી રસી આપવામાં તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

શનિવારે પ્રથમ દિવસે હેલ્થ વિભાગના મુખ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકી સહિત તમામ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરો તેમજ વિવિધ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સહિતના ડૉક્ટરો રસી લેશે. હજુ પણ રસી માટે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે. જે લોકોએ મ્યુનિ.ના સરવે દરમિયાન અથવા મ્યુનિ.ની વેબસાઇટ ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને જ રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ રસી આપ્યા પછી (એડવર્સ ઇવેન્ટ ફોલોઇંંગ ઇમ્યુનાઇઝેશન) ઘરે ગયા બાદ આડઅસર થાય તો લાભાર્થી માટે મ્યુનિ.એ હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો છે. રસી લેનાર કોઈપણ લાભાર્થી આડઅસર માટે 104 અથવા 14499 પર કોલ કરી શકશે.

કોવિશિલ્ડ : એ બધું જે તમે જાણવા માગો છો
18 વર્ષથી વધુની વયના માટે જ કોવિશિલ્ડ રસી છે, ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ આ રસી લઈ શકશે નહીં. કોઇપણ બીમારી થઈ હોય અને સાજા થયાને 4 થી 8 સપ્તાહ થયા હોય તો જ કોરોનાની રસી લેવાની રહેશે.

કોવિશિલ્ડ રસી શું છે?
18 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકોને કોરોનાથી રક્ષણ આપવા ઇમર્જન્સી ઉપયોગ માટે આ રસી તૈયાર કરાઈ છે.

રસી લેતાં પહેલાં આટલી જાણકારી આપવી જરૂરી છે?

  • તમને કોઈ દવા, ખાદ્ય પદાર્થ, કોઈ રસી કે કોવિશિલ્ડની કોઈ સામગ્રીને કારણે એલર્જી થઈ છે કે નહિ.
  • તમને તાવ છે કે નહીં
  • લોહી પાતળું કરવાની કોઈ દવા લઈ રહ્યા છો કે નહીં
  • ઇમ્યુનિટી વધારવાની કોઈ દવા લઈ રહ્યા છો કે નહીં
  • ગર્ભવતી છો અથવા તો ગર્ભધારણ માટેની તૈયારી કરી રહ્યા છો કે કેમ.
  • બાળકોને સ્તનપાન કરાવી રહ્યાં હોવ તો જણાવવાનું રહેશે.
  • આ પહેલાં તમે કોરોના સામે કોઈ રસી લીધી છે કે કેમ. આ રસી લેતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

કોવિશિલ્ડ કોણે ન લેવી જોઈએ?
પહેલો ડોઝ લીધા પછી જો ગંભીર એલર્જી થઈ હોય તો

કોવિશિલ્ડ રસીમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરાયો છે?
એલ-હિસ્ટીડીન, એલ-હિસ્ટીડીન હાઈડ્રોક્લોરાઇડ મોનોહાઇડ્રેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ હેક્સાહાઈડ્રેડ, પોલિસોર્બેટ-80, ઇથેનોલ, સુકરોઝ, સોડિયમ ક્લોરાઇડ, ડાયસોડિયમ ઇડેટેટ ડાયહાઈડ્રેટ અને ઇન્જેક્શન માટે પાણી

રસી લેવામાં જોખમ શું છે?

  • દસમાંથી એક વ્યક્તિને આટલી બાબતો થવાની શક્યતા છે, જે ખૂબ જ સામાન્ય છે
  • ઈન્જેક્શન જ્યાં આપે ત્યાં દબાવવાથી દુ:ખાવો થાય, ગરમી થાય, લાલ ચકામો પડી જાય અથવા સોજો આવી શકે
  • તબિયત સારી ન લાગે, થાક લાગે
  • ધ્રુજારી કે તાવ જેવું લાગ્યા કરે
  • માથું દુ:ખે કે સાંધામાં દુ:ખાવો થઈ શકે

દસમાંથી એકને આ બાબતો પણ થઈ શકે, જે સામાન્ય છે

  • ઇન્જેક્શન આપે ત્યાં ગાંઠ થઈ શકે
  • તાવ આવે કે ઊલટી થઈ શકે
  • તાવ, ખાંસી, શરદી, ગળામાં ખરાશ લાગે

100માંથી એક વ્યક્તિને આ થઈ શકે, જે સામાન્ય ગણવામાં આવતું નથી

  • ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવી
  • પેટમાં દુ:ખાવો થવો.
  • પરસેવો થવો, ખૂબ જ ખંજવાળ આવવી

કોવિશિલ્ડ વેક્સિનથી મને ફરી કોરોના થઈ શકે છે?
ના. કોવિશીલ્ડ કોવિડ-19 વેક્સિનમાં સાર્સ કોવ-2ની હાજરી નથી અને તેનાથી કોરોનાનું સંક્રમણ થતું નથી.

અમદાવાદમાં 50થી વધુ વયના 7 લાખ લોકો

ઝોન50થી વધુ50 થી ઓછીકુલ
દક્ષિણ પશ્ચિમ58560170960269
પશ્ચિમ1259933675129668
ઉત્તર પશ્ચિમ1082761409109685
મધ્ય86215349889713
દક્ષિણ78301716785468
પૂર્વ1154282991118419
ઉત્તર1224554364126819
ઓનલાઈન8124427012394
કુલ70335229083732435
  • 56451 હેલ્થવર્કર્સ
  • 38322 ફ્રન્ટલાઈન વર્કર્સ
  • 703,352 50 વર્ષથી વધુની વયજૂથના
  • 29083 કો-મોર્બિડ

વેકસિન સ્ટોરેજ કેપેસીટી

વોકઈન કુલર1 (1.4 લાખ ડોઝની ક્ષમતા)
આઈસીઈ લીન્ડ રેફ્રિજરેટેર1 (60,000 ડોઝ)
ઝોન કક્ષાએ આઈસીઈ લીન્ડ રેફ્રિજરેટર7 (10000 ડોઝ)
અર્બન હેલ્થ સેન્ટર કક્ષાએ આઈએલઆર103 (2000 ડોઝ)
વેકસિન કેરિયર6119
કોલ્ડ બોક્સ110

આડઆસર થાય તો

  • કેન્દ્ર પર ફિઝિશિયન મળશે
  • દક્ષિણ અને મધ્ય- એલ.જી.હોસ્પિટલ
  • દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ- વી.એસ.હોસ્પિટલ
  • ઉત્તર અને પૂર્વ- શારદાબેન હોસ્પિટલ

વેકિસન કેન્દ્ર

  • 308 પ્રત્યેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ ચાર સ્કૂલ
  • 37 હોસ્પિટલોમાં પણ રસી આપવાની કામગીરી થશે

રિસ્ક બેનિફિટ રેશિયા માટે પણ રસી લેવી જોઈએ
મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, આ વેક્સિન ખુબ જ સેફ છે. દરેકે આ રસી લેવી જોઈએ. હું પણ આવતીકાલે રસી લેવાનો છું, તેનું કારણ એ છે કે રિસ્ક બેનિફિટ રેશિયો પણ ગણવો પડે છે અને મારી સાથેના ટીમના તમામ હેલ્થ વર્કર પણ રસી માટે પ્રેરિત થાય તે ખૂબ જ જરૂરી છે. ​​​​​​​

મારા સ્ટાફે મને પૂછ્યું તમે રસી લેશો? મેં હા પાડી
એસવીપીના સુપરિટેન્ડન્ટ ડૉ. એસ.ટી. મલ્હાને કહ્યું- મેં જ્યારે મારી હોસ્પિટલના સ્ટાફ અને એચઓડીની મીટિંગ લીધી ત્યારે સૌ કોઈનો સવાલ એ હતો કે શું તમે રસી લેવાના છો? મેં હા પાડી હતી અને આવતીકાલે હું રસી લેવાનો છું.રસી લેવા માટે સૌ કોઈ અલગ અલગ રીતે વિચારી રહ્યા છે પણ રસી લેવી યોગ્ય છે.

વેક્સિન સેફ છે, દરેકે લેવી જોઈએ
હેલ્થ રજિસ્ટ્રાર ડૉ. દિવ્યાંગ ઓઝાએ જણાવ્યું કે, જે રસી આપવાની છે તે અનેક પરિક્ષણમાંથી બહાર આવી છે. તેની મહદઅંશે કોઈપણ સાઇડ ઇફેક્ટ પરિક્ષણમાં જણાઈ નથી અને આ વેક્સિન સેફ છે. કોરોનાનું રિસ્ક ઓછું કરવા માટે પણ આ રસી લેવી જોઈએ. હું પણ આવતીકાલે આ રસી લેવાનો છું.

( Source – Divyabhaskar )