બિનજરૂરી વિવાદ ટાળવાનો હેતુ : મતદારયાદીમાંથી મૃત્યુ સિવાયના કેસમાં નામ દૂર નહીં કરવા નિર્ણય

બિનજરૂરી વિવાદ ટાળવાનો હેતુ : મતદારયાદીમાંથી મૃત્યુ સિવાયના કેસમાં નામ દૂર નહીં કરવા નિર્ણય

  • મ્યુનિ.ની આગામી ચૂંટણી પૂર્વે બિનજરૂરી વિવાદ ટાળવાનો હેતુ
  • નામ-સરનામું બદલાવનારે નવા સ્થળે મતદાન કરવાનું રહેશે

મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ગત વખતની ચૂંટણીમાં મતદાર યાદી માંથી નામ ડિલિટ કરવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. જેને ધ્યાનમાં રાખી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાંથી નામ ડિલિટ કરાયા નથી. મૃત્યુ સિવાયના કિસ્સામાં મતદાર યાદીમાંથી નામ રદ કરાયું નથી. ચૂંટણી બાદ નામ- સરનામા સુધારણાની વિવિધ અરજી અંતર્ગત નામ ડિલિટ કરાશે.

મતદારયાદીમાં નામ કે સરનામું સુધારવા માટે અરજી કરનાર મતદારે નવા નામ અને સરનામાના સ્થળે જ મતદાન કરવાનું રહેશે. નવા સ્થળે મતદારયાદીમાં નામ સામેલ કરી દેવાયું છે. જૂના સ્થળે મતદારયાદીમાં નામ યથાવત હશે પણ મતદાર જૂના સ્થળે મતદાન કરી શકશે નહીં.

ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં માંથી કોઈપણ પ્રકારની અરજી વગર નામ ડિલિટ કરી દેવાયા હતા. જેમાં ટિકિટ મેળવવા માટે દાવેદારી કરનાર અગ્રણી કાર્યકરના નામ પણ ડિલિટ થઈ ગયા હતા. આવી જ સ્થિતિ જીલ્લા પંચાયતની મતદાર યાદીમાં સર્જાઈ હતી.

મતદારયાદીમાં સુધારા કરી દેવાયા
અમદાવાદ જિલ્લા અધિક કલેકટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારો દ્વારા નામ અને સરનામું બદલવા કરાયેલી અરજીનો નિકાલ કરી મતદારયાદીમાં સુધારો-વધારો કરી દેવાયો છે. પરંતુ મતદારયાદીમાં સંબંધિત અરજદારોના જૂના નામ અને સરનામા હાલ ડિલિટ કરવામાં આવ્યા નથી. મૃત્યુના કિસ્સામાં મરણ સર્ટિફિકેટના આધારે નામ ડિલિટ કર્યા છે.

( Source – Divyabhaskar )