અંબાસણ ગામના – કેનેડામાં રહેતા પૌત્રનો દાદીને લાગણીસભર પત્ર ‘છેલ્લા સમયે તારી જોડે નહીં હોવાનો પસ્તાવો જીવીશ ત્યાં સુધી રહેશે’

અંબાસણ ગામના – કેનેડામાં રહેતા પૌત્રનો દાદીને લાગણીસભર પત્ર ‘છેલ્લા સમયે તારી જોડે નહીં હોવાનો પસ્તાવો જીવીશ ત્યાં સુધી રહેશે’

બા તારી ખોટ નહીં પૂરાય, તને યાદ કરું તો રડવાની જગ્યાએ મને હસતો કરી દેશે

દોઢેક વર્ષથી કેનેડામાં રહેતા અંબાસણ ગામના શિક્ષક કનુભાઇ પટેલના 27 વર્ષીય પુત્ર સૌરભને 83 વર્ષીય દાદી સંતોકબાના સ્વધામના સમાચાર મળતાં તેણે બાના સંસ્મરણો વાગોળતો લાગણીસભર પત્ર લખ્યો છે. જે વોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં મૂકતાં સંખ્યાબંધ લાઇક્સ મળી છે. સંબંધોની મીઠાશ આપતા પત્રના અંશો..

27 વર્ષીય સૌરભને 83 વર્ષીય દાદી સંતોકબા

ૐ શાંતિ! બા તારા જવાથી જે ખોટ પડી છે એ કદાચ હું શબ્દોમાં વર્ણન નહીં કરી શકું. પણ તું ગઈ છે તો સાથે બહુ જ સારી યાદો મૂકીને ગઈ છે. જે યાદ કરું તો હું રડવાની જગ્યાએ મને હસતો કરી દેશે અને કંઈક શીખવાડશે, જે છેલ્લા 25 વરસથી હું જોતો હતો. છેલ્લા સમય તારી જોડે નહીં હોવાનું પસ્તાવો મને જીવીશ ત્યાં સુધી રહેશે. બાળપણથી જ મારા મમ્મી પપ્પા તું હતી કારણ કે મને કંઈપણ દુઃખ હોય તો એમના પહેલા તું હાજર હોય.

સાંજે શાળાથી આવું તો નાસ્તો તૈયાર જ હોય, કારણ કે તને ખબર હોતી કે પહેલા આવીને હું એ જ માંગીશ અને હા છાસ વલોવ્યા પછી વધેલું માખણ અમે ખાઈએ નહીં ત્યાં સુધી પાછળ પાછળ જ ફર્યા કરતી. તાવ આવે તો ડૉક્ટર કરતાં વધારે સારી દેશી દવા તારી પાસે હાજર હોતી. અમને નાનું અમથું કંઈક વાગે તો તું તરત દવા કરતી અને બહુ ધમકાવતી કે સાચવીને ફરો.

જ્યારે તને ગમે તેવો તાવ કે જખમ હોય તો અમારે સામેથી તને આરામ કરવા કેવું પડે. હું 100 માંગુ તો તું 200 આપતી અને હા એનો હિસાબ પણ આપવાનો કે ક્યાંય ખોટા તો નથી વાપર્યા ને. તું જ્યારે માથામાં તેલ નાખતી ત્યારે મને એટલી શાંતિ મળતી કે હું ક્યાંય વિચારોમાં ખોવાઈ જતો અને તું ઉભી કરતી કે ચાલ ઉભો થા અને હું હજુ 5 મિનિટ વધારે બા પ્લીઝ કહીને તને મનાવી લેતો. જો મમ્મી મારે તો તારી આગળ આવીને રડવાનું એટલે મમ્મીનું આઈ બન્યું સમજો.

અને હા તું ગીતા વાંચતી વખતે અમુક ફકરા મારી જોડે તું ખાસ વંચાવતી અને એનો મતલબ તું જાણતી હોય છતાં મારે તને ખબર ના હોય એમ સમજાવાનો. ખોટું કોઈ દિવસ બોલવાનું નહીં કે કોઈનું ચલાવી નહીં લેવાનું અને હા બચત કેવી રીતે કરવી એ તારા જોડેથી જ કોઈક શીખી શકે. કારણ કે, દરેક સારા પ્રસંગે તારી જોડે કૈંક એક્સ્ટ્રા હોય જ. જે તું બધાને આપતી. દાદા લગભગ 30 વરસ પહેલાં ધામ થયેલા, ત્યારથી આજ સુધી તે જે શૂન્યમાંથી સર્જન કરવા સંઘર્ષ કર્યો છે એના દસમા ભાગનો પણ કદાચ અમે ના કરી શકીએ.

દરેક પૂનમે તને ગાડીમાં બેસાડીને તારા મનપસંદ ભજનો ગાડીમાં વગાડવાના અને તને અલગ અલગ મંદિરે ફેરવવાની એના પછી તારી સાથે આપડા દરેક ખેતરમાં ફરવાનું અને હા કોઈપણ બમ્પ પર ગાડી કૂદવી ના જોઈએ, તને એ વીઆઈપી સુવિધા આપવાની બહુ જ મજા આવતી. જાણે એમ લાગે કે આપડે બે જણા ડેટ પર નીકળ્યા છીએ. રાતે વહેલા સૂઈ જઈ ફરજિયાત વહેલા ઉઠવાનું અને કોઈપણ દિવસ હોટેલનો કે બહારનો નાસ્તો નહીં ખાવાનો કદાચ એ જ તારા આટલા મોટા આયુષ્ય અને તંદુરસ્તીનું કારણ છે. અંતમાં એમ કહીશ કે તું જોડે હોય તો એમ લાગતું કે, ભગવાન આપડી જોડે બેઠા છે આપણને કોઈ તકલીફ છે જ નહીં.

તારી હાજરી અને તારી રસમય વાતો અમે દાયકાઓથી દરેક સુખ-દુઃખમાં જોતા આવ્યા છીએ. અમે ભૂલી જ ગયા કે કોઈક દિવસ તારે પણ અમારા બધાથી દૂર જવું પડશે, જે માન્યામાં જ નથી આવતું. હે ભગવાન, બાના આત્માને શાંતિ આપજે અને જન્મોજન્મ સુધી અમને આવા જ બા મળે એવી તારા ચરણોમાં પ્રાર્થના.

બા, તને મારુ પર્સનલ ગૂગલ કહીશ, સાૈરભ
તને મારુ પર્સનલ ગૂગલ કહીશ, કારણ કે તારી જોડે મારા અને ઘરના બધા જ સભ્યોના પ્રશ્નોના જવાબ હોય. આપડી જોડે કંઈ નહીં તો ચાલશે પણ હાસ્ય સાથે હંમેશા આંગણે આવતા દરેક મહેમાનને બોલાવ્યા અને જમાડ્યા છે અને કોઈ નાના કે ગરીબ માણસને તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હંમેશા આપી છે, જે જોઈને બહુ જ આનંદ થતો.

( Source – Social Media )